કુદરતી માર કે વિકાસનો વાંક? ઉત્તરાખંડ-હિમાચલમાં જે વિનાશ થયો તેના જવાબદાર કોણ!

PC: thehindu.com

ઉત્તર ભારતની શાન કહેવાતા બે રાજ્યો હાલની સ્થિતિમાં વધતી વસ્તી અને માનવીય ભૂલોનું પરિણામ ભોગવી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં માટી અને મકાનો જમીનદોસ્ત થતા જોવા મળી રહ્યા છે. ચારેય બાજુ તબાહી છે. તબાહી એટલી કે તેને સાંભળવી પણ મુશ્કેલ છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આ બંને રાજ્યોમાં પાછલા બે મહિનામાં જે પ્રકારે તબાહી થઇ છે તેના બોજા નીચે ત્યાં વસેલા લોકો દબાયા છે.

તેમાં પણ હિમાચલ પ્રદેશની સ્થિતિ સૌથી ખરાબ છે. રાજ્યના લગભઘ 1000થી વધારે રસ્તાઓ પર અવરજવર બંધ છે. 2000થી વધારે બસ રૂટ રોકી દેવામાં આવ્યા છે. જિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાએ 17120 જગ્યાઓ પર લેન્ડસ્લાઇડની આશંકા વ્યક્ત કરી છે. હિમાચલનો કોઈ એવો પહાડી વિસ્તાર નથી, જેમાં રેડ એલર્ટ ન આપવામાં આવ્યું હોય. આવા જ કંઇ હાલ ઉત્તરાખંડના પણ છે. જ્યાં ભારે વરસાદ પછી તબાહી અને લેન્ડસ્લાઇડથી ચારેય તરફ નુકસાની જ નુક્સાની જોવા મળી રહી છે.

શું આયોજન વિનાના વિકાસની માર પડી આ બે રાજ્યો પર?

આ બંને રાજ્યોમાં જે તબાહી થઇ તેના અલગ કારણો છે. પણ મોટાભાગના ઈન્વાયરોમેન્ટલોજિસ્ટ આ રાજ્યોમાં થઇ રહેલા યોજનાના વિનાના વિકાસને તેના જવાબદાર માની રહ્યા છે. હવામાન વિભાગના પૂર્વ એડીશનલ ડીજી આનંદ શર્મા કહે છે કે, વિકાસ એવો હોવો જોઇએ જે વિનાશ ન બને. આ રાજ્યોમાં અમુક પહાડો એવા છે જ્યાં રસ્તા બનવા જોઇએ નહીં. જો બનાવવા છે તો જિયોલોજિકલ સર્વે પછી નિર્ણય લેવો જોઇએ. પણ આવું થઇ રહ્યું નથી. પહાડી ક્ષેત્રોમાં કંસ્ટ્રક્શન થઇ રહ્યું છે, વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે.

સહેલાણીઓનો વધતો બોજો

હિમાચલ અને ઉત્તરાખંડમાં પર્યટકોની સંખ્યા સતત વધી રહી છે. કોરોના કાળના બે વર્ષ 2020-2021ને છોડી દેવામાં આવે તો અહીં સહેલાણીઓની સંખ્યા સતત વધી રહી છે. હાલમાં જ બહાર પાડવામાં આવેલી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, 1980માં મનાલીમાં માત્ર 10 હોટલો હતી. જેની સંખ્યા 2022માં 2500થી પણ વધારે થઇ ચૂકી છે.

ગ્લોબલ વોર્મિંગ

પહાડી વિસ્તારોમાં વધી રહેલી લેન્ડસ્લાઇડની ઘટનાઓનું કારણ ગ્લોબલ વોર્મિંગ પણ છે. પર્યાવરણવિદ્ પદ્મભૂષણ અનિલ પ્રકાશ જોશી અનુસાર, લેન્ડસ્લાઇડની ઘટનાઓ હજુ પણ બંધ થવાની નથી. કારણ કે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. તેને લઇ વરસાદનું પ્રમાણ વધશે. વધારે વરસાદથી પહાડો પણ નબળા બને છે.

પહાડો પર થઇ રહેલ નિર્માણ

અનિલ પ્રકાશ જોશી માત્ર ગ્લોબલ વોર્મિંગને જ આનું કારણ નથી માની રહ્યા. પહાડો પરના નિર્માણમાં જે પ્રકારની ટેક્નિકનો ઉપયોગ થઇ રહ્યો છે તે હાનિકારક છે. રસ્તાઓ પહેલા પણ બનતા હતા પણ ત્યારે કુદાલ અને ફાવડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. મહિનાઓમાં 5 કિમી સુધીના રસ્તા બની શકતા હતા. હવે JCB અને હાઈટેક મશીનોથી પહાડો કાપવામાં આવી રહ્યાછે. એક મહિનામાં 50 કિમીનો રસ્તો બનાવી દેવામાં આવી રહ્યો છે. જે વિનાશનું કારણ બની રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp