વિનાયક સાવરકરના પરિવારે કોર્ટમાં રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો

PC: bhaskar.com

સાવરકર અને રાહુલ ગાંધીનું યુદ્ધ ચાલુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સ્વાતંત્ર્ય સંગ્રામમાં સાવરકરના યોગદાન પર સવાલ ઉઠાવી રહ્યા છે. સાવરકર બ્રિટિશ શાસન દરમિયાન માફી માંગીને આંદામાન જેલમાંથી બહાર આવ્યા તે જાણીતી હકીકત છે.

સ્વર્ગીય વિનાયક દામોદર સાવરકરના પૌત્રે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ફોજદારી માનહાનિની ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપ છે કે ભૂતપૂર્વ સાંસદે યુનાઇટેડ કિંગડમ (UK)ની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન સાવરકર વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કર્યા હતા.

સત્યકી સાવરકર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધી વર્ષોથી વિવિધ પ્રસંગોએ સાવરકરને 'વારંવાર બદનામ' કરતા હતા.

આવો જ એક પ્રસંગ 5 માર્ચ, 2023ના રોજ આવ્યો, જ્યારે રાહુલ ગાંધી યુનાઇટેડ કિંગડમ (UK)માં ઓવરસીઝ કોંગ્રેસની બેઠકને સંબોધિત કરી રહ્યા હતા. ફરિયાદીએ દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીએ જાણી જોઈને સાવરકર વિરુદ્ધ ખોટા આરોપો લગાવ્યા હતા, જેથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન થાય, તેઓ જાણતા હતા કે આ ખોટું છે.

ફરિયાદીએ એવો પણ દાવો કર્યો હતો કે, રાહુલ ગાંધીએ તેમને અને તેમના પરિવારને માનસિક ત્રાસ આપવા માટે જાણીજોઈને આવા શબ્દો ઉચ્ચાર્યા હતા.

પુણેમાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, જો કે રાહુલ ગાંધી દ્વારા ઈંગ્લેન્ડમાં 'નિંદાકારક અપશબ્દો' ધરાવતું વાસ્તવિક ભાષણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં તેની અસર પુણેમાં અનુભવાઈ હતી, કારણ કે તે સમગ્ર ભારતમાં પ્રકાશિત અને પ્રસારિત કરવામાં આવ્યું હતું.

ફરિયાદમાં એ જોર આપવામાં આવ્યું હતું કે, 'રાહુલ ગાંધી એક રીઢો ગુનેગાર છે અને સાવરકર અને અન્યો વિરુદ્ધ નિયમિતપણે બદનક્ષીભર્યા નિવેદનો બહાર પાડી રહ્યા છે. હકીકતમાં, તેઓ તાજેતરમાં એક કેસમાં ફોજદારી માનહાનિ માટે દોષી ઠેરવવામાં આવ્યા છે અને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓને બદનામ કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ ઓછામાં ઓછા પાંચ કે છ અન્ય કેસ વિવિધ અદાલતોમાં પેન્ડિંગ છે.'

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાત્યકીએ બુધવારે કહ્યું, મેં કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કોર્ટે હજુ સુધી અરજી સ્વીકારી નથી અને અમને આશા છે કે શનિવાર સુધીમાં અરજી સ્વીકારવામાં આવશે.

ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈ ફરિયાદીએ રાહુલ ગાંધીને સમન્સ આપવા અને કાયદા મુજબ તેમની સામે કાર્યવાહી કરવા અને તેમને મહત્તમ સજા કરવાની માંગ કરી છે. તેમણે કોંગ્રેસના નેતા પાસેથી વળતરની પણ માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp