શું લાગે છે? પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? બ્રોકરેજ હાઉસનો રિપોર્ટ જોઈ લો

PC: zeenews.india.com

દેશમાં મોંઘવારીથી પ્રજા ઘણા સમયથી પરેશાન છે, પરંતુ હવે જ્યારે 10 મહિનામાં લોકસભા અને લગભગ અડધો ડઝન રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સરકાર અચાનક પ્રજાને રાહત આપવાના મૂડમાં આવી ગઇ છે. પ્રજાને રાહત મળે તેવા નિર્ણયો હવે લેવાના શરૂ થયા છે. રક્ષાબંધન પહેલાં જ સરકારે રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કર્યો હતો. હવે લોકોના મનમાં થોડી આશા જાગી છે કે ચૂંટણી છે તો કદાચ પેટ્રોલ-ડિઝલના ભાવ પણ ઘટી શકે છે.

જો કે પેટ્રોલ-ડિઝલના ભાવને લઇને સરકારે હજુ સુધી કોઇ સંકેત આપ્યો નથી. પરંતુ સ્થાનિક બ્રોકરેજ ફર્મ JM ફાયનાન્શિયલે એવો અંદાજ લગાવ્યો છે કે દિવાળીની આજુબાજુ સરકાર પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા અને ડિઝલના ભાવમાં 5 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી શકે છે. જો આવું થશે તો લોકોને મોટી રાહત મળી શકે છે.

નવેમ્બરથી ડિસેમ્બર મહિનાના સમયગાળામાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એ પછી આવતા વર્ષે એટલે કે 2024માં લોકસભાની ચૂંટણી છે. એવામાં સરકારને એવી આશંકા છે કે મોંઘવારી ચૂંટણીમાં એક મોટો મુદ્દો બની શકે છે. એટલે તહેવારોના ટાંકણે પેટ્રોલ –ડિઝલના ભાવ ઘટાડીને સરકાર લોકોને ખુશ કરી શકે છે.

બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે સરકાર પેટ્રોલ-ડિઝલ પર એક્સાઇઝ ડ્યૂટી અથવા વેટમાં ઘટાડો કરી શકે છે. જો કે આ ઘટાડાને કારણે સરકારી તિજોરી પર ભારણ આવી શકે છે. સરકાર પર ભારણ આવવાનું કારણ એવું છે કે છેલ્લાં 10 મહિનાથી ઇન્ટરનેશનલ લેવલે ક્રુડ ઓઇલના ભાવ તેના ઉચ્ચત્તમ સ્તર પર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વર્ષના અંત સુધી રશિયા અને સાઉદી અરબ ક્રુડ ઓઇલના ઉત્પાદનમાં કાપ મુકતા રહેશે.અત્યારે ક્રુડ ઓઇલનો ભાવ બેરલ દીઠ 90 ડોલર પર ચાલી રહ્યો છે.

ગયા સપ્તાહમાં કેન્દ્ર સરકારે 14.2 કિલો વાળા LPG સિલિન્ડરમાં 200 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી હતી. આ દરમિયાન ફુગાવો પણ સરકાર માટે માથાનો દુખાવો બનેલો છે. જુલાઇમાં રિટેલ ફુગાવાનો દર 7.44 ટકા નોંધાયો હતો. જે RBIના 4 થી 6 ટકાના દાયરાથી બહાર છે. પરંતુ જે રીતે સરકારે LPGના ભાવમાં ઘટાડો કર્યો, તે જોતા પેટ્રોલ-ડિઝલમાં ઘટાડો આવી શકે છે.

ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવાનો દર ઘટવાની અપેક્ષા રાખવામાં આવી છે. કારણકે, ટામેટા સહિતના શાકભાજીના ભાવો નીચે ઉતર્યા છે. અત્યારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ 96.72 રૂપિયા અને ડિઝળ 89.62 રૂપિયા પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp