સાહેબ, દીકરીની હત્યા ના કરી હોત તો શું કર્યું હોત.. આખો વિસ્તાર ટોણો મારતો: પિતા

PC: amarujala.com

સાહેબ, દીકરીની હત્યા ના કરી હોત તો શું કર્યું હોત.. આખો વિસ્તાર ટોણો મારતો હતો. મારું જીવન મુશ્કેલ બની ગયું હતું. દીકરીને ઘણું સમજાવી પણ તે ન જ માની, એટલે મેં તેને મારી નાંખી. આ કહેવું હતું 63 વર્ષના રાધેશ્યામ ગુપ્તાનું. 17 વર્ષની પુત્રી ખુશ્બુનું ગમછા વડે ગળું દબાવી હત્યા કરનાર રાધેશ્યામે પોલીસ સમક્ષ કરેલી કબૂલાતમાં હત્યાનું કારણ પુત્રીના પ્રેમને જણાવ્યું હતું.

મંગળવારે કલ્યાણપુરના કશ્યપનગરમાં ઓનર કિલિંગની ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હત્યારા રાધેશ્યામની પત્ની રેખાનું 2012માં મૃત્યુ થયું હતું. પરિવારમાં એક પુત્ર સંદીપ અને ત્રણ પુત્રીઓ સોની, પૂજા અને નાની પુત્રી ખુશ્બુ હતી. સોની અને પૂજાના લગ્ન થઈ ગયા છે. રાધેશ્યામે પોલીસને જણાવ્યું કે, ખુશ્બુ એક વર્ષથી બંબા ખાતે રહેતા હર્ષ સાથે પ્રેમમાં હતી. તેમની 17 વર્ષની પુત્રી ખુશ્બુ ગુપ્તા આ વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાંથી હાઇસ્કૂલની વિદ્યાર્થીની હતી.

દીકરીને ઘણી વાર હર્ષની સાથે ફરતી જોઈ, તેને ના પાડી પણ તે રાજી ન થઈ. તેણે હર્ષને મળવાનું બંધ ન કર્યું. મોહલ્લાના લોકો કહે છે કે, મારા અને મારા પુત્રના ઘરેથી નીકળ્યા બાદ હર્ષ અવારનવાર ઘરે આવતો હતો. રોજેરોજ વિસ્તારના લોકો તેને ટોણા મારતા હતા. દીકરીને ઘણી સમજાવી પણ તે માનતી ન હતી.

મંગળવારે સવારે જ્યારે રાધેશ્યામ ઈ-રિક્ષા ચલાવીને ઘરે પરત ફર્યો ત્યારે તેણે ખુશ્બુને હર્ષ સાથે વાત ન કરવા કહ્યું. અને જો તે ન માની તો પરિણામો ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું. રાધેશ્યામના કહેવા પ્રમાણે, બે મિનિટ પછી જ પુત્રીએ હર્ષ સાથે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ તેણે ગમછા વડે તેનું ગળું દબાવી દીધું. ઘટના બાદ તે ઘરની નજીકમાં રહેતી મોટી પુત્રી પૂજાના ઘરે ગયો હતો અને સંપૂર્ણ માહિતી આપી હતી.

આ પછી પોલીસે સ્થળ પર પહોંચીને તેની ધરપકડ કરી હતી. ACP કલ્યાણપુર વિકાસ કુમાર પાંડેએ જણાવ્યું કે, આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાસ્થળે તપાસ કર્યા બાદ અન્ય મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

એક અઠવાડિયા પહેલા રાધેશ્યામે પુત્રીના પ્રેમી હર્ષ વિરુદ્ધ પાણકી રોડ ચોકીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદથી નારાજ હર્ષે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરી ફરિયાદ કરતાં પોલીસ હર્ષને પકડીને ચોકી પર લાવી હતી. થોડીવાર તેને બેસાડ્યા બાદ તેને છોડી મુકવામાં આવ્યો હતો. વિરોધ નોંધાવવા પર પોલીસે કહ્યું હતું કે, 'પહેલા તમારી દીકરીનું ધ્યાન રાખો.'

કલ્યાણપુર પોલીસ સ્ટેશનના ACP વિકાસ કુમાર પાંડેએ જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા છે. જો પોલીસની કોઈ બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp