ભોંયરાની ચાવી નહીં આપીએ, જ્ઞાનવાપી સરવેમાં મુસ્લિમ પક્ષની જીદ

PC: opindia-com.translate.goog

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી સંકુલમાં આજે ત્રીજા દિવસે વૈજ્ઞાનિક સર્વેક્ષણની કામગીરી શરૂ કરી છે. સર્વેની ટીમ આજે ભોંયરામાં જઈને સર્વે કરે તેવી શક્યતા છે. દરમિયાન, મુસ્લિમ પક્ષે સર્વે ટીમને ભોંયરાની ચાવીઓ આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ જે રૂમ જોવા માંગે છે તે ખોલી આપવામાં આવશે.

મીડિયા સૂત્રો અનુસાર, મુસ્લિમ પક્ષકારોના વકીલ મુમતાઝ અહેમદે કહ્યું કે, અમે સર્વેમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ પરંતુ અમે તેમને ભોંયરાની ચાવી આપીશું નહીં. અહેમદના કહ્યા અનુસાર, ટીમ જે પણ દરવાજો ખોલવાનું કહેશે, તે ખોલી આપવામાં આવશે. અહેમદે જણાવ્યું કે, મસ્જિદના ઉપરના ભાગમાં હજુ પણ સર્વે ચાલુ છે. મુસ્લિમ પક્ષે ભોંયરાના તાળા ખોલવાની કે ચાવી આપવાની ના પાડી દેતાં શનિવારે પણ ભોંયરાનો સર્વે શરૂ થઈ શક્યો ન હતો. તેમના કહેવા મુજબ ભોંયરામાં કચરો અને માટી જમા થવાના કારણે હજુ સુધી તેનો સર્વે શરૂ થઈ શક્યો નથી. એટલા માટે ભોંયરું ખોલીને તેની સફાઈ કરવામાં આવશે.

આ બાજુ સરકારી વકીલ રાજેશ મિશ્રાએ કહ્યું છે કે, રવિવારે ભોંયરામાં સર્વે કરવામાં આવશે. હિંદુ પક્ષના વકીલ અનુપમ દ્વિવેદીએ શનિવારે હિંદુ ચિહ્નો અને તેના પ્રતીક મળ્યાનો દાવો કર્યો હતો. ટીમે GNSS મશીન વડે બેઝમેન્ટની 3-D ઈમેજ તૈયાર કરી છે. આ મશીન સેટેલાઇટની મદદથી ચલાવવામાં આવે છે. હિંદુ પક્ષના વકીલે કહ્યું કે, સર્વેક્ષણ ટીમે મસ્જિદ સંકુલના સેન્ટ્રલ ડોમ હોલનો સર્વે કર્યો જ્યાં નમાઝ અદા કરવામાં આવે છે અને તે જગ્યાની ફોટોગ્રાફી અને મેપિંગ કરવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, સર્વેક્ષણ ટીમે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં વ્યાસ પરિવારના કબજામાં રહેલા ભોંયરામાં પણ સર્વે કર્યો હતો, પરંતુ સર્વેક્ષણ ટીમ મુસ્લિમ પક્ષના કબજા હેઠળના બીજા ભોંયરામાં પહોંચી શકી નથી. તેમણે જણાવ્યું કે જ્ઞાનવાપી સંકુલમાં કુલ ચાર ભોંયરાઓ છે, જેમાંથી એક વ્યાસ પરિવારના કબજામાં છે અને બીજું મુસ્લિમ પક્ષના કબજામાં છે. બાકીના બે બેઝમેન્ટ કાટમાળથી ભરેલા છે.

શનિવારે દિવસભર ચાલેલા સર્વે દરમિયાન બંને પક્ષના વકીલો સર્વે ટીમ સાથે હતા. જો કે શુક્રવારે યોજાયેલી સર્વેની કામગીરીમાં મુસ્લિમ પક્ષે ભાગ લીધો ન હતો. રવિવારે સવારથી સાંજના પાંચ દરમિયાન સર્વે યોજાશે. હિંદુ પક્ષના વકીલ સીતા સાહુએ પરિસરમાંથી બહાર આવીને જણાવ્યું કે, જ્ઞાનવાપી કેમ્પસની પશ્ચિમી દિવાલ પર અડધા પ્રાણી અને અડધા દેવતાની મૂર્તિ જોવા મળી હતી. ભોંયરામાં તૂટેલી મૂર્તિઓ અને થાંભલાઓ પણ પડેલા જોવા મળ્યા હતા.

દરમિયાન, મુસ્લિમ પક્ષના એડવોકેટ તૌહીદ ખાને જણાવ્યું હતું કે, મુસ્લિમ પક્ષના પાંચ લોકો, જેમાં એડવોકેટ અખલાક અને મુમતાઝનો સમાવેશ થાય છે, શનિવારે ચાલી રહેલા સર્વે કાર્ય દરમિયાન ASI ટીમ સાથે હાજર છે. મુસ્લિમ પક્ષના એડવોકેટ મુમતાઝે જણાવ્યું હતું કે, 'અમે સર્વેની કામગીરીથી સંતુષ્ટ છીએ. ગઈકાલ સુધી અમે સર્વેની કામગીરીમાં સામેલ ન હતા, પરંતુ આજે અમે સર્વેની કામગીરીમાં જોડાયેલા છીએ અને અમે સર્વેની કામગીરીમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ.'

આ પહેલા શુક્રવારે મોડી રાત્રે અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીના જોઈન્ટ સેક્રેટરી મોહમ્મદ યાસીને એક પત્ર બહાર પાડીને સર્વોચ્ચ અદાલતના નિર્ણયનું સન્માન કરવા અને સર્વેમાં સહકાર આપવા જણાવ્યું હતું. યાસીને કહ્યું હતું કે, માનનીય સુપ્રિમ કોર્ટ દ્વારા ASI સર્વેક્ષણ પર સ્ટે ઓર્ડર આપવાના ઇનકારથી ઉદ્ભવતા સંજોગોને ધ્યાનમાં રાખીને, સમિતિએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે, સર્વોચ્ચ અદાલતના નિર્ણયનું માન રાખીને ASIના વૈજ્ઞાનિક સર્વેક્ષણને સહકાર આપવામાં આવશે.

તેમણે પત્રમાં કહ્યું હતું કે, 'અમે આશા રાખીએ છીએ કે, માનનીય સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવશે અને અમારી મસ્જિદને કોઈ નુકસાન થશે નહીં. તેમજ સર્વોચ્ચ અદાલતના અગાઉના ચુકાદા મુજબ અમારા ધાર્મિક અધિકારોનું રક્ષણ કરવામાં આવશે.'

દરમિયાન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), કાનપુરના નિષ્ણાતોની ટીમ જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને મદદ કરી રહી છે. સંસ્થાના ડિરેક્ટર અભય કરંદિકરે પુષ્ટિ કરી કે, સંસ્થાના અર્થ વિજ્ઞાન વિભાગના નિષ્ણાતો જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના વૈજ્ઞાનિક સર્વેક્ષણમાં ASIને મદદ કરી રહ્યા છે. કરંદીકરે જણાવ્યું હતું કે, પૃથ્વી વિજ્ઞાન વિભાગના પ્રોફેસર જાવેદ એન મલિક પણ વિદેશથી પરત ફર્યા પછી તરત જ સંસ્થાના નિષ્ણાતોની ટીમ સાથે જોડાશે.

અગાઉ, અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મંજૂરી મળ્યા બાદ, ASIની એક ટીમ શુક્રવારે સવારે કડક સુરક્ષા વચ્ચે જ્ઞાનવાપી કેમ્પસમાં પ્રવેશી હતી અને સર્વેની કામગીરી શરૂ કરી હતી. શુક્રવારે, મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે પણ સર્વે પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. જો કે, ચીફ જસ્ટિસ D.Y. ચંદ્રચુડ, જસ્ટિસ J.B. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે ASIને સર્વે દરમિયાન પરિસરમાં કોઈ તોડફોડ ન કરવા નિર્દેશ આપ્યો હતો.

જ્યારે, વારાણસીની જિલ્લા અદાલતે કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ પૂર્ણ કરવા માટે ASIને ચાર અઠવાડિયાનો વધારાનો સમય આપ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સર્વેના કામ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને મોટી પોલીસ દળ સ્થળ પર હાજર છે. 17મી સદીની મસ્જિદ હિંદુ મંદિરની રચના પર બનાવવામાં આવી હતી કે કેમ તે નક્કી કરવા માટે જ્ઞાનવાપી સંકુલમાં એક વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp