- National
- ચુપચાપ સ્ત્રીના અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા, પોલીસે ચિતા ઓલવીને લાશને બહાર કાઢી
ચુપચાપ સ્ત્રીના અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા, પોલીસે ચિતા ઓલવીને લાશને બહાર કાઢી
રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં 23 વર્ષની નવપરિણીત મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહિલાના સાસરી પક્ષના લોકો તેના પતિની ગેરહાજરીમાં નવપરિણીત મહિલાના ચુપચાપ રીતે અંતિમ સંસ્કાર કરી રહ્યા હતા. ત્યાં સુધી કે મૃતકના પિયર પક્ષના લોકોને પણ તેના મૃત્યુની જાણ કરવામાં આવી ન હતી.
પરંતુ આ અંગે મૃતકના પિયર પક્ષના લોકોને કોઈ બીજાના મારફતે આ બનાવની જાણ થઈ હતી. તેમણે તરત જ આ અંગે પોલીસને જાણ કરી હતી અને પોલીસે સ્થળ પર તરત જ પહોંચીને તેના પર પાણી નાખીને ચિતાની આગને બુઝાવી દીધી હતી. ત્યાર બાદ અર્ધ બળેલી લાશનો કબજો લઈ પોલીસે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી. આ સાથે જ પોલીસે SFLની ટીમને સ્થળ પર બોલાવીને પુરાવા એકત્ર કર્યા હતા અને પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

23 વર્ષીય સોનિયાનું સરમથુરાના સહનીપાડા ખાતે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું.સોનિયાના મૃત્યુ પછી, તેના સાસરિયાઓએ ન તો તેના પિયર પક્ષના લોકોને સોનિયાના મૃત્યુ વિશે જાણ કરી, ન તો તેઓએ સોનિયાના પતિના આવવાની રાહ જોઈ. તેમણે તેને સ્મશાનગૃહમાં લઈ જઈને તરત જ અગ્નિસંસ્કારની વિધિ કરીને અગ્નિ ચાંપી દીધી હતી.
પોલીસે જણાવ્યું કે, UPના આગ્રાની રહેવાસી સોનિયાના લગ્ન સરમથુરાના સાહનીપાડાના રહેવાસી આકાશ સાથે એક વર્ષ પહેલા થયા હતા. મૃતકનો પતિ આકાશ મજૂરી કામ કરે છે, જેના કારણે તે અવારનવાર બહાર રહે છે. મૃતકના ભાઈ કુણાલે પોલીસને ફોન પર જણાવ્યું હતું કે, તેના સાસરિયાઓએ તેની બહેન સોનિયાની હત્યા કરી છે અને તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

આ મામલામાં સરમથુરાના CO સુરેશ કુમારે કહ્યું કે, 23 વર્ષીય સોનિયાના અંતિમ સંસ્કાર ગુપ્ત રીતે કરવામાં આવી રહ્યા છે. એ પ્રકારની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે તરત જ પહોંચીને ચિતા પર પાણી છાંટીને તેને ઓલવી હતી, ત્યારબાદ અડધી બળેલી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. મૃતકના પક્ષેથી ફરિયાદ મળી છે. આ મામલે તપાસ ચાલી રહી છે, તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. મૃતકના પક્ષે અને તેના પતિના આવ્યા બાદ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી કરવામાં આવશે.

