ગણપતિ વિસર્જન માટે ગયા હતા, સરોવર,નદી,તળાવમાં ડૂબવાથી 12ના મોત, સૌથી વધારે બાળકો

PC: bhaskar.com

દેશના વિવિધ ભાગોમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જો કે ગણપતિ વિસર્જન દરમિયાન અનેક જગ્યાએ ડૂબી જવાની ઘટનાઓ પણ બની હતી. આ અલગ-અલગ ઘટનાઓમાં 12 લોકોના ડૂબી જવાથી મોત થયાની માહિતી સામે આવી છે. મૃતકોમાં મોટાભાગના બાળકો અને સગીરોનો સમાવેશ થાય છે. તાજેતરનો મામલો નોઈડાનો છે, જ્યાં એક જ પરિવારના બે ભાઈઓ કાદવના દળદળમાં ફસાઈ ગયા અને ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા.

મીડિયાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ નોઈડાના નિઠારી ગામના રહેવાસી ધીરજે પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરી હતી, અને ગણપતિ વિસર્જનના દિવસે પરિવાર વિસર્જન માટે મયુર વિહારમાં ચિલ્લા ખાદર પહોંચ્યો હતો. આ મૂર્તિ ફક્ત દોઢ ફૂટ ઉંચી હતી અને તેના વિસર્જન માટે પરિવારના સભ્યો પાણીમાં થોડે નીચે ઉતર્યા હતા.

દરમિયાન, ધીરજના ત્રણ પુત્રો અને અન્ય એક સગીર કાદવના દળદળમાં ફસાઈ ગયા અને ડૂબી ગયા. કોઈ પણ રીતે ચારેયને બહાર કાઢીને સેક્ટર 30માં આવેલી ચાઈલ્ડ PGI હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ બે ભાઈઓને મૃત જાહેર કર્યા હતા. તેમાંથી એકની ઉંમર 15 વર્ષ અને બીજાની 5 વર્ષની છે. બાકીના બે સગીર બાળકોને કૈલાશ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

મૈનપુરીના ઘિરોર પોલીસ સ્ટેશનના વિધુના ગામમાં માર્કંડેય સરોવરમાં ગણેશ મૂર્તિના વિસર્જન દરમિયાન થયેલા અકસ્માતમાં ચાર લોકો ડૂબી ગયા હોવાની માહિતી મળી છે. તેમાંથી ત્રણના મોત થયા હતા. એક વ્યક્તિને સારવાર માટે સૈફેઈ PGI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

નાસિકમાં ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી બે લોકોના મોત અને ત્રણ લોકો લાપતા હોવાની માહિતી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, 18 વર્ષના પ્રસાદ સુનીલ અને 22 વર્ષના રોહિત વૈદ્યનાથનું વાલદેવી નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. સુનિલને ડૂબતા બચાવવા માટે રોહિત પાણીમાં ગયો હોવાના અહેવાલ છે. બંનેના મૃતદેહ મળી આવ્યા છે. અન્ય એક બનાવમાં ત્રણ લોકો ગુમ થયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝાલાવાડના પિડાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણપતિ વિસર્જન માટે ગયેલા એક યુવકનું પણ ડૂબી જવાથી મોત થયું હતું. યુવક 23 વર્ષનો હતો. ઘટના પછી તરત જ તેના મિત્રો તેને પિડાવાના આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. તપાસ કર્યા પછી ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.

બીજી તરફ, બે દિવસ પહેલા મધ્યપ્રદેશના દતિયામાં ગણેશ વિસર્જન દરમિયાન આઠ સગીરોના ડૂબી જવાના સમાચાર આવ્યા હતા. તેમાંથી ચાર મૃત્યુ પામ્યા હતા. મામલો સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનના નિરાવલ બિદનિયા ગામનો છે. પાંચ છોકરીઓ અને ત્રણ છોકરાઓ ત્યાં બનેલા તળાવમાં વિસર્જન દરમિયાન ડૂબી ગયા હતા. ઘટના સમયે સ્થળ પર કોઈ મોટી વ્યક્તિ હાજર નહોતી. ત્યાર પછી ગ્રામજનોએ તેને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ અકસ્માતમાં ત્રણ છોકરીઓ અને એક છોકરાનું મોત થયું હતું. તેમની ઉંમર 12 થી 18 વર્ષની વચ્ચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp