2000ની નોટ બદલવા માટે બેંકોમાં કેમ ભીડ નથી? તજજ્ઞોએ આ 5 કારણ આપ્યા

PC: timesnownews.com

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગયા શુક્રવારે મોડી સાંજે એક નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી કે 2000ની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે. આના માટે RBIએ 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં લોકોને નોટ જમા કરાવી દેવા કહ્યું હતું અને સાથે રોજની 20000 રૂપિયાની નોટ બેંકોમાંથી બદલી શકાશે એવી પણ સુચના આપી હતી. RBIએ 23 મે 2023ના દિવસથી નોટ બદલવાનું કહ્યું હતું.

RBI જ્યારે નોટિફિકેશન બહાર પાડ્યું ત્યારે ઘણા લોકોને એવી શંકા હતી કે 23 મેથી બેંકોમાં નોટ બદલવા માટે લાઇનો લાગી જશે અને પેનિક ફેલાશે, પરંતુ એવું કશું થયું નથી. 23 તારીખે બેંકોમાં બિલુકલ ભીડ જોવા મળી નથી. હવે  બેંકોમાં લોકોની ભીડ કેમ ન થઇ? તેના વિશે તજજ્ઞોએ 5 કારણો આપ્યા છે.

દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં જણાવ્યા મુજબ ઇકોનોમિક એક્સપર્ટ સિનિયર જર્નાલિસ્ટ રૂસત્મ વોરા અને ચાર્ટડ એકાઉન્ટન્ટ પી કે મોદીએ જણાવ્યું હતું કે જેવો ડર હતો એવી ભીડ બેંકોમાં જોવા મળી નથી. તેમણે બેંકરો સાથે વાતચીત કરી તેમાં 5 કારણો સામે આવ્યા હતા.

પહેલું કારણ એ છે કે આ વખતે રિઝર્વ બેંકે લોકોને પુરતા દિવસો આપ્યા છે. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંકમાં રૂપિયા જમાવવા કરાવવાનો સમય આપ્યો છે એટલે કે લોકો પાસે 4 મહિનાનો સમય છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસે પણ લોકોને વિનંતી કરી હતી કે બેંકોમાં કોઇ પણ પ્રકારની ભીડ કરશો નહી, શાંતિથી તમારા રૂપિયા જમા કરાવજો. રોજના 20000 રૂપિયા બદલવાનો પણ RBIએ વિકલ્પ આપ્યો છે.

બીજું કારણ એ છે કે વર્ષ 2016માં 500 અને 1000 રૂપિયાની નોટનું ચલણ હતું જે રોજિંદા વપરાશમાં આવતું હતું, પરંતુ 2000ની નોટ લોકોના દૈનિક વપરાશમાં આવતી નહોતી. દરેક જગ્યાએ છુટાની સમસ્યા નડતી હતી. એટલે કે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પાસે 2000ની નોટ ઓછા પ્રમાણમાં છે. એટલે પણ લાઇન લાગતી નથી.

ત્રીજું કારણ એ છે કે કેટલાંક રિટેલ સ્ટોર, જ્વેલર્સ, હોસ્પિટલ કે અન્ય દુકાનોમાં 2000ની નોટ સરળતાથી લેવામાં આવે છે એટલે લોકો આવી જગ્યાએ તેમની 2000ની નોટોનો નિકાલ કરી રહ્યા છે.

ચોથું કારણ એ છે કે જેમની પાસે 2000ની નોટ વધારે સંખ્યામાં છે તેવા લોકો પોતાનું જૂનુ દેવું ચૂકતે કરી રહ્યા છે અથવા દાન ધર્મમાં વાપરી રહ્યા છે. કેટલાંક લોકો એડવાન્સ ભાડા તરીકે 2000ની નોટ આપી રહ્યા છે.

પાંચમાં કારણમાં બેંકરોએ કહ્યું હતું કે હજુ પહેલો દિવસ છે એટલે કદાચ સંખ્યા ઓછી હોય શકે છે, આવનારા દિવસોમાં લોકો આવી શકે છે. જો કે બેંકરોનું માનવું છે કે લોકો પાસે ઘણા ઓપ્શન હોવાથી હવે લાઇનો લાગશે એવું લાગતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp