16000 કરતા વધુ હાર્ટસર્જરી કરનારા જામનગરના 41 વર્ષીય હાર્ટ સર્જનનું એટેકથી મોત

કહેવાય છે કે, જીવનનો કોઈ ભરોસો નથી, મોત ક્યારેય પણ આવી શકે છે અને છેલ્લાં કેટલાક સમયમાં એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે, જેમા ક્યારેક ક્રિકેટ રમતા, ક્યારેક લગ્નમાં ડાન્સ કરતા, ક્યારેક જીમમાં કસરત કરતા તો ક્યારેક ઓફિસમાં બેઠા-બેઠા લોકોના મોત થઈ ગયા છે. આ રીતે મરનારા આ લોકો દરેક ઉંમરના છે. હાલમાં જ એવો એક કિસ્સો પણ સામે આવ્યો છે, જેમા હૃદય રોગના એક્સપર્ટ ડૉક્ટરનું હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયુ છે.
આ દુઃખભરી ઘટનામાં જામનગર એસટી સ્ટેન્ડની સામે શારદા હોસ્પિટલમાં સેવા આપી રહેલા ડૉ. ગૌરવ ગાંધી ગત રાત સુધી પોતાના રુટીન અનુસાર, દર્દીઓની ટ્રીટમેન્ટમાં વ્યસ્ત હતા. ત્યારબાદ તેઓ રાત્રે પેલેસ રોડ સ્થિત સામ્રાજ્ય અપાર્ટમેન્ટના થર્ડ ફ્લોર પર પોતાના ઘરે પહોંચ્યા અને દરરોજની જેમ ભોજન કરીને સૂઈ ગયા હતા. સવારે 6 વાગ્યે બેભાન અવસ્થામાં મળ્યા ત્યારબાદ તેમને 108માં જીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં હૃદય રોગના એક્સપર્ટ ડૉક્ટર્સે બે કલાક સુધી તેમની સારવાર કરી પરંતુ, ઘરે જ બેભાન અવસ્થામાં મળેલા ડૉ. ગૌરવ ગાંધીને બચાવી ના શકાયા અને તેમને આખરે મૃત જાહેર કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે, 1982માં જન્મેલા 41 વર્ષીય ડૉક્ટર ગૌરવ ગાંધી પોતાના કામમાં ખૂબ જ માહેર હતા અને પોતાના કરિયર દરમિયાન તેમણે 16 હજાર કરતા વધુ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સર્જરી કરી છે. તેઓ પોતાની પાછળ પિતા દિનેશચંદ્ર ગાંધી, માતા કુસુમબેન, પત્ની ડૉ. દેવાંશી ગાંધી (ડેન્ટિસ્ટ) અને દીકરી ધનવી અને દીકરા પ્રખરને રડતા મુકીને ગયા. આમ તો કાર્ડિયાક અરેસ્ટને પગલે જ તેમનું મોત થયુ છે, છતા સ્પષ્ટ કારણ જાણવા માટે જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ, જેથી કાર્ડિયાક અરેસ્ટના સંબંધમાં વધુ સ્પષ્ટ જાણકારી મળી શકે.
એક ડૉક્ટરના જણાવ્યા અનુસાર, કોરોના બાદ ગત વર્ષથી હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો થયો છે. 35થી 45 વર્ષના લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. નેશનલ IMA પણ આ મામલાને લઇને ચિંતામાં છે. કારણ કે, હાલમાં જ 14 વર્ષના એક બાળકનું ક્રિકેટ રમતી વખતે મોત થઈ ગયુ હતું. એવી જ રીતે થોડાં સમય પહેલા 3 માર્ચે પણ સવારે પોતાની કોલોનીમાં મોર્નિંગ વોક કરી રહેલા 57 વર્ષીય સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડૉ. સંજીવ ચગ પણ પડી ગયા હતા, તેમને તરત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં પમ્પિંગ સહિતની ટ્રીટમેન્ટ બાદ પણ તેમનો જીવ બચી શક્યો ન હતો અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp