યુનિફોર્મ સિવિલ કોડના સમર્થન સાથે BJP-PM મોદીના ઈરાદા પર શું કહ્યું જાવેદ અખ્તરે

PC: abplive.com

બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે કહ્યું કે, તેઓ માને છે કે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની જરૂર છે અને તેઓ પોતે પણ તેની તરફેણમાં છે, પરંતુ કેન્દ્ર સરકારે પહેલા UCCનો મસદ્દો સામે મુકવો જોઈએ. યુનિફોર્મ સિવિલ કોડના ડ્રાફ્ટ વિના, કોઈપણ ચર્ચા અને અનુમાનનો કોઈ અર્થ નથી. મીડિયા સૂત્રોની સાથે વાતચીતમાં જાવેદ અખ્તરે સ્પષ્ટતા કરી હતી કે, મારા માટે સૌથી મહત્વની બાબત એ છે કે, છોકરીઓ અને મહિલાઓ સાથે લિંગ સમાનતા સુનિશ્ચિત કરવી.

મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં જાવેદ અખ્તરે કહ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ રાજકારણીઓ દ્વારા નહીં પણ નિષ્ણાતો દ્વારા તૈયાર થવો જોઈએ. રાજકારણીઓએ UCC (યુનિફોર્મ સિવિલ કોડ)ના ડ્રાફ્ટમાં દખલ ન કરવી જોઈએ. એકવાર ડ્રાફ્ટ તૈયાર થઈ જાય પછી, તેના પર દેશના નાગરિકો, વિવિધ સમુદાયના લોકો અને સંસ્થાઓના મંતવ્યો લેવા જોઈએ. અત્યારે યુનિફોર્મ સિવિલ કોડ પર જે પ્રકારની ચર્ચા થઈ રહી છે અને જે કંઈ થઈ રહ્યું છે તે બધી ખોટી દિશામાં છે.

શું PM નરેન્દ્ર મોદી કે BJP યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દાનો રાજકીય રીતે ફાયદો ઉઠાવવા માંગે છે? આ સવાલ પર જાવેદ અખ્તર કહે છે કે, યુનિફોર્મ સિવિલ કોડનો વિચાર કંઈ PM નરેન્દ્ર મોદીનો નથી. બંધારણમાં તેનો ઉલ્લેખ છે. હવે PM શા માટે આનો ઉલ્લેખ કરી રહ્યા છે, શું તેની પાછળ કોઈ રાજકીય ઈરાદો છે..., મને તેમાં રસ નથી. મહત્ત્વની બાબત એ છે કે, આપણને યુનિફોર્મ સિવિલ કોડની જરૂર છે કે નહીં.

કેટલાક લોકોને લાગે છે કે PM મોદી અને BJP યુનિફોર્મ સિવિલ કોડ દ્વારા મુસ્લિમોમાં બહુપત્નીત્વને નિશાન બનાવી રહ્યા છે? આ સવાલ પર જાવેદ અખ્તર કહે છે કે, આપણે માત્ર અનુમાન લગાવી રહ્યા છીએ. એક તરફ, તમે કહો છો કે સરકારી આંકડા મુજબ, મુસ્લિમો કરતાં હિંદુઓમાં બહુપત્નીત્વના કિસ્સાઓ વધુ છે, તો પછી તમે એકલા મુસ્લિમોનો જ કેમ ઉલ્લેખ કરો છો? સમાન નાગરિક સંહિતા તમામ ધર્મ અને સમુદાયના લોકોને અસર કરશે.

જાવેદ અખ્તર કહે છે કે, આંદામાન અને નિકોબારથી લઈને ઝારખંડ અને છત્તીસગઢમાં રહેતા સેન્ટીનલીઝ, સંથાલ, જારવા જેવા આદિવાસીઓની પોતાની એક અલગ ઓળખ છે. તેમને આનાથી (UCCથી) દૂર રાખવા જોઈએ, કારણ કે આપણે એ હકીકત પ્રત્યે વધુ સંવેદનશીલ બનવું પડશે કે તેમની એક અલગ દુનિયા છે. તેવી જ રીતે, ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં આદિવાસીઓની બહુમતી છે. તેમને પણ બહાર રાખવા જોઈએ.

જાવેદ અખ્તરનું કહેવું છે કે, યુનિફોર્મ સિવિલ કોડ લાવવા પાછળનો ઈરાદો શું છે તે ચર્ચામાં પડવું જ ન જોઈએ, તેના બદલે તે કેટલું સાચું છે અને કેટલું ખોટું છે, તેની ચર્ચા થવી જોઈએ. બે પ્રકારના લોકો હોય છે. એક તેને સાચું કહી રહ્યા છે અને બીજો તેની વિરુદ્ધ છે. પરંતુ હકીકત એ છે કે, યુનિફોર્મ સિવિલ કોડ શું છે તે કોઈ જાણતું જ નથી. આ ખૂબ જ આશ્ચર્યજનક છે.

પોતાના જીવનનો ઉલ્લેખ કરતા જાવેદ અખ્તરે કહ્યું કે, હું મારું જીવન યુનિફોર્મ સિવિલ કોડ મુજબ જીવી રહ્યો છું. એક મુસલમાન તરીકે મારે મારી પત્નીને માત્ર 4 મહિના માટે જ ભરણપોષણ આપવાનું હતું પરંતુ મેં સભાનપણે નક્કી કર્યું કે, તે ઇચ્છે ત્યાં સુધી તેને ભરણપોષણ આપવાનું. તેવી જ રીતે, મેં મારા પુત્ર અને પુત્રી બંનેને મિલકતમાં સમાન અધિકાર આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp