
નિખત અન્સારી છેલ્લા ઘણા દિવસોથી જેલમાં બંધ ધારાસભ્ય પતિ અબ્બાસ અન્સારીને મળવા જતી હતી. નિખત રોજ સવારે 11 વાગે મળવા પહોંચતી અને 3-4 કલાક વિતાવીને પાછી આવતી. જ્યારે ચિત્રકૂટ DM અને SPએ જેલમાં દરોડો પાડ્યો ત્યારે નિખત જેલરના રૂમમાંથી મળી આવી હતી, જ્યારે પતિ અબ્બાસ બેરેકમાં પાછો જઇ ચૂક્યો હતો. નિખતની ધરપકડ કરી લેવામાં આવી છે.
ચિત્રકુટ જેલમાં બંધ ધારાસભ્ય અબ્બાસ અન્સારી સાથે મુલાકાત કરવા ગયેલી નિખત અન્સારીની ધરપકડ કરી લેવામાં આવી છે. પતિ અબ્બાસ સાથે ચોરી છુપી જેલરની રૂમમાં મુલાકાત કરાવવામાં આવી રહી હતી. પોલીસે તપાસ દરમિયાન નિખતનો મોબાઇલ, રોકડા અને અન્ય ગેરકાયદે વસ્તુઓ જપ્ત કરી હતી. ઉપરાંત અબ્બાસ, જેલ સુપ્રિન્ટેડન્ટ અને જેલના કર્મચારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
કર્વી પોલીસ સ્ટેશનના પ્રભારી શ્યામ દેવ સિંહે આ અંગે FIRનોંધાવી છે. પોલીસ ASI ના જણાવ્યા મુજબ, બાંદા જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર મુખ્તાર અન્સારીના પુત્ર અબ્બાસ અન્સારી મઉ બેઠકના ધારાસભ્ય છે અને ચિત્રકૂટ જેલમાં બંધ છે. બાતમીદારે માહિતી આપી હતી કે અબ્બાસની પત્ની નિખત બાનો તેના ડ્રાઈવર નિયાઝ સાથે છેલ્લા ઘણા દિવસોથી દરરોજ સવારે 11 વાગે જેલમાં આવે છે અને 3-4 કલાક અંદર વિતાવીને પરત જાય છે.
FIR મુજબ, નિખત બાનોને અબ્બાસ અન્સારીને મળવા માટે કોઈ કાપલી કે રોકટોક જરૂર પડતી નહોતી. જ્યારે અબ્બાસ સામે ગંભીર પ્રકારના અનેક કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. ચિત્રકૂટ જેલમાં હતો ત્યારે અબ્બાસે તેની પત્નીના મોબાઈલ ફોનનો ઉપયોગ સાક્ષીઓ અને ફરિયાદી અધિકારીઓને ધમકાવવા માટે કર્યો હતો અને પૈસાની પણ માંગણી કરી હતી. બીજી તરફ અબ્બાસના પંટરો લોકો પાસેથી પૈસા વસૂલ કરીને અબ્બાસને પહોંચાડે છે.
અબ્બાસની પત્ની નિખતને બેરોકટોક આવવા જવા માટે અને પતિને સુવિધા પહોંડાવા માટે નિખત જેલ અધિકારીઓ અને કર્મચારીઓને ભેટ સોગાદ, રોકડા અને પ્રલોભનો આપતી હતી. નિખત જેલ અધિકારી અને પોતાના ડ્રાઇવરની મદદથી અબ્બાસને જેલમાંથી ભગાડી દેવાની ફિરાકમાં હતી. આ વાતની જાણ થતા DM અને SP સાદા પહેરવેશમા જેલ પહોંચ્યા અને જેલમાં તપાસ કરી તો અબ્બાસ પોતાની બેરેકમાં નહોતો. જેલ સુપ્રિન્ટેડન્ટ અને કર્મચારીઓએ DM અને SPને સહયોગ આપવાને બદલે ભ્રમિત કર્યા હતા.
જ્યારે આ બંને અધિકારીઓએ તેમના તેવર બતાવ્યા ત્યારે જેલના એક કર્મચારીએ કહી દીધું હતું કે અબ્બાસ પોતાની પત્ની નિખત સાથે જેલર ઓફીસની નજીકના રૂમમાં છે. જ્યારે દરોડા પાડનાર અધિકારીઓ ત્યાં પહોંચ્યા તો રૂમમાંથી માત્ર નિખત મળી હતી. અધિકારીઓને જાણવા મળ્યું કે થોડા સમય પહલાં જ જેલકર્મી જગમોહન અબ્બાસને રૂમમાંથી બેરેકમાં લઇ ગયો હતો.
નિખતની તપાસમાં 2 મોબાઇલ, 21 હજાર રોકડા અને 12 રિયાલ મળી આવ્યા હતા. મહિલા પોલીસે જ્યારે નિખતને ફોન ખોલવા કહ્યું તો તેણીએ પોતાના મોબાઇલમાંથી કેટલાક ડેટા ડીલીટ કરી નાંખ્યો હતો. નિખતે પાછી ધમકી પણ આપી હતી કે આના ગંભીર પરિણામો ભોગવવા પડશે.પોલીસે પાસવર્ડ પુછ્યો તો નિખતે ખોટો પાસવર્ડ આપ્યો તેમાં મોબાઇલ બંધ થઇ ગયો હતો.
પોલીસે આ કેસમાં અબ્બાસ અન્સારી, નિખત અન્સારી, ડ્રાઇવર નિયાઝ, જેલ સુપ્રિન્ટેડન્ટ અશોક સાગર, જેલર સંતોષ કુમાર, ડેપ્યુટી જેલર પીયુષ પાંડે અને 5 ગાર્ડને IPC અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની વિવિધ કલમો હેઠળ આરોપી બનાવવામાં આવ્યા છે. આ સાથે જ નિખતની જેલમાંથી ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. આટલું જ નહીં જેલના DG આનંદ કુમારે જેલ સુપ્રિટેન્ડેન્ટ, જેલર, ડેપ્યુટી જેલર સહિત 8 જેલ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp