પાટણમાં યોજાયો અનોખો ડાયરો, જ્યાં પૈસાની સાથે થયો રોટલા-રોટલીનો વરસાદ

PC: gujaratijagran.com

તમે ડાયરામાં નોટોનો અને ડૉલર્સનો વરસાદ થતો તો જોયો હશે પરંતુ, શું તમે ક્યારેય ડાયરામાં રોટલા-રોટલીનો વરસાદ થતો જોયો છે? નવાઇ પામવાની જરૂર નથી. ગુજરાતના પાટણમાં આવેલા રોટલિયા હનુમાન દાદાના ભવ્ય મંદિરના પાટોત્સવ નિમિત્તે આયોજિત કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં રોટલા-રોટલીનો વરસાદ થયો હતો. આ અનોખા ડાયરામાં નોટોના વરસાદની સાથે રોટલા-રોટલીનો પણ વરસાદ થયો હતો અને કાર્યક્રમમાં 50 હજાર કરતા પણ વધુ રોટલા-રોટલી ભેગા થયા હતા, જે અબોલ પશુઓ અને ગાયોને ખવડાવવામાં આવશે.

આપણે દેશ-દુનિયાના ઘણા મંદિરોમાં સોનુ-ચાંદી, આભૂષણો અને પૈસા ચડતા જોયા છે. તેમજ, ભગવાનને પ્રસાદ તરીકે લાડુ, પેંડા, શ્રીફળ, જાતજાતની મિઠાઈઓ ધરાવાતી જોઈ છે. પરંતુ, પાટણ શહેરના હાંસાપુર મલ્હાર લિંક રોડ પર આવેલું હનુમાનજીનું એકમાત્ર એવુ મંદિર છે જ્યાં ભગવાનને પ્રસાદ તરીકે માત્ર રોટલા અને રોટલી જ ધરાવવામાં આવે છે. આ રોટલિયા હનુમાન દાદાના મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્યરીતે લોકડાયરાના કાર્યક્રમમાં ટિકિટ કે પાસ રાખવામાં આવે છે, પરંતુ આ અનોખા ડાયરામાં એન્ટ્રી માટે ઘરેથી રોટલા કે રોટલી લઇને આવવાનું કહેવાયુ હતું. જે ભક્તો ઘરેથી રોટલા કે રોટલી લઇને નહોતા આવ્યા તેમને માટે ત્યાં તેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેઓ મંદિરમાંથી પૈસા આપીને રોટલી લઈ શકતા હતા.

આ ડાયરામાં નોટોની સાથે ભક્તોએ રોટલા-રોટલીનો પણ જાણે વરસાદ કરી દીધો હતો. ડાયરામાં ભક્તોએ 10 લાખ રૂપિયા કરતા વધુની રકમ દાન કરી હતી જ્યારે 50 હજાર કરતા વધુ રોટલા-રોટલી ભેગા કર્યા હતા. આ રોટલા-રોટલી મુંગા પશુઓ, ગાયો અને શ્વાનોને ખવડાવવામાં આવશે.

આ અનોખા લોકડાયરા અંગે ત્યાં હાજર કીર્તિદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આપણી પરંપરા મુજબ જીવદયા માટે હરહંમેશ લોકો આગળ આવે છે અને દાનની સરવાણી કરે છે. ત્યારે પાટણ ખાતે આવેલા રોટલિયા હનુમાન મંદિરમાં ફૂલ કે આભૂષણને બદલે રોટલા કે રોટલી ચઢાવવામાં આવે છે. તે પ્રસાદીનો જીવદયા માટે ઉપયોગ કરવામાં આવે છે. મેં અનેક ડાયરાઓ કર્યા, જેમા રૂપિયાનો વરસાદ થાય છે. પણ, આ લોકડાયરામાં રૂપિયાના વરસાદની સાથે રોટલા અને રોટલીના લોકોએ ઢગેઢગ ખડકી દીધા. જે જીવદયાનું કામ કર્યું છે, તો હું અપીલ કરું છું કે જ્યારે પણ રોટલિયા હનુમાન મંદિર જાવ તો રોટલા કે રોટલી લઇને જજો.

પાટણ ખાતે આવેલા રોટલિયા હનુમાન દાદાની મૂર્તિ સ્પેશિયલ અંબાજીના કલાકારો પાસે તૈયાર કરાવવામાં આવી છે. 8.5 ફૂટ ઊંચી આ પ્રતિમા માર્ગ પરથી જ દર્શનાથીઓ જોઈ શકે તેની અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવતા રોટલા-રોટલી દ્વારા અબોલ પશુઓનો પેટનો ખાડો પૂરવામાં આવે છે. લોકો અહીં આવી ભગવાન પાસે શ્રદ્ધા અને શક્તિ અનુસાર રોટલા કે રોટલી ચઢાવવાની બાધા લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp