લોન મંજૂર ન થઈ તો બેંક સામે પોતાને લગાવી આગ, બચાવવા ગયેલો યુવક પણ દાઝ્યો

ગોંડામાં બેંક બહાર એક 25 વર્ષીય યુવકે પોતાના પર પેટ્રોલ છાંટીને આગ લગાવીને આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો. પીડિત પરિવારે આરોપ લગાવ્યો કે, વ્યક્તિને લોન ન મળવાના કારણે તેણે આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો. 25 વર્ષીય દિવ્યરાજ પાંડે 70 ટકા દાઝી ગયો અને તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. તેને સારવાર માટે લખનૌ લઈ જવામાં આવ્યો છે. પાંડેનો મિત્ર પણ એ દરમિયાન દાઝી ગયો અને તેને હૉસ્પિટલમાં દાખલ કરાવામાં આવ્યો છે. જિલ્લા અધિકારી નેહા શર્માએ આખી ઘટના પર મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.
પ્રભારી નિરીક્ષક સંજય કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, ઈટિયાથોક પોલીસ સ્ટેશનના સરહરા પાંડે પુરવાના રહેવાસી દિવ્યરાજ પાંડેએ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય સ્ટેટ બેંક (SBI)ની મુખ્ય શાખા સામે પોતાની બાઇકમાંથી પેટ્રોલ કાઢીને પોતાના પર નાખી લીધું અને પછી પોતાને આગ ચાંપી દીધી. તેને બચાવવાના પ્રયાસમાં તેનો મિત્ર પ્રદીપ પણ દાઝી ગયો. સિટી પોલીસ કોતવાલી પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર સંજય કુમારે કહ્યું કે, દિવ્યરાજ પાંડે અને તેનો મિત્ર દાઝી ગયા અને તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
પાંડેના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે તેણે RO વૉટર પ્લાન્ટ શરૂ કરવા માટે લોન માટે અરજી કરી હતી, પરંતુ બેંક અધિકારી તેની લોન મંજૂર કરી રહ્યા નહોતા જેના કારણે તેણે આ કઠોર પગલું ઉઠાવ્યું. SBIના ક્ષેત્રીય મેનેજર જ્ઞાન પ્રકાશે દિવ્યરાજ પાંડે દ્વારા લગાવેલા આરોપોનું ખંડન કર્યું છે. જ્ઞાન પ્રકાશે જાહેર કરેલ નિવેદનમાં કહ્યું કે, ભારતીય સ્ટેટ બેંકની મુખ્ય શાખા સામે કોઈ અજાણ્યા વ્યક્તિએ ગેર કાયદાકીય કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો. તેના લોન સાથે જોડાયેલો કોઈ પણ મામલો બેંક પાસે નહોતો. અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લા મેજિસ્ટ્રેટ નેહા શર્માએ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે અને સિટી મેજિસ્ટ્રેટ ચંદ્રશેખરની ઇન્વેસ્ટિગેશન અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
એક રિપોર્ટ મુજબ, આત્મદાહ કરવા અગાઉ દિવ્યરાજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ ચિઠ્ઠી લખી હતી, જે હવે વાયરલ થઈ રહી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, એક વોટર બોટલ પ્લાન્ટ લગાવવા માગું છું, જેનો ખર્ચ લગભગ 5 કરોડ આવશે. એટલે હું બેંકમાં બિઝનેસ લોન લેવા માગું છું, પરંતુ મારા દરેક પ્રયાસ બાદ પણ લોન મળી રહી નથી. એટલે આજે હું દિવ્યરાજ પાંડે SBI બેંક સામે આત્મદાહ કરવા જઈ રહ્યો છું. હું ઈચ્છું છું કે જ્યારે હું મરી જાઉ, તો અમારા શહેરના બચેલા અંગોને કાઢીને વેચી દેવામાં આવે, ત્યારબાદ અમારા પરિવારજનોને 5 કરોડ રૂપિયાની બિઝનેસ લોન આપવામાં આવે. પોતાની મહાન કૃપા હશે માનનીય મુખ્યમંત્રી યોગી જી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp