જો 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં બધી 2000ની નોટ નહીં આવે તો RBI શું કરશે?

PC: financialexpress.com

2000 રૂપિયાની નોટને ચલણમાંથી ખેંચી લેવાની જાહેરાત બાદ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું હવે તેને પણ ગેરકાયદે જાહેર કરવામાં આવશે? અત્યાર સુધી RBIએ આવી કોઈ જાહેરાત કરી નથી. જો કે, RBIના સૂત્રોને ટાંકીને  અહેવાલો પ્રસિદ્ધ થયા છે તેમાં કહેવા મુજબ, જો 2000ની મોટાભાગની નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં પરત નહીં આવે તો RBI કડક પગલાં લઈ શકે છે. અહેવાલો મુજબ, જો મોટાભાગની 2000ની નોટો બેંકોમાં પરત આવી જશે તો તેને ગેરકાયદે જાહેર કરવાની અત્યારે કોઇ જરૂર નહીં પડે.RBIએ કહ્યું છે કે નોટ બદલવા બેંકોમાં ભીડ કરશો નહી, 4 મહિનાનો સમય છે, શાંતિથી બદલાવજો.

RBIના સૂત્રોના કહેવા મુજબ RBIએ જેટલી નોટોની પરત થવાની ધારણાં રાખી છે તેનાથી ઓછી નોટ જમા થશે તો કેન્દ્રીય બેંક સખત પગલા લેશે.જેમની પાસે આ નોટો છે તેમની પાસેથી નોટ પરત મળે તે સુનિશ્ચિત કરવા માટે RBI નિયમોને વધુ કડક બનાવવા પર વિચાર કરશે. હાલના તબક્કે, તે કાયદાકીય ચલણ રાખવામાં આવ્યું છે જેથી કરીને વિદેશમાં રહેતા લોકો અથવા જેમને ખરેખર કોઈ સમસ્યા હોય અને નોટો જમા કરાવવામાં સક્ષમ ન હોય તેમને સમય મળી શકે.

ગયા શુક્રવારે રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે 2000ની જે નોટ સરક્યુલેશનમાં છે તેની વેલ્યૂ 3.62 લાખ રૂપિયા છે. આ બજારમાં મોજુદ બધા ચલણનો 10.8 ટકા હિસ્સો છે. લગભગ 5 વર્ષ પહેલાં 31 માર્ચ 2018ના દિવસે 2000ની જે નોટ સરક્યુલેશનમાં હતી તેની વેલ્યૂ 6.73 લાખ કરોડ રૂપિયા હતી.તે વખતે 2000ની નોટનો હિસ્સો 30 ટકા હતો.

RBIના ગર્વનર શક્તિકાંત દાસે લોકોને આગ્રહ કર્યો છે કે મહેરબાની કરીને બેંકોમાં એક સાથે જઇને ભીડ કરવાની કોઇ જરૂરત નથી. તમે ધીમે ધીમે કરીને તમારી નોટ બદલાવી શકશો. એના માટે તમારી પાસે 4 મહિનાનો સમય છે. એક દિવસમાં 10 નોટ બદલી શકાશે. RBIએ કહ્યુ છે કે નોટ બદલવા માટે કોઇ ફોર્મ કે ID આપવાની જરૂરત નથી, પરંતુ આમ છતા ઘણી બધી બેંકો લોકો પાસે ફોર્મ ભરાવે છે અને ID પણ માંગે છે.

વર્ષ 2016માં કરવામાં આવેલી નોટબંધી પછી રોકડની અછત પુરી કરવા માટે 2000ની નોટ ચલણમાં લાવવામાં આવી હતી.RBIએ ક્લીન નોટ પોલીસી હેઠળ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp