પિતા-ભાઈ-પતિનું મોત, ગામના 500 લોકોએ મહિલાની દીકરીનું 10 લાખનું મામેરું કર્યુ

PC: bhaskar.com

આ સ્ટોરી વાંચીને ચોક્કસ તમારી આંખમાંથી હર્ષના આંસૂ છલકી ઉઠશે કે આજે પણ એવા લોકો છે જે ભગવાનની ગરજ પૂરી કરી શકે છે. હરિયાણામાં પરણેલી મૂળ રાજસ્થાનની મહિલાની 2 દિકરીના લગ્ન હતા, પરંતુ પોતાનો એકનો એક ભાઇ એટલે કે દીકરીના મામા અને મહિલાના પિતા એટલે દીકરીના નાનાનું અવસાન થઇ ગયું હતું, એટલે મહિલાને ચિંતા હતી કે રિવાજ પ્રમાણે બે દીકરીઓના મામેરા કેવી રીતે ભરાશે? પરંતુ તમે માનશો નહી, મહિલાના પિયરના ગામના 500 લોકોએ 10 લાખનું મામેરું ભર્યું ત્યારે હરિયાણાના લોકોની આંખમાંથી પણ હર્ષના આંસૂ છલકી ઉઠ્યા હતા. બસ, એવી જ રીતે કે જેમ ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાની દીકરી નાનીબાઇનું મામેરું ભર્યું હતું. રાજસ્થાનના આ ગામના અને સમાજના લોકોને સલામ છે. રાજસ્થાનમાં મામેરુ ભરવાની રસમને ભાતની રસમ કહેવામાં આવે છે.

હરિયાણાના ફતેહાબાદના જાંડવાલા બાગડ ગામમાં પરણેલી મીરાની બે પુત્રીઓના લગ્ન નક્કી થયા છે. મીરાનું પિયર રાજસ્થાનના નેઠરાના ગામમાં છે. નેઠરાનાના જોરા રામ બેનીવાલની પુત્રી મીરાના લગ્ન હરિયાણાના જાંડવાલા બાગડ ગામમાં થયા હતા. મીરાને બે પુત્રી છે એક સોનૂ અને બીજી મીના. મીરાના પતિનું અવસાન થઇ ગયું હતું અને હવે બે દીકરીઓના લગ્ન નક્કી થયા હતા. બીજી તરફ મીરાના પિતા જોરા રામનું  અને મીરાના ભાઇનું પણ અવસાન થઇ ચૂક્યું હતું. હવે મીરા પાસે પિયરમાં પોતીકું કહી શકાય તેવું કોઇ નહોતું.

હવે સોનૂ અને મીનાના લગ્નમાં ભાત પુરવા માટે મીરા આમંત્રણની એક પરંપરાને પુરી કરવા માટે રાજસ્થાનના નેઠરાના પહોંચી હતી. ભાઇની સમાધી પર તિલક કરીને મીરા ચોંધાર આંસુએ રડી પડી હતી. આ દ્રશ્ય ગામના લોકોએ જોયું હતું. મીરા નેઠરાનાથી પાછી હરિયાણા પહોંચી ગઇ હતી. તેને ચિંતા હતી કે મામેરું કેવી રીતે ભરાશે?

પણ જ્યારે ભાત ભરવાનો દિવસ આવ્યો ત્યારે નેઠરાનાથી 500 લોકો મામેરું લઇને હરિયાણા પહોંચ્યા અને 10 લાખ રૂપિયાની ભાતની વિધીમાં ભરી દીધા. ગામના લોકોને આટલી મોટી સંખ્યામાં જોઇને મીરાની આંખમાંથી દડદડ આસૂં સરી પડ્યા હતા. ઉપસ્થિત લોકો પણ આ દ્રશ્ય જોઇને અચંબિત થઇ ગયા હતા. ગામના લોકોએ મીરાના આંસૂ લુછીને કહ્યું કે, તારો ભાઇ નથી કે નાના નથી તો શું થયું, ગામના 500 લોકો તારા ભાઇ જ છે.

આ વાત સાંભળીને ગુજરાતી આદ્ય કવિ નરસિંહ મહેતાની વાત યાદ આવી ગઇ કે ભગવાન કૃષ્ણ પર અપાર શ્રધ્ધા ધરાવનાર નરસિંહ મહેતાની દીકરીનું મામેરું ભરવાનું હતું, પરંતુ પૈસા તો હતા નહી, ભગવાન કૃષ્ણ જાતે શેઠનું રૂપ ધારણ કરીને આવ્યા હતા અને નાનીબાઇનું મોટું મામેરું ભરી દીધું હતું..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp