હેવાનિયતની શિકાર મહિલાઓ બોલી-પોલીસે કંઇ ન કર્યુ, અમને હેવાનોના હવાલે છોડી દીધા

રોડથી સંસદ સુધી મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાની ઘટના ગુંજી રહી છે. આ દરમિયાન પીડિતાઓએ પોતાની સાથે થયેલી હેવાનિયતની ડરામણી કહાની શેર કરી છે. તેઓ સતત પોલીસ પર આરોપ લગાવી રહી છે. હાલમાં ઘટના પર હવે સુપ્રીમ કોર્ટ પણ એલર્ટ મોડ પર છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડની આગેવાનીવાળી બેન્ચે સરકારને અલ્ટિમેટમ આપી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, 18 મેના રોજ પીડિતાઓ તરફથી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં એક મહિલા સાથે નિર્દયી અને સામૂહિક બળાત્કારની વાત કહેવામાં આવી હતી.
પીડિતાઓનું કહેવું છે કે, કાંગપોક્પી ગામ પર હુમલો થયા બાદ તેઓ જંગલ તરફ ભાગી રહ્યા હતા, જ્યાંથી થૌઉબલ પોલીસે તેમને બચાવ્યા અને પોલીસ સ્ટેશન લઈ જઇ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, રસ્તામાં જ ભીડે લગભગ 2 કિલોમીટર અગાઉ રોકી લીધા હતા. બંને મહિલાઓની ઉંમર 20 અને 40 વર્ષની આસપાસ બતાવવામાં આવી રહી છે. પોલીસ ફરિયાદમાં પીડિતાઓએ જણાવ્યું કે, 5 લોકો સાથે હતા, 2 પુરુષ અને 3 મહિલાઓ. એક તરફ લગભગ 50 વર્ષીય મહિલાને કપડાં ઉતારવા મજબૂર કર્યા.
આરોપ છે કે ત્રણેયમાં સૌથી નાની મહિલાના પિતા અને ભાઈને ભીડે મોતને ઘાટ ઉતારી દીધા. એક મીડિયા રિપોર્ટ મુજબ, હેવાનીની શિકાર 20 વર્ષીય યુવતીએ કહ્યું કે, અમારા ગામ પર હુમલો કરી રહેલી ભીડ સાથે પોલીસ હતી. પોલીસે અમને અમારા ઘર પાસેથી ઉઠાવ્યા અને ગામથી થોડે દૂર લઈ ગયા અને અમને ભીડ સાથે રોડ પર છોડી દીધા. પોલીસે અમને તેમના હવાલે કરી દીધી હતી. પીડિતાનું કહેવું છે કે બધા પુરુષોના માર્યા ગયા બાદ ભીડે જે મનમાં આવ્યું એ કર્યું. તે કહે છે કે, આ ઘટનાના વીડિયો બાબતે પરિવારમાં કોઈને ખબર નહોતી. પીડિતાએ જણાવ્યું કે, ઘણા લોકો હોવા છતા તે કેટલાક લોકોને ઓળખે છે. એક વ્યક્તિ તેના ભાઇનો મિત્ર પણ હતો.
એવા સમાચાર મળી રહ્યા છે કે આ બાબતે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે પણ તેની પુષ્ટિ કરી છે. આરોપીનું નામ ખુરિયમ હીરો દાસ બતાવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોનસૂન સત્રના પહેલા જ દિવસે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો. મણિપુરની ઘટના પર મારું દિલ દુઃખી છે. આખું રાષ્ટ્ર શર્મીંદગી અનુભવે છે. એવી ઘટનાઓ આખા દેશ અને દરેક દેશવાસી માટે કલંક છે. તેમણે આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહીની વાત કહી.
તેમણે કહ્યું કે, કોઈને છોડવામાં નહીં આવે અને કાયદો ઉચિત કાર્યવાહી કરશે. તેમને ક્યારેય માફ કરવામાં નહીં આવે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે મણિપુરની ઘટના પર સ્વતઃ સંજ્ઞાન લીધું અને રાજ્ય અને કેન્દ્ર સરકારને આ બાબતે રિપોર્ટ દાખલ કરવાના નિર્દેશ આપ્યા. તેની સાથે જ CJIએ ઘટનામાં સરકાર પાસે દખલઅંદાજી કરવાની અપીલ કરી. હાલમાં સુપ્રીમ કોર્ટ આ ઘટનાને લઈને 28 જુલાઇના રોજ સુનાવણી કરવા જઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp