- National
- ઉમેશ પાલ મર્ડર કેસમાં UP પોલીસની કાર્યવાહી, અતિકની નજીકનો એન્કાઉન્ટરમાં ઠાર થયો!
ઉમેશ પાલ મર્ડર કેસમાં UP પોલીસની કાર્યવાહી, અતિકની નજીકનો એન્કાઉન્ટરમાં ઠાર થયો!
પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેના ગનરની ધોળા દિવસે થયેલી હત્યાના કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઉમેશ પાલ હત્યા કેસમાં એક આરોપીનું એન્કાઉન્ટર થયું છે. અરબાઝ નામના આ બદમાશને પોલીસે ઠાર માર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, SOG અને પ્રયાગરાજ પોલીસે આ એન્કાઉન્ટર નેહરુ પાર્કના જંગલમાં કર્યું છે. બાકીના આરોપીઓની શોધખોળ ઝડપી બનાવવામાં આવી છે.
ઉમેશ પાલની હત્યામાં જે ક્રેટા કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને અરબાઝ ચલાવતો હતો. માર્યા ગયેલા બદમાશ અરબાઝ પૂર્વ સાંસદ અતીક અહેમદનો નજીકનો હોવાનું કહેવાય છે. અરબાઝ અતીક અહેમદની કાર પણ ચલાવતો હતો. અરબાઝને ધુમાનગંજ વિસ્તાર સ્થિત નેહરુ પાર્કના જંગલમાં ઠાર મારવામાં આવ્યો છે. આ એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે.
અરબાઝે પહેલા શૂટરોને ઉમેશ પાલની કારની સામે ઉતાર્યા અને પછી ઝડપથી કારને બીજી તરફ લાવ્યો, જેમાં બેસીને ઘટના બાદ શૂટરો ભાગી ગયા હતા. શૂટર કારમાંથી નીચે ઉતરતાની સાથે જ તેણે કારને ઝડપથી આગળ વધારી દીધી હતી.

અરબાઝ પ્રયાગરાજના સલ્લાપુરનો રહેવાસી છે. પોલીસ દિવસ દરમિયાન અરબાઝનો પીછો કરતા ધુમાનગંજના નેહરુ પાર્ક પાસે પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ દરમિયાન અથડામણ થઇ હતી, જેમાં અરબાઝ માર્યો ગયો હતો. અરબાઝને છાતી અને પગમાં ગોળી વાગી છે. આ એન્કાઉન્ટર દરમિયાન ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ ઘાયલ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, BSP ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યા બાદ ઉત્તર પ્રદેશમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સની 10 ટીમો હત્યારાઓની શોધમાં દિવસ-રાત દરોડા પાડી રહી છે. આ દરમિયાન પૂર્વ સાંસદ અતીક અહેમદના ઘરેથી સફેદ રંગની ક્રેટા કાર મળી આવી છે. ગોળીબાર કર્યા બાદ બદમાશો કાર છોડીને ભાગી ગયા હતા.
આ હત્યાનો આરોપ પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેમના પુત્રો પર જ છે. પોલીસે ક્રેટા કાર જપ્ત કરી છે. આ કાર અતિક અહેમદના ઘરથી 200 મીટરના અંતરે પાર્ક કરેલી મળી આવી હતી. સફેદ રંગની ક્રેટા કારમાં નંબર પ્લેટ પણ નથી. શૂટર સફેદ રંગની ક્રેટા કારમાં ઉમેશ પાલનો પીછો કરતા પહોંચ્યા હતા.

ઝડપાયેલી ક્રેટા કારના એન્જિન નંબર અને ચેસીસ નંબરની મદદથી પોલીસ તપાસમાં લાગેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાને અંજામ આપ્યા બાદ શૂટર અતીક અહેમદના ઘર પાસે કાર છોડીને ભાગી ગયો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે ઉમેશ પાલને મારવા આવેલા 7 શૂટર્સમાંથી 2 અતિક અહેમદ ગેંગના હતા.
ઉમેશ પાલ અને તેના સરકારી ગનરની હત્યા કરનારાઓની શોધમાં પોલીસ અને STFની 10 ટીમો સતત દરોડા પાડી રહી છે અને તપાસ કરી રહી છે. હત્યારાઓને પકડવા માટે પોલીસ પ્રયાગરાજથી બહાર જતા તમામ માર્ગો પર વિશેષ ચેકિંગ ઓપરેશન ચલાવી રહી છે. એટલું જ નહીં, પ્રયાગરાજમાં શંકાસ્પદોના અડ્ડા પર આખી રાત દરોડા પાડવામાં આવ્યા છે.
પોલીસના દબાણને કારણે હત્યારાઓ પ્રયાગરાજ છોડીને ભાગી ન જાય તે માટે જિલ્લાની સરહદે પણ ચેકિંગ ચાલુ છે. લખનઉની STF ટીમે પણ પ્રયાગરાજમાં પડાવ નાખ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, UP STFની પ્રયાગરાજ યુનિટ એડિશનલ SP રેન્કના અધિકારીની આગેવાની હેઠળ ઉમેશ પાલ હત્યા કેસમાં આરોપીઓની તપાસ કરી રહ્યું છે.

દરમિયાન, UP પોલીસે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદની પૂછપરછની તૈયારી કરી લીધી છે. સૂત્રોનું કહેવું છે કે, સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદે આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ઉમેશ પાલ અતિક અહેમદના નજીકના પ્રોપર્ટી ડીલરના સોદામાં સતત અવરોધો ઉભા કરી રહ્યો હતો. યુપી STFને ઘટનાસ્થળેથી ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.
શુક્રવારે પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેના ગનરને બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. રાજુપાલ હત્યા કેસમાં ઉમેશ પાલ સાક્ષી હતો. ઉમેશ કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ બદમાશોએ તેના પર ગોળીબાર કર્યો. આ દરમિયાન ગોળી વાગવાથી તેનું અને તેના ગનરનું મોત થયું હતું. બદમાશોએ 44 સેકન્ડમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો.

