પોતાની 1 વર્ષની દીકરીને છાતી સાથે બાંધીને રીક્ષા ચલાવવા આ ભાઇ મજબૂર છે

PC: jagran.com

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં એક ઇ-રીક્ષા ચાલક અત્યારે જબરદસ્ત ચર્ચામાં છે. તેની તસ્વીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે. રીક્ષાચાલક ચર્ચામાં રહેવાનું કારણ એ છે કે  તે ઇ-રીક્ષામાં પોતાની 1 વર્ષની દીકરીને ગમછાથી છાતી સાથે બાંધીને રીક્ષા ચલાવી રહ્યો છે. લોકોને એ જાણવામાં રસ છે કે આ ભાઇને એવી તે શું મજબુરી છે કે બાળકીને છાતી સાથે બાંધીને રીક્ષા ચલાવે છે?

ન્યૂઝ એજન્સીના એક રિપોર્ટ મુજબ કમલેશ વર્મા નામનો આ ઇ-રીક્ષા ડ્રાઇવર ચિરંજી છપરા ગામનો છે. તેના પરિવારમાં એક વૃદ્ધ માતા છે અને એક વર્ષની દીકરી છે. કમલેશની પત્નીનું 6 મહિના પહેલા અવસાન થયું હતું અને વૃદ્ધ માતાની તાજેતરાં જ આંખની સર્જરી કરાવવામાં આવી છે. આવા સંજોગોમાં 1 વર્ષની દીકરીને સાચવવાનો કમલેશ માટે પડકાર હતો, તો બીજી તરફ પરિવારના ભરણ પોષણ માટે રીક્ષા ચલાવવી પણ જરૂરી હતી. માતાની સર્જરી કરાવી હોવાથી દીકરીને એકલી ઘર પર રાખી શકાય તેમ પણ નથી.

આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કમલેશે નિર્ણય કર્યો કે દીકરીને રીક્ષામાં સાથે લઇને જ જઇશ. કમલેશે કહ્યું કે શરૂઆતમાં દીકરીને સાથે લઇને જવામાં ઘણી મુશ્કેલી પડતી હતી, કારણકે દીકરી માત્ર 1 જ વર્ષની હોવાને કારણે જ્યારે તે રડતી ત્યારે શાંત કરવામાં મુશ્કેલી રહેતી, પરંતુ હવે ધીમે ધીમે બધું સરળ થઇ ગયું છે. સવારે 6 વાગ્યે હું રીક્ષા લઇને નિકળું છું અને દુધની બોટલ સાથે રાખું છું. અત્યારે મારી દીકરી માટે હું માતા અને પિતા એમ બંને રોલ સંભાળી રહ્યો  છું.

કમલેશે કહ્યું કે, મારી પત્નીનું 6 મહિના પહેલાંજ ટ્રેનમાંથી પડી જવાને કારણે મોત થયું હતું અને માતાની આંખની સર્જરી કરાવી છે એટલે દીકરીને સાચવવા વાળું કોઇ નથી.

બલિયાના DM રવીન્દ્ર કુમારે કહ્યું કે, કમલેશ વિશે જાણકારી મળી છે. તેને તંત્ર તરફથી શક્ય તેટલી બધી મદદ કરવામાં આવશે. કમલેશને પેન્શન, રાશન કાર્ડ અને સરકારી યોજનાઓનો લાભ મળશે. DMએ કહ્યું કે હું તેની સાથે વાત કરીશ અને બાળકીને સારી સંભાળ સુનિશ્ચિત કરવાની કોશિશ કરીશ.

સ્થાનિક ધારાસભ્ય જય પ્રકાશ આંચલે જણાવ્યું હતું કે કમલેશ વર્મા તેની પુત્રીને છાતી સાથે બાંધીને ઈ-રિક્ષા ચલાવતા હોય તેવા ચિત્રો અને વીડિયો કોઈપણનું હૃદય પીગળી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ વર્માને આર્થિક મદદ કરશે અને તેમને દરેક સંભવ મદદ કરશે. સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તના પ્રાઈવેટ સેક્રેટરી અમન સિંહે કહ્યું કે તેઓ વર્માને પાકું ઘર અપાવવાનો પ્રયાસ કરશે. સાથે તેને બેંકમાંથી લોન અપાવીને પોતાની રીક્ષા અપાવશે. એક સામાજિક સંસ્થાએ કહ્યું કે તેઓ કમલેશ માટે લોકો પાસેથી ફંડ ઉઘરાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp