કેજરીવાલે PM મોદીને યાદ અપાવી 10 વર્ષ જૂની ટ્વીટ, પૂછ્યું- વટહુકમ કેમ લાવ્યા સર?

PC: livemint.com

આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારના વટહુકમ લાવવાના નિર્ણય પર પ્રહાર કર્યો છે. અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 10 વર્ષ જૂની ટ્વીટ શેર કરતા પૂછ્યું કે, તેઓ વટહુકમ શા માટે લઈને આવ્યા? અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ટ્વીટ શેર કરી છે તેમાં લખ્યું છે કે, ‘જ્યારે સંસદમાં બેઠક ચાલી રહી છે. સંસદને ભરોસામાં કેમ ન લેવામાં આવી અને એક સારું બિલ કેમ ન આપી શકાય? વટહુકમ કેમ લાવવામાં આવ્યો?’

કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દિલ્હીના અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે શુક્રવારે વટહુકમ લઈને આવી. આ વટહુકમ દ્વારા કેન્દ્ર સરકારે ટ્રાન્સફર અને પોસ્ટિંગના અધિકારો ઉપરાજ્યપાલને આપી દીધા છે. આ વટહુકમ દ્વારા કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય રાજધાની સિવિલ સેવા ઓથોરિટીની રચના કરશે, જે દિલ્હીમાં ટ્રાન્સફર, પોસ્ટિંગ અને વિજિલેન્સનું કામ કરશે. તેના 3 સભ્ય હશે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી સિવાય મુખ્ય સચિવ અને ગૃહ સચિવ હશે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ સમિતિ અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગનો નિર્ણય બહુમતના આધાર પર કરશે, પરંતુ અંતિમ નિર્ણય ઉપરાજ્યપાલનો હશે. દિલ્હી સરકારનું કહેવું છે કે, કેન્દ્ર સરકારનો વટહુકમ સીધી રીતે સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં ખૂબ જ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, ચૂંટાયેલી સરકાર સુપ્રીમ છે. ચૂંટાયેલી સરકાર પાસે બધી શક્તિઓ છે. સુપ્રીમ કોર્ટના આદેશથી ડરીને કેન્દ્ર સરકાર આ વટહુકમ લાવી છે. કેજરીવાલ સરકારનો પાવર ઓછો કરવા માટે આ વટહુકમ લાવવામાં આવ્યો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, કેન્દ્ર સરકારનો નવો વટહુકમ બદલાની ભાવનાથી ઓતપ્રોત છે અને પૂરી રીતે સંવૈધાનિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. સંવૈધાનિક સિદ્ધાંત એ છે કે નોકરશાહ ચૂંટયેલી સરકાર પ્રત્યે જવાબદાર હોય છે, પરંતુ તમે નોકરશાહોને અન્ય નોકરશાહોના પ્રભારી બનાવી દીધા છે. તમે કેવી રીતે વટહુકમ દ્વારા સંવિધાનનું ઉલ્લંઘન કરી શકો છો. તેને પડકાર આપવામાં આવશે અને તેને સંસદ દ્વારા પાસ થવા દેવામાં નહીં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp