ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય કેમ અને કેવી રીતે થયો?ખડગેએ સમિતિની રચના કરી

PC: prabhasakshi.com

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણીમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે, સ્થિતિ એવી છે કે હવે પાર્ટીની સરકાર માત્ર કેટલાક ગણ્યા ગાંઠ્યા રાજ્યોમાં જ બચી છે. તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈને હવે વિચારણા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ માટે એક સમિતિની રચના કરી છે, જે તેમને ગુજરાતમાં પાર્ટીની હાર પાછળના મુખ્ય કારણોનો રિપોર્ટ સોંપશે.

મલ્લિકાર્જુન ખડગે દ્વારા ત્રણ સભ્યોની ફેક્ટ-ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે. આ સમિતિનું કામ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ખામીઓને લેખિતમાં સ્પીકરને સોંપવાનું રહેશે. આ રિપોર્ટ આગામી બે સપ્તાહમાં પાર્ટી અધ્યક્ષ ખડગેને સોંપવામાં આવશે.

પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા રચાયેલી સમિતિનું નેતૃત્વ મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી નીતિન રાઉત કરશે. બિહાર વિધાનસભાના સભ્ય શકીલ અહેમદ ખાન અને સાંસદ સપ્તગીરી ઉલ્કાને આ સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. આ કમિટી બે અઠવાડિયામાં ખડગેને પોતાનો રિપોર્ટ સોંપશે.

ગયા મહિને થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં, કોંગ્રેસે તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું, 182 સભ્યોની વિધાનસભામાં માત્ર 17 બેઠકો જ જીતી હતી. અગાઉ 1990ની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સૌથી નીચું ગયું હતું. ત્યારે પાર્ટીને માત્ર 33 સીટો મળી હતી. 2002ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 50 બેઠકો મળી હતી, જ્યારે 2007માં તેને 59 બેઠકો મળી હતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. બીજી તરફ BJP એ 156 બેઠકો મેળવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. જ્યારે ગત ચૂંટણીમાં કોંગ્રેસે BJPને જોરદાર ટક્કર આપી હતી. આ વખતે કોંગ્રેસના મોટા નેતાઓ પણ ગુજરાતથી દૂર રહ્યા, રાહુલ ગાંધી આ દરમિયાન ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા. જે બાદ વિપક્ષી દળોએ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં કોંગ્રેસે આત્મસમર્પણ કર્યું છે. જ્યારે, આમ આદમી પાર્ટી (AAP) પણ ચૂંટણીમાં મેદાનમાં ઉતરી હતી, જેણે પાંચ બેઠકો જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp