શક્તિસિંહના અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસને પહેલો મોટો ઝટકો, આ નેતાએ છોડી પાર્ટી

PC: twitter.com/BJP4Gujarat

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. સોમવારે ગોવાભાઈ રબારીની સાથે તેમના દીકરા સંજય રબારીએ ડીસા માર્કેટ યાર્ડ ખાતે જાહેરસભા યોજ્યા બાદ પોતાના સમર્થકો સાથે બીજેપીનો ભગવો ધારણ કરી લીધો છે. BJPના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા તેમને કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં આવકારવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસની બગડતી સ્થિતિ, નેતૃત્વની ઉણપ અને પાર્ટી સભ્યો વચ્ચે આંતરિક ખેંચતાણના કારણે ગોવાભાઈએ પાર્ટીથી અંતર બનાવી લીધુ હતું. BJPના બે પ્રભાવશાળી નેતાઓ-ધારાસભ્યો શંકર ચૌધરી અને બલવંત સિંહ રાજપૂતે ગોવાભાઈ રબારીના BJPમાં આવવાનો રસ્તો બનાવ્યો.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના BJP માં સામેલ થતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગોવાભાઈ અને તેમના દીકરા સંજય સાથે 200થી વધુ કોંગ્રેસ કાર્યકરો પણ BJPમાં જોડાયા છે. ડીસાના કુચાવાડા ગામમાં રહેતા ગોવાભાઈ રબારી છેલ્લાં 35 વર્ષોથી સક્રિય રાજકારણમાં છે. સાત ચૂંટણીઓ દરમિયાન તેમણે ડીસા, દિયોદર અને ધાનેરાથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી. ગોવાભાઈ દેસાઈએ કુચાવાડા ગામના સરપંચ તરીકે રાજકારણની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ જિલ્લા પંચાયત પ્રમુખ પણ રહી ચુક્યા છે. ગત ચૂંટણીમાં તેમના દીકરા સંજય રબારીએ પણ કોંગ્રેસ ઉમેદવાર તરીકે ડીસા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી હતી. જોકે, તેમની ભાજપના ઉમેદવાર સામે હાર થઈ હતી.

ખાસ વાત એ છે કે, ગુજરાતમાં કોંગ્રેસ ખૂબ જ નબળી થઈ ગઈ છે. ત્યાં સુધી કે પાર્ટીને વિધાનસભામાં વિપક્ષનો દરજ્જો પણ નથી મળ્યો. જોકે, કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને પદ ગ્રહણ કર્યાના પહેલા જ દિવસે તેમની સામે મોટો પડકાર આવ્યો છે. શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસનું પ્રમુખ પદ ગ્રહણ કરતા પહેલા પદયાત્રા યોજી હતી અને ત્યારબાદ પ્રેસ કોન્ફ્રેન્સ યોજી હતી. જેમા તેમણે કહ્યું હતું કે, જે લોકો જુદા-જુદા કારણોસર કોંગ્રેસ છોડીને ગયા છે, તેમને હું ખુલ્લા મને આવકારું છું. આપણો જ પક્ષ છે, એક વિચારધારાથી આગળ વધીશું. સમાજના જે લોકો કોંગ્રેસમાં આવવા ઇચ્છતા હોય એવા સૌને આવકારવા તૈયાર છું. પરંતુ, એ તો આવનારો સમય જ જણાવશે કે, ગુજરાતમાં કોંગ્રેસની રાજકીય ઓળખ ક્યાં સુધી પુનર્જીવિત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp