પત્નીએ દહેજનો કેસ દાખલ કરતાં પતિ 7 થેલાઓમાં સિક્કા લઈને કોર્ટ પહોંચ્યો!
જયપુરની ફેમિલી કોર્ટની લિંક ADJ કોર્ટમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એમાં બન્યું એવું કે, દહેજ ઉત્પીડનના કેસમાં કોર્ટે આરોપી પતિને જેલમાં મોકલી આપવા અને ભરણપોષણની બાકી રકમ (55 હજાર રૂપિયા) પત્નીને ચૂકવવાનો આદેશ આપ્યો. આના પર આરોપીના સગાઓએ પૈસા પણ જમા કરાવ્યા, પરંતુ આ પ્રકારની 55 હજારની રકમ જોઈને બધા આશ્ચર્ય ચકિત થઇ ગયા.
હા, આવું એટલા માટે કે, કૌટુંબિક વિવાદને કારણે પતિએ ભરણપોષણના બાકી નીકળતા રૂ. 55,000ની રકમ રોકડા સિક્કાઓમાં જમા કરાવી હતી. હવે તમે વિચારતા જ હશો કે, ભાઈ, 7 થેલાઓમાં 55 હજાર રૂપિયાના સિક્કાઓ લાવવાની શું જરૂર હતી? તો અહીં તમને જણાવી દઈએ કે, પતિએ સિક્કામાં 55 હજાર રૂપિયા જમા કરાવ્યા અને આ સિક્કાઓનું વજન લગભગ 280 કિલો હતું. તેથી જ તેને થેલાઓમાં પેક કરીને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે થેલાઓમાંથી સિક્કાઓનો અવાજ સંભળાયો ત્યારે બધા ચોંકી ગયા. તમામ થેલાઓમાં 1, 2, 5 અને 10 રૂપિયાના સિક્કા ભરેલા હતા. આ પછી કોર્ટે સિક્કાઓને સુરક્ષિત રાખવાના નિર્દેશ આપ્યા હતા.
દશરથ કુમાવતના લગ્ન 12 વર્ષ પહેલા સીમા કુમાવત સાથે થયા હતા. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સીમાએ તેના પતિ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ નોંધ્યો છે અને આ કેસમાં ટ્રાયલ ચાલી રહી છે. પરંતુ પતિ પર 2.25 લાખનું ભરણપોષણ ભથ્થું બાકી ચડી ગયું હતું. આવા સંજોગોમાં હરમડા પોલીસ સ્ટેશને બાકી રકમ ન ચૂકવતા તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી બાકી નીકળતી રકમનો પ્રથમ હપ્તો ચુકવતા કોર્ટે તેને જેલ હવાલે કર્યો હતો. દશરથ કુમાવત જેલમાં હોવાને કારણે તેના પરિવારને 55 હજાર રૂપિયા સિક્કામાં જમા કરાવ્યા. જોકે, 55 હજાર ઉપરાંત હજુ પણ 1.70 લાખ રૂપિયાનું ભથ્થું બાકી છે.
અહીં 55,000 રૂપિયાના સિક્કા આપવા પર પત્ની સીમા કુમાવતના એડવોકેટ રામપ્રકાશ કુમાવતનું કહેવું છે કે, તેને હેરાન કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે, જે અમાનવીય છે. તો બીજી તરફ પતિ વતી એડવોકેટ રમણ ગુપ્તાએ રૂ. 55,000ની કિંમતના સિક્કા ભારતીય ચલણમાં માન્ય હોવાનું જણાવી રકમ સ્વીકારવાની અરજી કરી હતી.
આટલા સિક્કા જોઈને કોર્ટે પણ એમ કહ્યું કે, આ રકમની ગણતરીમાં તો 10 દિવસનો સમય લાગી જશે. હવે આટલા સિક્કા કેવી રીતે અને ક્યારે ગણવા? આ માટે કોર્ટે પતિને આદેશ આપ્યો છે કે, આ તમામ સિક્કાઓને 1000 રૂપિયા ગણી અલગ અલગ થેલાઓ બનાવવામાં આવે અને તેની ગણતરી કરવામાં આવે. આટલા બધા સિક્કાઓની યોગ્ય ગણતરી માટે 26 જૂનની તારીખ પણ નક્કી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp