આ વળી કઈ નવી યાદી, જેમાં અંબાણીને પછાડી અદાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા?
હુરુન ઈન્ડિયા રિચ 2024ની યાદીમાં ગૌતમ અદાણીનું નામ મુકેશ અંબાણીની ઉપર આવી ગયું છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં ટોપ પર રહેલા ગૌતમ અદાણી (62) અને તેમના પરિવારની કુલ સંપત્તિ 11.6 લાખ કરોડ રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં 95 ટકાનો વધારો થયો છે.
એક મીડિયા ચેનલના રિપોર્ટ અનુસાર હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 31 જુલાઈ 2024 સુધીના ડેટાના આધારે તૈયાર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ગૌતમ અદાણીની સંપત્તિમાં થયેલા જંગી વધારાને કારણે તેઓ આ યાદીમાં ટોચ પર આવી ગયા છે. અદાણીની સંપત્તિમાં થયેલા વધારા અંગે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હિંડનબર્ગના આરોપો પછી ફીનિક્સની જેમ ઉભા થઇ રહેલા ગૌતમ અદાણી અને તેમના પરિવારે આ વર્ષના રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં તેમની સંપત્તિ 95 ટકા વધીને 11,61,800 કરોડ રૂપિયા થઈ ગઈ છે. સ્વ-નિર્મિત ઉદ્યોગસાહસિક તરીકે, હિંડનબર્ગ રિપોર્ટના પડકારો હોવા છતાં, અદાણીએ છેલ્લા પાંચ વર્ષમાં ભારતના ટોચના 10 અમીરોમાં સૌથી વધુ સંપત્તિ વૃદ્ધિ નોંધાવી છે, જેમાં રૂ. 1,021,600 કરોડનો વધારો થયો છે.
રિપોર્ટમાં વધુ માહિતી આપવામાં આવી હતી કે, અદાણી ગ્રુપની તમામ કંપનીઓએ ગયા વર્ષે શેરના ભાવમાં વધારો નોંધાવ્યો છે. ઉદાહરણ તરીકે, અદાણી પોર્ટ્સે 98 ટકાનો વધારો કર્યો હતો, જે વધુ સારા ઉપયોગના સ્તરને કારણે અને નવા પોર્ટ અને કન્ટેનર ટર્મિનલના પ્રસ્તાવિત સંપાદનને કારણે છે. આ દરમિયાન, અદાણી એનર્જી, અદાણી ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પાવર જેવી ઊર્જા-કેન્દ્રિત કંપનીઓના શેરના ભાવમાં સરેરાશ 76 ટકાનો વધારો નોંધાયો હતો. એનાથી વધુ, ઓગસ્ટ 2024ની સમીક્ષામાં અદાણી ગ્રૂપની સિક્યોરિટીઝ પરનો પ્રતિબંધ હટાવવાના MSCIના નિર્ણયથી અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટ્સ જેવા મુખ્ય શેરોમાં સ્થિરતા જોવા મળી હતી.'
જ્યારે, હુરુન ઈન્ડિયા રિચ 2024ની યાદીમાં બીજા સ્થાને આવી ગયેલા મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 10.14 લાખ કરોડ રૂપિયા છે. HCLના શિવ નાદરનું નામ યાદીમાં ત્રીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 314,000 કરોડ રૂપિયા છે. સાયરસ પૂનાવાલાનું નામ ચોથા સ્થાને આવે છે. તેમની કુલ સંપત્તિ 289,900 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. યાદીમાં પાંચમા સ્થાને સન ફાર્માના દિલીપ સંઘવીનું નામ છે, જેમની કુલ સંપત્તિ 249,900 કરોડ રૂપિયા છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર, છેલ્લા એક વર્ષમાં 31 જુલાઈ, 2024 સુધી ભારતમાં દર પાંચ દિવસે એક નવો અબજોપતિ બન્યો છે. ભારત એશિયામાં સંપત્તિ સર્જનની બાબતમાં ઝડપથી ઉભરી રહ્યું છે. 2024 દરમિયાન ભારતમાં સંપત્તિ સર્જનમાં 29 ટકાનો વધારો થયો છે. આ યાદીમાં કુલ 1,539 ભારતીયોના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ તમામ વ્યક્તિઓની સંપત્તિ 1,000 કરોડ રૂપિયાથી વધુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp