દક્ષિણ ભારતને 'અલગ દેશ' બનાવવાની વાત કરનાર નેતાએ હંગામો થતા ખુલાસો આપવો પડ્યો
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યા પછી અનેક રાજકીય નિવેદનો સામે આવ્યા છે. પરંતુ કર્ણાટકના કોંગ્રેસના સાંસદ DK સુરેશ કુમારના નિવેદને હંગામો મચાવી દીધો છે. મોદી સરકારના વચગાળાના બજેટ પર નારાજગી વ્યક્ત કરતા તેમણે દક્ષિણ ભારતને 'અલગ દેશ' બનાવવાની વાત કરી હતી. ત્યાર પછી તેમણે ખુલાસો પણ કર્યો હતો.
DK સુરેશ કુમાર કર્ણાટકના DyCM અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ DK શિવકુમારના નાના ભાઈ છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા બજેટ પર તેમણે કહ્યું કે, 'કેન્દ્ર સરકાર ફંડ ફાળવતી વખતે દક્ષિણ ભારતની અવગણના કરી રહી છે. તેઓ ઉત્તર ભારતને વધુ ભંડોળ આપે છે, ખાસ કરીને હિન્દી પટ્ટાને. આમાં કોઈ ફેરફાર થઈ રહ્યો નથી. અને જો આમ જ ચાલુ રહેશે તો આ વલણ આપણને હિન્દી હ્રદયભૂમિથી અલગ થવા અને અલગ દેશની માંગણી કરવા ઉશ્કેરશે. આપણે જેને લાયક છીએ તે તો મળવું જ જોઈએ.'
કોંગ્રેસ સાંસદે એમ પણ કહ્યું કે, દક્ષિણ ભારત સાથે દરેક સ્તરે અન્યાય થઈ રહ્યો છે. કેન્દ્ર દક્ષિણ ભારતીય રાજ્યોને GST અને ડાયરેક્ટ ટેક્સમાં તેનો વાજબી હિસ્સો નથી આપી રહ્યું. દક્ષિણના રાજ્યોમાંથી જે પૈસા ભેગા થાય છે, તે હિન્દી બેલ્ટને આપવામાં આવે છે. સુરેશ કુમારે દાવો કર્યો હતો કે, સરકાર દક્ષિણ ભારતમાંથી '4 લાખ કરોડ રૂપિયા' લઈ રહી છે પરંતુ બદલામાં અમને કંઈ નથી મળી રહ્યું.
DK સુરેશ કુમારનું આ નિવેદન સામે આવતા જ BJPએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. પાર્ટીના નેતા ચલુવાદી નારાયણસ્વામીએ કહ્યું, 'ભારતને એક કરવાને બદલે કોંગ્રેસ ભારતને તોડવાનું વિચારી રહી છે. કોંગ્રેસની માનસિકતા આ દેશને વિભાજિત કરી રહી છે. તેઓએ 1947માં પણ આવું જ કર્યું હતું. એક તરફ રાહુલ ગાંધી ભારતને એક કરવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ, તેમના નેતાઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને ડુબાડવાની વાત કરી રહ્યા છે. રાહુલે બંધારણને જાળવી રાખવા અને દેશને એક રાખવાના શપથ લીધા છે. હવે આ શું છે?'
હોબાળા વચ્ચે સુરેશ કુમારે નિવેદન પર સ્પષ્ટતા કરી. તેમણે X પર લખ્યું કે, તેમને ભારતીય હોવા પર ગર્વ છે અને કોંગ્રેસમેન તરીકે તેઓ ભારતની એકતા અને અખંડિતતા સાથે ઉભા છે. કોંગ્રેસ સાંસદે લખ્યું, 'એક ગૌરવપૂર્ણ ભારતીય અને ગૌરવપૂર્ણ કન્નડીગા! દક્ષિણ ભારત અને ખાસ કરીને કર્ણાટકને ભંડોળ મેળવવામાં અન્યાયની નિર્દયતાનો સામનો કરવો પડ્યો છે. GST ફાળો આપતું બીજું સૌથી મોટું રાજ્ય હોવા છતાં કેન્દ્ર સરકાર કર્ણાટક અને દક્ષિણના રાજ્યોને અન્યાય કરી રહી છે. જ્યારે ગુજરાત જેવા રાજ્યમાં ફંડ મેળવવામાં 51 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો આ અન્યાય નથી, તો શું છે?'
A Proud Indian & proud Kannadiga!
— DK Suresh (@DKSureshINC) February 1, 2024
ದಕ್ಷಿಣ ರಾಜ್ಯಗಳು ಅದರಲ್ಲಿಯೂ ವಿಶೇಷವಾಗಿ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಆಗುತ್ತಿರುವ ಅನ್ಯಾಯದ ವಿರುದ್ಧ ಧ್ವನಿ ಎತ್ತುವುದು ನನ್ನ ಧರ್ಮ.
ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ರಾಜ್ಯದ ಮೇಲೆ ತೋರಿಸುತ್ತಿರುವ ಮಲತಾಯಿ ಧೋರಣೆಯನ್ನು ಪ್ರಶ್ನೆ ಮಾಡುವ ಹಕ್ಕು ಎಲ್ಲರಿಗೂ ಇದೆ. 1/4#Budget2024
તેમણે આગળ લખ્યું, 'અમે આ ધરતીના પુત્રો છીએ અને અમને અમારા વિકાસ માટે ભંડોળની જરૂર છે. વારંવાર દુષ્કાળ રાહત અને વિકાસ માટે ભંડોળની માંગણી કરવા છતાં, કેન્દ્રએ અમારી વાત કાને ધરી જ નથી. કંઈ પણ થઇ જાય, હું કર્ણાટક સાથે અન્યાયની વિરુદ્ધ તેમની સામે મારો અવાજ ઉઠાવતો રહીશ.'
DK શિવકુમારે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમના ભાઈના નિવેદન અંગે તેમણે કહ્યું હતું કે, DK સુરેશે માત્ર લોકોનો અભિપ્રાય જ વ્યક્ત કર્યો છે. શિવકુમારે કહ્યું, 'હું અખંડ ભારતના પક્ષમાં છું. દેશ એક છે, લોકો સાથે અન્યાય થયો છે, તેથી જ તેમણે (DK સુરેશ) આવું કહ્યું છે. આપણે બધા એક છીએ. કાશ્મીરથી કન્યાકુમારી સુધી આપણે એક છીએ. દરેક ગામને ન્યાય મળવો જોઈએ.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp