કોણ છે મોનૂ માનેસર જેના નામ પર ઝઘડી પડ્યા હિન્દુ-મુસ્લિમ, 5 લોકોના મોત

રાજધાની દિલ્હીથી નજીક હરિયાણાના ઘણા વિસ્તાર સોમવારે સાંપ્રદાયિક હિંસાની આગમાં સળગી ઉઠ્યા. નૂહમાં વૃજમંડળ યાત્રા પર પથ્થરમારા બાદ બે સમુદાયો વચ્ચે હિંસા ભડકી ઉઠી. નૂહથી ગુરુગ્રામ સુધી ઠેર ઠેર હિંસા, પથ્થરમારો અને ફાયરિંગ થઈ. હિંસામાં 2 હોમગાર્ડ સહિત 5 લોકોના મોત થઈ ગયા, જ્યારે 12 પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઇજાગ્રસ્ત થવાના સમાચાર છે. હોડલના DSP સજ્જન સિંહના માથામાં ગોળી લાગી છે. તો ગુરુગ્રામ ક્રાઇમ યુનિટના એક ઇન્સ્પેક્ટરને પેટમાં ગોળી લાગી છે.
ઉપદ્રવીઓએ લગભગ 3 ડઝન વાહનોને આગ લગાવી દીધી. નૂહમાં લાંબા સમયથી તણાવ હતો. જો કે, તાત્કાલીન કારણોમાં મોનૂ માનેસરનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, મોનૂ માનેસરે એક દિવસ અગાઉ જ વીડિયો જાહેર કરીને જાહેરાત કરવામાં આવી હતી કે તે યાત્રામાં સામેલ થવા જઈ રહ્યો છે. ત્યારબાદ જ તણાવ ફેલાવાનો શરૂ થઈ ગયો હતો. મેવાતથી નજીક રાજસ્થાનના ભરતપુરના નાસિર અને જુનેદ હત્યાકાંડમાં આરોપી મોનૂ માનેસરના મેવાત આવવાના સમાચાર ફેલાતા સોશિયલ મીડિયા પર બંને પક્ષોએ એક-બીજાને પડકાર અને ધમકી આપવાની શરૂ કરી દીધી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે, વીડિયો જોઈને રાજસ્થાનના ભરતપુરના પોલીસ ટીમ મોનૂને પકડવા માટે નૂહ પહોંચી હતી, પરંતુ મોનૂ માનેસર યાત્રામાં પહોંચ્યો નહોતો. વૃજમંડળ યાત્રા ગુરુગ્રામની સિવિલ લાઇનથી શરૂ થઈ હતી અને બપોરે નૂહના ખેડલા વળાંકની આસપાસ પહોંચવા પર હોબાળો થઈ ગયો. આરોપ છે કે યાત્રામાં સામેલ લોકો તરફથી નારા લગાવવામાં આવી રહ્યા હતા. ત્યારે એક ગાડીમાં સવાર બીજા સમુદાયના કેટલાક લોકોએ યાત્રા રોકી દીધી. આ દરમિયાન યાત્રા પર પથ્થરમારો થઈ ગયો. ઉપદ્રવીઓએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો. નૂહ શહેરની અંદર પણ તે ઉપદ્રવ ફેલાઈ ગયો.
કોણ છે મોનૂ માનેસર?
બજરંગ દળનો સભ્ય મોનૂ માનેસર હરિયાણા ખાસ કરીને મેવાત ક્ષેત્રમાં ગૌરક્ષકોનો પ્રમુખ ચહેરો છે. તે પોતાના કેટલાક સાથીઓ સાથે ગૌતસ્કરી રોકવા માટે કામ કરવાનો દાવો કરે છે. ગૌતસ્કરી વિરોધી અભિયાનોને લઈને મોનૂ માનેસર અગાઉ પણ ચર્ચામાં રહ્યો છે. મોનૂનું નામ થોડા મહિના અગાઉ ત્યારે પણ ખૂબ ચર્ચામાં રહ્યું જ્યારે નાસિર અને જુનેદનું અપહરણ કરીને તેમની હત્યાનો આરોપ લાગ્યો. જો કે, મોનૂ માનેસરે કહ્યું હતું કે, દિવસે આ ઘટના થઈ તે ગુરુગ્રામમાં હતો અને તેનું તેની સાથે કોઈ લેવું-દેવું નથી. મોનૂ માનેસર યુટ્યુબ પર પણ ફેમસ છે. તેના ફેસબુક પર 83,000 અને યુટ્યુબ પર 2,05,000 સબ્સ્ક્રાઇબર્સ છે. તે યુટ્યુબ ચેનલ પર મોટા ભાગે ગૌરક્ષા સાથે જોડાયેલા વીડિયો શેર કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp