- Entertainment
- 'ધ કેરળ સ્ટોરી' ફિલ્મના ભરપેટ વખાણ કરતા શાસ્ત્રીએ કહ્યું- હિંદુઓ ઊંઘી ગયા છે...
'ધ કેરળ સ્ટોરી' ફિલ્મના ભરપેટ વખાણ કરતા શાસ્ત્રીએ કહ્યું- હિંદુઓ ઊંઘી ગયા છે...
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ને બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ટેકો આપ્યો છે. તેણે સાગરના જૈસીનગરમાં કહ્યું કે 'ધ કેરળ સ્ટોરી' એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. આ દેશની વર્તમાન સ્થિતિ છે. વાસ્તવમાં, સાગરની સુરખી વિધાનસભાના જૈસીનગરમાં 20 થી 22 મે દરમિયાન બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

કથાના બીજા દિવસે રવિવારે દિવ્ય દરબાર યોજાયો હતો. દિવ્ય દરબારમાં કેરળથી આવેલી એક મહિલા તરફથી અરજી મળી હતી. કેરળની મહિલા સ્ટેજ પર પહોંચી અને કહ્યું કે હું તમારી કથા ટીવી પર જોતી હતી. મેં પ્રતિજ્ઞા લીધી હતી કે પંડાલમાં બેસીને કથા સાંભળીશ અને હું આવી. કારણ કે ત્યાં કોઈ કથા થતી નથી. મહિલાની વાત સાંભળ્યા બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, તેનો અર્થ એ છે કે કેરળની સ્ટોરી સાચી બની છે. જેના પર મહિલાએ જવાબ આપ્યો કે, કેટલુંક સાચું છે, પરંતુ કેટલુંક એડિટ કરવામાં આવ્યું છે.

આ પહેલા રાતના સમયે થયેલી પ્રશ્નોત્તરીમાં, સાગરના એક યુવકે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને 'ધ કેરળ સ્ટોરી' પર તેમનો અભિપ્રાય પૂછ્યો. જેના પર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખુલ્લેઆમ કહ્યું કે, 'ધ કેરળ સ્ટોરી' સાચી ઘટનાઓ પર આધારિત ફિલ્મ છે. આ દેશની વર્તમાન સ્થિતિ છે. આપણે બધા હિંદુઓ ઊંઘી ગયા છીએ. હું સમજી શકતો નથી, લોકો અમને કહે છે કે, તમે ઉશ્કેરણીજનક નિવેદનો કરો છો, તમે લગ્નની વાત કરો છો. પરંતુ ઘણીવાર મારા શબ્દો ઉશ્કેરણીજનક નથી હોતા, બલ્કે તે એવા હોય છે જે હિન્દુઓને જાગૃત કરે છે. બીજી વાત, જે બન્યું છે તે ફિલ્મમાં બતાવવામાં આવી રહ્યું છે.

ત્રીજી વાત એ કે, આપણે બધા હિંદુઓની કમનસીબી છે કે, એ ફિલ્મમાં જે કંઈ બતાવવામાં આવ્યું છે તે એક એક અક્ષર સાચું છે. જ્યાં સુધી ભારતના દરેક મંદિરમાં હિન્દુઓને એ શીખવવામાં ન આવે કે સનાતન શું છે? અને હિન્દુ એટલે શું? ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે અને આવી ફિલ્મો બનતી રહેશે. આપણે આ ફિલ્મથી સમજવું જોઈએ અને આપણે જાગવું જોઈએ. આપણી બહેનોને તો ખાસ કરીને જાણી લેવું જોઈએ. એક શ્લોક દ્વારા સમજાવતા તેમણે કહ્યું કે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે, બીજા ધર્મનો વિચાર કરવા કરતાં, પોતાના ધર્મમાં મરવું વધુ સારું છે. એટલા માટે આપણે બીજા ધર્મ અને સંપ્રદાયના વ્યક્તિ પર એટલો જ વિશ્વાસ કરવો જોઈએ, જેટલો આપણે સમુદ્રમાં ફેંકેલા સિક્કાના મળવા પર કરીએ છીએ.

