મહિલા કુસ્તીબાજોના આંદોલનમાં અલ્પ વિરામ, ખેલ મંત્રી સાથે બેઠક પછી લીધો આ નિર્ણય

છેલ્લા 138 દિવસોથી દેશના ટોચના પહેલાવાનોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીનો આરોપ મુકીને મોર્ચો ખોલેલો છે. એના અનુસંધાનમાં બુધવારે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરના દિલ્હીના નિવાસ સ્થાને પહેલવાનોની 6 કલાક લાંબી બેઠક ચાલી હતી. બેઠકના અંતે બહાર આવેલા કુસ્તીબાજોએ કહ્યું હતું કે તેઓ 15 જૂન સુધી વિરોધ નહીં કરે, આ દરમિયાન પોલીસ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે અને એ પછી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.
કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનોને વાતચીત કરવા માટે આંમત્રણ આપ્યું હતું, જેમાં બજરંગ પુનિયા અને એ પછી સાક્ષી મલિક મંત્રીના ઘરે પહોંચ્યા હતા. જાણવા મળેલી વિગત મુજબ કુસ્તીબાજ બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ પર અડગ રહ્યા હતા.આ સાથે જ તેમણે કુસ્તી સંઘની ચૂંટણી નિષ્પક્ષ રીતે કરવાની અને બ્રિજ ભૂષણના પરિવારનો કોઈ સભ્ય કુસ્તી સંઘમાં ન હોવો જોઈએ તેવી માંગ પણ કરી હતી.
આ સાથે કુસ્તીબાજોએ તેમની સામે નોંધાયેલી FIR રદ કરવાની પણ માંગ કરી છે. રમતગમત મંત્રીને મળ્યા બાદ બજરંગ પુનિયાએ કહ્યું કે સરકાર સાથે વાતચીત થઈ છે. 15મી જૂન સુધીમાં પોલીસને પ્રક્રિયા પૂરી કરવા જણાવાયું છે.ત્યાં સુધી અમે કોઇ પણ ધરણાં પ્રદર્શન નહીં કરીએ. જે કેસ અમારી સામે થયા છે, તે પરત ખેંચવામાં આવશે. દે પણ સંગઠન અમારી સાથે જોડાયેલા છે, તેમની સાથે ચર્ચા કરીને આગળની જાણકારી આપીશું. 15 તારીખ સુધીમાં પોલીસ જે પણ પ્રોસસ કરશે, તે પુરી થયા પછી અમને જાણકારી આપવામાં આવશે.
સાક્ષી મલિકે પણ કહ્યુ કે અમને 15 જૂન સુધી જ્યાં સુધી પોલીસની તપાસ પુરી થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન સ્થગિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
પહેલવાનો સાથે 6 કલાક લાંબી બેઠક પછી રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ પોતાનું નિવેદન આપ્યું છે. ઠાકુરે કહ્યું કે,મેં કુસ્તીબાજોને ગઇકાલે વાતચીત કરવા માટે આમંત્રણ આપ્યું હતું. સૌહાર્દપૂર્ણ વાતાવરણ અને સકારાત્મક વાત થઇ હતી. લગભગ 6 કલાક સુધી ચાલેલી બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. તેમજ WFIની ચૂંટણી 30 જૂન સુધીમાં યોજાશે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં Internal Complaints Committee ( ICC )ની રચના કરવામાં આવશે અને એક મહિલા તેનું નેતૃત્વ કરશે.કુસ્તીબાજોની માંગ હતી કે બ્રિજ ભૂષણ સાથે જોડાયેલા લોકોને WFI માટે પસંદ ન કરવા જોઈએ. મહિલા કુસ્તીબાજોને તેમની જરૂરિયાત મુજબ સુરક્ષા આપવી જોઈએ અને તેમની સામેના કેસ પાછા ખેંચવા જોઈએ.
આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે કુસ્તીબાજોની મિટીંગ થઇ હતી અને એ પછી બજરંહ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ રેલવેમાં પોત પોતાની નોકરીમાં જોડાઇ ગયા હતા. જો કે પહેલવાનોએ સ્પષ્ટતા કરી હતી કે જ્યા સુધી મહિલા પહેલવાનોને ન્યાય નહીં મળશે ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે.
વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેજા હેઠળ પહેલવાનોએ જાન્યુઆરી મહિનામાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોર્ચો ખોલ્યો હતો. કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સામે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તે વખતે રમત-ગમત મંત્રાલયની દરમિયાનગીરી પછી ધરણાં ખતમ કરી દેવામાં આવ્યા હતા. 23 એપ્રિલથી ફરી એક વખત જંતર મંતર પર ધરણાં શરૂ કરવામાં આવ્યા હતા. 7 મહિલા પહેલવાનોએ બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીની દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે મહિલા પહેલવાનોની ફરિયાદને આધારે બ્રિજભૂષણ સામે બે ગુના નોંધ્યા છે.
કુસ્તીબાજોએ 23 એપ્રિલથી 28 મે સુધી જંતર મંતર પર ધરણાં કર્યા હતા. પહેલવાનોએ 28 મેના દિવસે જંતર મંતરથી નવા સંસદ ભવન સુધી રેલી કાઢી હતી. જે દિવસે PM મોદી નવા સંસદ ભવનના ઉદઘાટન માટે પહોંચ્યા હતા એટલે પોલીસે મંજૂરી નહોતી આપી. આમ છતા કુસ્તીબાજોએ રેલી કાઢવાની કોશિશ કરી અને તેમાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. એ પછી 28 મેના દિવસે પોલીસે પહેલવાનોને ધરણા સ્થળેથી હટાવી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp