
જેમ માતા બન્યા પછી સ્ત્રીનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે, તેવી જ રીતે પુરુષોના જીવનમાં પણ ઘણા બદલાવ આવે છે. તમે કદાચ નહિ જાણતા હશો કે, પિતા બનવાની અસર પુરુષોના મન પર પડે છે અને તેના કારણે તેમના મગજમાં કેટલાક ફેરફારો થાય છે. આ આર્ટીકલમાં અમે એ જ વિષય વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, પિતા બન્યા પછી પુરુષોના મગજમાં કેવા કેવા પરિવર્તનો આવે છે.
વિજ્ઞાને પિતાની નર્વસ અને હોર્મોનલ સિસ્ટમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. અત્યાર સુધીના પુરાવા સૂચવે છે કે માતા અને પિતાના મગજ તેમના બાળકોની સંભાળ રાખતી વખતે સમાન ન્યુરલ સર્કિટરીનો ઉપયોગ કરે છે. પિતા પણ માતાઓ જેવા જ હોર્મોનલ ફેરફારોમાંથી પસાર થાય છે, જે તેમના મગજ અને વર્તનમાં ફેરફાર સાથે સંકળાયેલા છે.
પિતા બન્યા બાદ પુરુષોમાં પણ હોર્મોનલ ચેન્જ થાય છે. આમાં, એસ્ટ્રોજન, ઓક્સીટોસિન, પ્રોલેક્ટીન અને ગ્લુકોકોર્ટિકોઇડ્સ નામના હોર્મોન્સ વધે છે. પ્રિન્સટન યુનિવર્સિટીના મનોવિજ્ઞાની એલિઝાબેથ ગોલ્ડ અને તેના સાથીઓએ અનેક અભ્યાસોની સમીક્ષા કર્યા બાદ આ વાત કહી છે. તેઓ કહે છે કે, જે પિતા તેમના બાળક પ્રત્યે વધુ પ્રેમ દર્શાવે છે તેમનામાં ઓક્સીટોસિનનું પ્રમાણ વધુ હોય છે.
પિતા બનવાની અસર પુરુષોના ન્યુરોન લેવલ પર પણ પડે છે. બાળકના જન્મ પછી પિતાના મગજમાં નવા ન્યુરોન્સનો વિકાસ થઈ શકે છે. આ એક નવું પરિવર્તન છે, જે બાળક તેના પિતાના જીવનમાં લાવે છે. હિપ્પોકેમ્પસમાં કોષોની વૃદ્ધિ થાય છે, મગજનો તે ભાગ જે મેમરી અને નેવિગેશન સાથે સંકળાયેલો છે.
પિતા તેમના બાળકના અવાજને લઈને ખૂબ જ સંવેદનશીલ હોય છે. એક સંશોધનમાં 27 પિતા અને 29 માતાઓને લેવામાં આવ્યા હતા. તેઓને તેમના બાળકના રડવાનો અવાજ ઓળખવા માટે કહેવામાં આવ્યું. 90% સમયમાં માતા-પિતાએ તેમના બાળકના રડવાના અવાજને ઓળખી લીધો હતો, અને માતાઓની જેમ પિતા પણ આ કામમાં આગળ રહ્યા હતા.
એક અભ્યાસમાં, સંશોધકોએ 89 નવા માતાપિતાના મગજની પ્રવૃત્તિ પર ધ્યાન આપ્યું. આમાં એવા યુગલોનો સમાવેશ થાય છે, જ્યાં પિતાએ બાળકની સંભાળ રાખવામાં મદદ કરી હતી. મગજના આ તમામ નેટવર્ક્સ ભાવનાત્મક પ્રક્રિયા અને સામાજિક સમજણ સાથે સંબંધિત હોવાનું જણાયું હતું. આ અભ્યાસ પ્રોસીડિંગ્સ ઓફ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયો છે. હવે તમે સમજી ગયા હશો કે, બાળકના આગમન પછી માત્ર માતા જ નહીં પરંતુ પિતાના મન, વર્તન અને જીવન પર પણ ઘણી અસર થાય છે અને તેઓ તેમના બાળકની સંભાળમાં માતા જેટલા જ સામેલ થતાં હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp