શું હાઈવે પરથી ટોલ પ્લાઝા ખતમ થશે? છ મહિનામાં સરકાર લાવશે GPS આધારિત સિસ્ટમ

PC: zeenews.india.com

દેશભરના તમામ હાઈવે પર ટોલ પ્લાઝા ટૂંક સમયમાં બંધ થઈ શકે છે. જે બાદ લોકોને ટોલ પ્લાઝા પરના જામમાંથી પણ છુટકારો મળી શકશે. ફાસ્ટેગને લઈને ટોલ પરના ટ્રાફિકને ઝડપી બનાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ હવે GPS આધારિત ટોલ કલેક્શનની મદદથી ટોલ પ્લાઝાને જ ખતમ કરવાની વિચારણા ચાલી રહી છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, સરકાર દેશમાં હાલના હાઈવે ટોલ પ્લાઝાને બદલવા માટે આગામી છ મહિનામાં GPS આધારિત ટોલ કલેક્શન કરવા માટે નવી ટેક્નોલોજી દાખલ કરવા જઈ રહી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ પગલું ભરવા પાછળનો ઉદ્દેશ્ય ટ્રાફિકનું ભારણ ઘટાડવાનો છે. વાહન ચાલકોને પણ આનો લાભ મળશે. વાહન ચાલકોએ જેટલા કિલોમીટરનું અંતર કાપ્યું હશે તેને આધારે ટોલ કાપવામાં આવશે. આ સાથે નીતિન ગડકરીએ કહ્યું કે, NHAIની ટોલ આવક હાલમાં 40,000 કરોડ રૂપિયા છે અને તે આગામી 2-3 વર્ષમાં 1.40 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચશે.

નીતિન ગડકરીએ કહ્યું કે, ટોલ પ્લાઝાને વધારે અદ્યતન કરવા માટે સરકાર દેશમાં GPS આધારિત ટોલ સિસ્ટમ સહિતની નવી ટેક્નોલોજી લાવવા પર વિચાર કરી રહી છે... અને આ ટેક્નોલોજી આગામી છ મહિના સુધીમાં લાવવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય ટોલ વસૂલાતને વધુ અસરકારક બનાવવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરાનો એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, 2018-19 દરમિયાન ટોલ પ્લાઝા પર વાહનો માટે સરેરાશ રાહ જોવાનો સમય 8 મિનિટનો હતો. ત્યાર બાદ, 2020-21 અને 2021-22 દરમિયાન FASTagની શરૂઆત સાથે, વાહનોનો સરેરાશ રાહ જોવાનો સમય ઘટીને 47 સેકન્ડ થઈ ગયો છે.

ઘણા સ્થળોએ, ખાસ કરીને શહેરોની નજીકમાં, રાહ જોવાના સમયમાં નોંધપાત્ર સુધારો થયો છે, પરંતુ જ્યાં વસ્તી વધુ છે, તેવા શહેરોમાં પીક અવર્સ દરમિયાન ટોલ પ્લાઝા પર હજુ પણ થોડો વિલંબ થાય છે. ગડકરીએ ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના માર્ગ નિર્માણના ખર્ચમાં ઘટાડો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, આ ટેક્નોલોજી હેઠળ તમારે તમારી કારમાં એક GPS ઉપકરણ લગાવવું પડશે. તમે વાહનને ટોલ હાઈવે પર લાવશો કે તરત જ ટોલ ગણતરી શરૂ થઈ જશે. તે રસ્તા પર તમે જે અંતર શરૂ કર્યું છે. તે મુજબ નાણાં કાપવામાં આવશે. આ રકમ સીધી તમારા બેંક ખાતામાંથી કાપવામાં આવશે. તમારે તમારા બેંક ખાતાની માહિતી પણ સરકારને આપવાની રહેશે. તેમજ તમારે તમારા વાહનનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ સિસ્ટમથી સ્થાનિક લોકોને ટોલ પર આપવામાં આવતી છૂટ બંધ થઈ જશે. આ સાથે ટોલ પ્લાઝા પર સામે આવી રહેલી હિંસાના મામલા પણ ખતમ થઈ જશે.

વધુમાં તમને જણાવીએ કે, 2017-18માં 16 ટકા કારમાં ફાસ્ટેગ લગાવવામાં આવ્યું હતું, જે 2021-22માં વધીને 96.3 ટકા થઈ ગયું છે. 2017-18માં ફાસ્ટેગથી કુલ રૂ. 3,532 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો હતો. 2021-22માં તે વધીને 33,274 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp