પોર્ન સાઇટ પર ફોટા મૂકીને પછી હટાવવાની ધમકી આપી રૂપિયા પડાવતો કેબ ડ્રાઇવર પકડાયો

PC: indiatoday.in

તારા ફોટો અને વીડિયો પોર્ન સાઇટ પર અપલોડ કરી દીધા છે, જો હટાવવા હોય તો રૂપિયા આપવા પડશે. આવી રીતે 24 મહિલાઓને બ્લેકમેલ કરતો કેબ ડ્રાઇવર પોલીસના હાથમાં આવી ગયો છે. મહિલાઓના ફોટા મોર્ફ કરીને બ્લેકમેલ કરતો હતો.

ધમકી આપીને મહિલાઓને બ્લેકમેલ કરતા એક વ્યકિતની પોલીસે ધરપકડ કરી છે. આરોપી કેબ ડ્રાઇવર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે કહ્યું કે, આરોપી મહિલાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટસ હેક કરતો હતો પછી ત્યાંથી ફોટો ઉંચકીને મોર્ફ કરતો હતો. એ પછી મહિલાઓને પોર્ન સાઇટ પર અપલોડ કરવાની ધમકી આપતો હતો.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલામાં જણાવ્યા મુજબ આરોપીનું નામ અજય ઉર્ફે વિનોદ કિશનરાવ મુંડે છે. 25 વર્ષીય અજય પરભણી જિલ્લાના ગૌતમ નગરમાં રહે છે. વીપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર સંતોષ ધનવટેએ જણાવ્યું હતું કે, "મુંડે ફેસબુક પર મહિલાઓને એક લિંક વડે મેસેજ કરતો હતો. લિંક પર ક્લિક કરવાથી મહિલાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ જતું હતું. ફરી એ જ એકાઉન્ટ સાથે જોડાયેલી અન્ય મહિલાઓને પણ તે લિંક મોકલતો અને એ રીતે તે ઘણી મહિલાઓના એકાઉન્ટ હેક કરી ચૂક્યો છે.

પોલીસે કહ્યું કે, વિનોદ મુંડે મહિલાઓને મેસેજ કરતો હતો અને કહેતો હતો કે તેમની તસ્વીરો અને વીડિયો પોર્ન સાઇટ પર અપલોડ કરી દેવામાં આવી છે. આરોપી મહિલાઓને મોર્ફ્ડ કરેલા ફોટો અને વીડિયો પણ મોકલતો હતો. પછી પોર્ન સાઇટ પરથી હટાવવા માટે પૈસા માંગતો હતો.

પોલીસ સબ- ઇન્સ્પેકટર રાહુલ પાટીલે કહ્યુ કે, આરોપી મહિલાઓ પાસે 5,000થી 10,000 રૂપિયા જેટલી નાની રકમ જ માંગતો હતો. આરોપીનું માનવું હતું કે નાની રકમ માંગવાને કારણે મહિલાઓ ફરિયાદ નહીં કરશે. પરંતુ 3 મહિલાઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને અમે કેબ ડ્રાઇવરને લાતૂરથી પકડી લીધો હતો. તેનું લાતૂર, નાંદેડ, પરભણી અને પરાલીમાં આવવા-જવાનું થતું હતું. તપાસમાં અમને જાણવા મળ્યું છે કે આરોપીએ 24 જેટલી મહિલાને બ્લેકમેલ કરીને તેમની પાસેથી પૈસા પડાવ્યા છે.

પોલીસે કહ્યું કે મુંડે એક કંપનીમાં કેબ ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. એ અનેક વખત નોકરી છોડતો અને નવી નોકરી પકડી લેતો. મુંડેની સામે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ છેતરપિંડી કરવા સહિતની અનેક કલમો લગાવવામાં આવી છે. પોલીસે કહ્યું કે, આવી ઘટના કોઇની પણ સાથે થઇ શકે છે. આનાથી બચવાનો ઉપાય એ છે કે તમારા મોબાઇલ પર કોઇ પણ અજાણ્યા વ્યકિતએ લીંક મોકલી હોય તો તેની પર ક્લીક કરશો નહીં. બીજું કે આવી ઘટના બને તો ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરજો જેથી આરોપીને પકડી શકાય. 24માંથી 3 જ મહિલાઓએ હિંમત કરીને પોલીસને ફરિયાદ કરી હતી અને આરોપી પકડાઇ ગયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp