મહેસાણાઃ પતંગના પેચ લડાવવા અંગે મગજમારી થતા 5 લોકોએ નાગજીભાઈને મોતને ઘાટ ઉતાર્યા

PC: khabarchhe.com

તહેવારોની ઉજવણી દરમિયાન કેટલીક વખત લોકો આવેશમાં આવી જતા ખૂની ખેલ ખેલાતો હોય છે. મહેસાણામાં પણ પતંગ ચગાવવાની બાબતે થયેલા ઝઘડામાં એકનું મોત થઇ ગયું છે. હુમલાનો ભોગ બનેલા વૃદ્ધનું ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયું હતું. મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનામાં મૃતકના પરિવારના સભ્યો બચાવમાં વચ્ચે પડતા તેમને પણ ઇજાઓ થઇ છે. પોલીસે 5 લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણામાં 15 જાન્યુઆરીએ વૃદ્ધની જાહેરમાં હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે. પતંગના પેચ લડાવવા બાબતે સોસાયટીના જ બે જૂથ વચ્ચે થયેલી સામાન્ય બોલા-બોલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એમાં માથાભારે પાંચ વ્યક્તિઓએ વૃદ્ધને ઘેરીને લાકડી અને લોખંડની પાઇપો વડે માર મારતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના મામલે પાંચ લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારામારીની ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.

આ આખી ઘટના ગઇકાલે સાંજે બની હતી. શહેરની માનવ આશ્રમ ચોકડી પાસે આવેલી ઉમાનગર સોસાયટીમાં રહેતા નાગજીભાઇ વણજારા પોતાના પરિવાર સાથે ધાબે પતંગ ચગાવી રહ્યા હતા. એ દરમિયાન એ જ સોસાયટીમાં રહેતા સામે પક્ષના પાંચ વ્યક્તિ સાથે પતંગના પેચ લડાવવા બાબલે બોલાબોલી થઇ હતી. સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા બંને જૂથ સામસામે આવી ગયા હતા. જેમાં નાગજીભાઇ વણજારાને પાંચ વ્યક્તિઓએ ઘેરીને લાકડીઓ અને લોખંડની પાઇપો વડે માથાના ભાગે મારતા તેને લોહીથી લથબથ હાલતમાં સારવાર માટે સિવિલ હૉસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા.

સિવિલમાં ડૉક્ટરોએ વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવાની વાત કરી હતી. જો કે, અમદાવાદ ખસેડવામાં આવે એ પહેલાં જ વૃદ્ધનું મોત થયું હતું. સમગ્ર મારામારીની ઘટનામાં સામે પક્ષે પણ કેટલાક વ્યક્તિઓને ઇજાઓ થઇ હોવાનું સામે આવ્યું છે. હત્યા કરનાર વનરાવન બાબુજી ઠાકોર, હરેશ કેશવ લાલ રાવળ, ચિરાગ હરેશભાઇ રાવળ, બોબી હરેશભાઇ રાવળ અને સુનીલ રમેશચંદ્ર વ્યાસ વિરુદ્ધ કલમ 143, 147, 148, 149, 302, 323, 504, 506(2), 114 તેમજ GP એક્ટ 135(C) મુજબ મહેસાણા એ ડિવિઝનમાં માગીલાલ નાગજીભાઇ વણજારાએ ફરિયાદ નોંધાવી છે.

તો મહેસાણામાં ઉત્તરાયણના દિવસે પણ નજીવી બાબતે હુમલાની ઘટના સામે આવી હતી. નાનીદાઉ મોહનપુરા ગામે એક યુવકે મસાલો આપવાની ના પાડતા 4 વ્યક્તિઓએ તેના ઉપર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બનતા મહિલાઓ દોડી આવી હતી. એમાં 4 વ્યક્તિઓએ 2 યુવક અને 1 મહિલા પર છરા વડે હુમલો કરતા એક યુવકને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp