ખેડબ્રહ્મા: ધો-10નો ટોપર બની ગયો, પરંતુ પરિણામ જોવા માટે માતા-પુત્ર જીવીત નથી
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું ત્યારે અનેક પરિવારોમાં ખુશી હતી અને મિઠાઇઓ વ્હેંચાઇ રહી હતી, પરંતુ ખેડબ્રહ્મામાં એક પરિવારનો છોકરો ટોપર બન્યો હોવા છતા પરિવારમાં શોકની લાગણી હતી, કારણકે આ પરિણામ જોવા માટે પુત્ર અને માતા જીવતા રહ્યા નહોતા.
ગુજરાત બોર્ડનું ગુરુવારે ધો. 10નું પરિણામ જાહેર થયું તેમાં બનાસકાંઠાના ખેડબ્રહ્માનો એક વિદ્યાર્થી ટોપર બન્યો હતો, પરંતુ નસીબની બલિહારી જુઓ, જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે આ ખુશીના સમાચાર જોવા માટે માતા અને પુત્ર જીવીત નહોતા. બે દિવસ પહેલા એક હિટ એન્ડ રન અકસ્માતમાં માતા અને પુત્રનું મોત થયું હતુ જ્યારે પિતાની અમદાવાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગામના લોકોમાં શોકની સાથે ગુસ્સો પણ છે.
જાણવા મળેલી માહિતી મુજબ ખેડબ્રહ્મામાં રહેતો શિવમ પ્રજાપતિએ ધો.10ની પરીક્ષા આપી હતી અને જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે શિવમ 89.33 ટકા સાથે પ્રથમ નંબરે આવ્યો હતો તેના 98.90 ટકા પર્સન્ટાઇલ હતા. પરંતુ જ્યારે પરિણામ જાહેર થયું તે પહેલા શિવમ અને તેની માતા આ સફળતાને જોવા માટે જીવતા રહ્યા ન હતા.
શિવમના પિતા પારસભાઇ પ્રજાપતિ તેમની પત્ની અને શિવમને બાઇક પર બેસાડીને રવિવારે રાત્રે પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે ઇડર તરફથી પુરઝડપે આવી રહેલી એક કારના ચાલકે પારસ પ્રજાપતિની બાઇકને ટક્કર મારી દીધી હતી. જોરદાર ટક્કર લાગવાને કારણે શિવમ અને તેની માતા દર્શના બહેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને પારસભાઇને પહેલા સ્થાનિક હોસ્પિટલ અને તે પછી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમની હાલત પણ ગંભીર હોવાનું કહેવામાં આવી રહી છે. હીટ એન્ડ રનની આ ઘટનાને કારણે એક આશાસ્પદ વિદ્યાર્થીની કારકીર્દી રોળાઇ ગઇ છે. કાર ચાલક ઘટના સ્થેળીથી ભાગી છુટ્યો હતો.
શિવમના કાકા કમલેશભાઇએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, શિવમ ભણવામાં હોંશિયાર હતો અને જ્યારે ધો. 10નું પરિણામ જાહેર થયું ત્યારે તે ખેડબ્રહ્માનો ટોપર બન્યો હતો, પરંતુ કમનસીબે આ પરિણામ જોવા માટે તે અને તેની માતા આ દુનિયામાં નથી રહ્યા હતા. હીટ એન્ડ રનની ઘટનાને કારણે આખા ગામમાં આક્રોશ છે કારણ કે એક અણઘડ વ્યકિતને કારણે આખા પરિવારનો માળો વિખેરાઇ ગયો છે. પોલીસે હીટ એન્ડ રનનનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp