ક્યારેક એન્જિનિયર, તો ક્યારેક ડૉક્ટર બનીને મહિલાઓને ફસાવતો હતો લૂંટારુ વર

અત્યાર સુધી તમે લૂંટારુ દુલ્હનના કિસ્સા ખૂબ સાંભળ્યા હશે, પરંતુ કર્ણાટકના મૈસૂરથી હવે લૂંટારુ વરરાજાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે આ વરરાજાએ એક, બે નહીં, પરંતુ 15 મહિલાઓને પોતાની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેમને લૂંટીને ફરાર થઈ ગયો. ઘટના કુવેમપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. આરોપીની ઓળખ 35 વર્ષીય મહેશના રૂપમાં થઈ છે. તે બેંગ્લોરના બનાશંકરીનો રહેવાસી છે. આ ચતુર વરરાજાની ખાસ વાત એ હતી કે તે એ મહિલાઓને પોતાનો શિકાર બનાવતો હતો, જેમની ઉંમર 35 કરતા વધુ રહેતી હતી.
મહેશ પહેલા મહિલાઓની કુંડળી કાઢતો. પછી તેમને ક્યારેક ડૉક્ટર, તો ક્યારેક એન્જિનિયર તો ક્યારેક સિવિલ કોન્ટ્રાકટર બનીને પોતાની માયાજાળમાં ફસાવતો હતો. તેની સાથે પહેલા અફેર ચાલતું, પછી લગ્નની વાત કરીને તેની સાથે લગ્ન કરી લેતો. જ્યારે દુલ્હન લગ્ન કરીને તેની પાસે રહેવા માટે આવતી તો તે તેના કિંમતી ઘરેણાં અને કેશ લઈને ફરાર થઈ જતો. હેમલતા નામની મહિલાએ જ સૌથી પહેલા મહેશ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હતો.
તેણે જણાવ્યું હતું કે, મહેશ સાથે તેની મુલાકાત એક મેટ્રીમોનિયલ વેબસાઇટ દ્વારા થઈ. મહેશે તેને જણાવ્યું કે તે એક ડૉક્ટર છે. મહેશે તેની સાથે લગ્ન કર્યા. પછી થોડા દિવસ બાદ 1 જાન્યુઆરી 2023ના રોજ તે હેમલતાના કિંમતી ઘરેણાં અને કેશ લઈને ફરાર થઈ ગયો. પીડિતાએ પરેશાન થઈને કુવેમપુનગર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ કેસ નોંધાવ્યો. ઇન્સ્પેક્ટર અરુણ પોતે આ કેસની તપાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન ખબર પડી કે મહેશે 15 મહિલાઓ સાથે આ પ્રકારની છેતરપિંડી કરી છે. આ દરમ્યાન દિવ્યા નામની મહિલા પણ સામે આવી.
તેણે કહ્યું કે, તે પણ એ જ 15 મહિલાઓમાંથી એક છે જેમની સાથે મહેશે ફ્રોડ કર્યું છે. પોલીસે આરોપી મહેશની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી 2 લાખ રૂપિયા કેસ, 2 કાર, એક સોનાનું બ્રેસલેટ, એક સોનાની અંગૂઠી, 2 સોનાની બંગડીઓ અને એક સોનાનું નેકલેસ મળી આવ્યું છે. સાથે જ 7 મોબાઈલ ફોન પણ આરોપી પાસેથી મળ્યા છે. હાલમાં પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp