હિમાલય પીગળવાથી ભારતે પણ કેમ ડરવું જોઈએ? પાકિસ્તાનમાં આવેલા પૂરને જુઓ

PC: mongabay.com

પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પછી પૂરના કારણે સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે. અત્યાર સુધીમાં 1100થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, લાખો લોકો વિસ્થાપિત થયા છે, સરકારને કઈં નથી ખબર પડી રહી. દુનિયાભરમાંથી મદદની અપીલ કરવામાં આવી રહી છે. પૂર કેટલું જોખમી છે તેનો અંદાજ તમે આના પરથી જ લગાવી શકો છો કે, પાકિસ્તાનનો એક તૃતિયાંશ ભાગ પાણીમાં ડૂબી ગયો છે. પૂર માટે બદલાતું હવામાન તો જવાબદાર છે જ, સાથે હિમાલયમાં પીગળતા ગ્લેશિયરોએ કટોકટીને વધુ ગંભીર કરી દીધી છે. ગ્લેશિયરોનું પીગળવું ભારત માટે પણ મોટું જોખમ બની શકે છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ઈન્દોરના સંશોધકોએ આ વર્ષની શરૂઆતમાં તેજ ગરમી અને લૂને કારણે હિમાલયના ગ્લેશિયરનું ભારે પીગળવાનું નોંધ્યું છે. સંશોધકો 15 વર્ષથી પણ વધુ સમયથી હિમાલયના બરફના આવરણ, બરફના નિર્માણ અને મોસમી હિમવર્ષા પર નજર રાખી રહ્યા છે.

ઝડપથી પીગળી રહ્યા છે ગ્લેશિયર

IIT ઇન્દોરના એક ગ્લેશિયોલોજિસ્ટ મોહમ્મદ ફારૂક આઝમે બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે, 'અમે આના પર (ગ્લેશિયર) જૂનમાં નજર રાખવાનું શરૂ કર્યું હતું, અને ઓગસ્ટ મહિના સુધીમાં અમે તેના અવશેષો પણ નહીં શોધી શક્યા હતા. ઉનાળાની શરૂઆતમાં તેજ ગરમીનો અહેસાસ કર્યો હતો, માર્ચ અને એપ્રિલ મહિનામાં જ તાપમાને 100 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. પરિણામ એ આવ્યું કે, ગ્લેશિયર પીગળી ગયા. અમારી ટીમ ગત અઠવાડિયે એક ગ્લેશિયર પર હતી અને અમે હિમાલયમાં બરફોને રેકોર્ડ તોડ પીગળતા જોયા છે.'

ગ્લેશિયર ઓગળવાને કારણે નદીઓમાં આવ્યું પૂર

ગ્લેશિયરોના પીગળવાની સાથે-સાથે વધુ વરસાદે પાકિસ્તાનની નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી કરી દીધી. ગ્લેશિયર પીગળ્યા પછી હિમાલયમાંથી નીકળેલા પાણીએ નદીઓના વહેણને વધુ તેજ કરી દીધું. તેને હિમનદી તળાવ ફાટી નીકળવાનું પૂર કહેવામાં આવે છે. હિમાલયમાં ગ્લેશિયરોનું ઝડપથી પીગળવું કોઈ એક ઘટના નથી. આ પ્રકારની જ ઘટનાનો યુરોપના આલ્પ્સમાં પણ જોવા મળી છે. હિમાલય વિશે ચિંતાજનક વાત એ છે કે, તે ઉત્તરી અને દક્ષિણી ધ્રુવોની બહાર જામેલા મીઠા પાણીનો સૌથી મોટો ભંડાર રાખે છે.

પીવાના પાણીની પણ સર્જાઈ શકે છે અછત

2021મા IIT ઇન્દોર દ્વારા હાથ ધરવામાં આવેલા એક અગાઉના અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, ગ્લેશિયરોનું પીગળવું અને બરફ એ વિસ્તારમાં મહત્વપૂર્ણ ઘટકો છે અને જો તે એક સદી સુધી ચાલુ રહેશે, તો એક દિવસ પાણીનો પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ જશે. દુનિયાભરના ગ્લેશિયર વિસ્તારોમાં એક અબજથી વધુ લોકો બરફના પીગળ્યા પછી નિકળતા પાણી પર જ નિર્ભર રહે છે. એવામાં તેનું ઝડપથી પીગળવું ભવિષ્યમાં પાણીની અછતનું કારણ પણ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp