6ઠ્ઠીએ અમિત શાહ, 14મીએ ભાગવત, 17 એપ્રિલે PM મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે

PC: india.com

ગુજરાતમાં આગામી 11 દિવસમાં 3 મોટા નેતાઓની પધરામણી થવાની છે. ગુજરાતમાં અત્યારે ચૂંટણી તો છે નહી તો આ મોટા નેતાઓ રાજયમાં કેમ આવી રહ્યા છે. તો તેનું કારણ એવું છે કે, રાજકીય,સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 6 એપ્રિલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, 14 એપ્રિલે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના વડા મોહન ભાગવત અને 17 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

RSSના વડા મોહન ભાગવત બે દિવસ માટે અમદાવાદ આવી રહ્યા છે. 14 અને 15 એપ્રિલે ભાગવત સંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યકર્મનું 17 એપ્રિલે સોમનાથથી ઉદઘાટન કરવા આવી રહ્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુ સ્થળાંતરિત થયેલા ગુજરાતી પરિવારો અને તમિલનાડુના લોકોને જોડવા માટે આ કાર્યક્રમ યોજાયો છે.

હજુ 3 દિવસ પહેલાં જ અમિત શાહ અને મોહન ભાગવત હિંદ આચાર્ય ધર્મસભાં હાજરી આપવા ભેગા થયા હતા અને  બંને વચ્ચે બંધ બારણે બેઠક પણ થઇ હતી. એ પછી અમિત શાહ દિલ્હી રવાના થયા હતા. હવે શાહ ફરી 6ઠ્ઠીએ સાળંગપુર હનુમાન મંદિરમાં 54 ફુટ ઉંચી  હનુમાનની કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાનું અનાવરણ કરશે. સાથે જ એકસાથે 5,000 લોકો બેસીને પ્રસાદી લઇ શકે તેવા પ્રસાદી હોલનું પણ અમિત શાહ લોકાપર્ણ કરશે. ઉપરાંત ગૃહ મંત્રી અમદાવાદમાં ભાજપના નેતાઓ સાથે પણ બેઠક કરશે.

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના વડા મોહન ભાગવત 14 તારીખે બાબા આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સંઘ દ્રારા આયોજિત સમાજ શક્તિ સંગમ કાર્યક્રમમાં હાજર રહેશે. આ કાર્યક્રમ અમદાવાદમાં જીએમડીસી પાસે યુનિવર્સિટી મેદાનમાં આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં 15000થી વધારે લોકોને ભાગવત સંબોધન કરશે. 15 તારીખે મોહન ભાગવત એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 એપ્રિલે જે કાર્યક્રમ માટે હાજર રહેવાના છે તે રાજકીય રીતે મહત્ત્વ ધરાવે છે. સદીઓ પહેલા ગજની અને ખીલજીએ સોરઠ પર કરેલા આક્રમણને કારણે સૌરાષ્ટ્રમાંથી લોકોએ તમિલનાડુના મદુરાઇની આજુબાજુના વિસ્તારોમાં સ્થળાંતર કરેલું. આ લોકો એ પછી સૌરાષ્ટ્રીયન તમિલ તરીકે ઓળખાયા. આના માટે સૌરાષ્ટ્ર- તમિલ સંગમનો કાર્યક્રમ તમિલનાડુ અને  ગુજરાતમાં થવાના છે. બંને રાજ્યોની સંસ્કૃતિઓને દર્શાવવામાં આવશે.તમિલનાડુના અને ગુજરાતના મુખ્ય શહેરોમાં વિવિધ કાર્યક્રમો આયોજિત થશે. જેની શરૂઆત સોમનાથથી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર્ મોદી સોમનાથ આવવાના છે.

તો સૌથી પહેલા ગુજરાત આવી રહ્યા છે અમિત શાહ. આવતી કાલે 6 એપ્રિલ, ગુરુવારે હનુમાન જયંતિ છે અને સાથે ભાજપનો સ્થાપના દિવસ છે એટલે શાહની પધરામણી થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp