સેલ્ફીના ચક્કરમાં યુવાનોએ ગંગામાં Thar ઉતારી દીધી, પોલીસે પાઠ ભણાવ્યો

PC: msn.com

હરિદ્વારમાં ગંગાનદીમાં મહિન્દ્રાની થાર કારને ધોવાનું અને હંગામો મચાવવાનું દિલ્હીના 6 યુવકોને ભારે પડી ગયું હતું. સેલ્ફીના ચકકરમાં નદીમાં કાર ઉતારી હોવાની  માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામને પાઠ ભણાવ્યો હતો.પોલીસે કાર જપ્ત કરી ઓપરેશન મર્યાદા હેઠળ છ ટુરિસ્ટને દંડ ફટકાર્યો છે.

આ ઉપરાંત પોલીસ એક્ટ હેઠળ દારૂના નશામાં ગુંડાગીરી કરનારા અન્ય ચાર લોકોને પણ ચલણ જારી કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીથી થાર (જીપ) કારમાં મુસાફરી કરી રહેલા છ યુવકો રવિવારે હરિદ્વાર પહોંચ્યા હતા. સાંજે હોબાળો કરતી વખતે, ચોકી રોડીએ બેલવાલા ચોકી વિસ્તારમાં ચાંડી ચોક પાસે નીલધારામાં કાર ઉતારી દીધી હતી.

પોલીસે કહ્યું કે, ગંગા નદીની વચ્ચોવચ કાર ઉતારીને આ યુવાનો સેલ્ફી લઇ રહ્યા હતા અને સાથે શોરબકોર કરી રહ્યા હતા. સાથે કારની ધોલાઇ પણ કરવા માંડી હતી. આ બાબતની સુચના મળતા પોલીસની ટીમ પહોંચી ગઇ હતી અને યુવકોને ઠપકો આપીને કાર જપ્ત કરી લેવામાં આવી હતી.

સિટી કોતવાલી પ્રભારી ભાવના કૈંથોલાએ જણાવ્યું કે ધર્મનગરીની ગરિમાનું ઉલ્લંઘન કરવાની કોઈને મંજૂરી આપવામાં આવશે નહીં. ગુંડાગીરી કરનાર કુલ 10 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડ પોલીસનું ધાર્મિક અને અન્ય પર્યટક સ્થળો પર ‘ઓપરેશન મર્યાદા’ ચાલે છે. એ જ કડીમાં પોલીસે દિલ્હીના યુવકો સામે કાર્યવાહી કરી છે.

હરિદ્વારના એસએસપી અજય સિંહે કહ્યું કે મા ગંગાની ગરિમા જાળવવી એ દરેકની જવાબદારી છે. પવિત્ર નદીની ગરિમા સાથે રમત કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસનું ઓપરેશન મર્યાદા આવી જ રીતે ચાલુ રહેશે. તેમણે હરિદ્વાર અને અન્ય પર્યટન સ્થળોની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને તમામ પવિત્ર સ્થળોની ગરિમા જાળવવા અપીલ કરતા કહ્યું હતું કે, એવું કોઈ કામ ન કરો, જે નિયમોની વિરુદ્ધ હોય.

ઓપરેશન મર્યાદા હેઠળ, જુલાઈ 2021 થી, 10 પોલીસકર્મીઓ ગંગા ઘાટ પર તૈનાત રાખવામાં આવે છે. જો કોઈ ધાર્મિક સ્થળ પર હંગામો મચાવતો જોવા મળે તો પોલીસ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરે છે.

ઓગસ્ટ 2022માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં કેટલાક યુવકો ગંગા નદીમાં હોડી પર બેઠેલા જોવા મળ્યા હતા. આ યુવકો બોટ પર બેસીને હુક્કા પી રહ્યા હતા અને નોન-વેજ રાંધતા હતા. આ લોકો સામે પણ પોલીસે કાર્યવાહી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp