- Offbeat
- વર્તમાન સમયમાં મોબાઈલ વગર ન રહી શકવાની નોમોફોબિયા નામની માનસિક બીમારી વધી
વર્તમાન સમયમાં મોબાઈલ વગર ન રહી શકવાની નોમોફોબિયા નામની માનસિક બીમારી વધી
વર્તમાન સમયમાં ઘણા લોકોને મોબાઈલની ખૂબ જ વધારે ટેવ પડી છે. ફોનના કારણે વ્યક્તિને તેના કામ કરવામાં ખુબ જ સરળતા રહે છે. હવે મોબાઈલ વ્યક્તિનું અભિન્ન અંગ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. તે મોબાઈલ વગર રહી શકતો નથી અને વ્યક્તિ પાસે મોબાઈલ ન હોય તો તેને ડર લાગવા લાગે છે. મનોવિજ્ઞાનની ભાષામાં તેને નોમોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થી અમી પુરોહિત અને ડૉક્ટર ધારા દોશીના મતે વર્તમાન સમયમાં મોટાભાગની વ્યક્તિ ઓછાવત્તા અંશે નોમોફોબિયાનો શિકાર બની ગયા છે અને તેમાં પણ સૌથી વધારે કિશોરો અને યુવાનોનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 74 ટકા કિશોરો અને યુવાનો એ જણાવ્યું હતું કે, અમને મોબાઈલ વગર બેચેની અનુભવાય છે. આ ઉપરાંત 27% વૃદ્ધ વ્યક્તિઓ એ જણાવ્યું હતું કે, અમે પણ મોબાઈલ વગર બેચેની અનુભવીએ છીએ. 18% 55 વર્ષની ઉંમર કરતાં વધુ લોકોએ જણાવ્યું હતું કે અમે પણ મોબાઈલ વગર બેચેની અનુભવી રહ્યા છીએ.
આ સર્વે દરમિયાન 89 ટકા યુવાનોએ એવું પણ કહ્યું હતું કે, અમે સવારે જાગીને પહેલું કામ મોબાઈલના માધ્યમથી સોશિયલ મીડિયા ચેક કરવાનું કરીએ છીએ. 36% વૃદ્ધ વ્યક્તિઓએ એવું જણાવ્યું હતું કે, નીંદર ઉડે એટલે તરત જ મોબાઈલ હાથમાં લેવો પડે છે અને 13 ટકા 55 વર્ષથી વધુ ઉંમરના લોકોએ જણાવ્યું હતું કે, સવારે જાગીએ છીએ એટલે તરત જ મોબાઇલને હાથમાં લેવો પડે છે.

વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે વિશ્વ ખૂબ જ આગળ વધ્યું છે. ટેકનોલોજીમાં સમયાંતરે બદલાવ પણ આવતો જાય છે. પહેલા વ્યક્તિ પાસે સ્માર્ટફોન ન હતા તેમની પાસે કિપેડવાળા સાદા ફોન હતા અને જ્યાં સુધી વ્યક્તિ પાસે આ સાદા ફોન હતા ત્યાં સુધી તેઓને મોબાઇલનો ઉપયોગ વધારે નહતોપરંતુ જ્યારથી સ્માર્ટફોન લોંચ થયા છે ત્યારથી લોકોમાં મોબાઈલ નો ક્રેઝ વધ્યો છે. મોટાભાગે યુવાનોના હાથમાં સ્માર્ટફોન જોવા મળે છે. કેટલાક લોકો તો સ્માર્ટફોનની મદદથી દિવસ અને રાત ગેમ રમે છે. મોબાઈલના જેટલા ફાયદા છે તેની સામે તેટલા જ તેના નુકશાન પણ છે.
મોબાઈલની મદદથી વ્યક્તિ ગણતરીના સમયમાં જ કોઈ પણ જગ્યાએ જવા માટેની ટિકિટ બુક કરી શકે છે. તો કોઈ પણ હોટેલમાંથી જમવાનું ઓર્ડર કરી શકે છે. આ ઉપરાંત ઘરે બેઠા-બેઠા જ બેંકના લાખો રૂપિયાનો ટ્રાન્ઝેક્શન તેના મોબાઈલની એક ક્લિક પરથી કરી શકે છે. આ ઉપરાંત વ્યક્તિ મોબાઈલની મદદથી વીડિયો કોલ કરીને ડૉક્ટરની પાસેથી સારવાર પણ લઈ શકે છે. જોકે મનોવૈજ્ઞાનિકોના મત અનુસાર સ્માર્ટફોનનું વ્યસન કોઇ કેફી પદાર્થ કે પીણા કરતા વધારે નુકસાન કારક છે.

જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુનો વધારે ઉપયોગ કરે ત્યારે તેને તે વ્યક્તિને તેનું વ્યશન થઇ જાય છે. પછી તે વ્યક્તિ માનસિક બીમારીનો ભોગ બને છે. મોબાઈલના કારણે માનસિક બીમારીનો જે વ્યક્તિનો ભોગ બને છે તેને નોમોફોબ પર્સન તરીકે ઓળખવામાં આવે છે કારણ કે, આ વ્યક્તિને પોતાની પાસે મોબાઈલ ન હોય તો તેને ડર લાગવા લાગે છે. વર્તમાન સમયમાં ઘણા નાના બાળકો પણ મોબાઈલ વગર રહી શકતા નથી. બાળક ઘરે હોય અને તોફાન કરે એટલે માતા-પિતા બાળકને અન્ય પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવાના બદલે તેના હાથમાં મોબાઈલ પકડાવી દે છે અને બસ ત્યારથી જ બાળકને મોબાઈલ વગર ચાલતું નથી અને ત્યાંથી જ નોમોફોબિયાની શરૂઆત થાય છે. વધારે પડતા મોબાઈલનો ઉપયોગ કરવાથી વ્યક્તિની આંખ સુકાવા લાગે છે, ખેંચાણ અનુભવાય છે, આંખ ઝીણી થવા લાગે છે અને વ્યક્તિને જો કોઈ વસ્તુ જોવી હોય તો તેને આંખ ઝીણી કરવી પડે છે.
તો ઘણા બાળકો મોબાઇલમાં ઓનલાઇન ગેમ પણ રમતા હોય છે અને કલાકો સુધી બાળકોના હાથમાં મોબાઈલ રહે છે અને આ જ પ્રવૃત્તિની અસર બાળકોના સ્વાસ્થ્ય પર પણ પડે છે. વધારે મોબાઇલ ઉપયોગ કરવાથી બાળકનું કામમાં મન લાગતું નથી, માથાનો દુખાવો થાય છે, બાળકને સતત ડર લાગે છે, અનિદ્રા, થાક, આળસ, સ્વભાવ ચીડિયો થઈ જાય છે, માનસિક તણાવ અને એકાગ્રતાનો અભાવ પણ ક્યારેક જોવા મળે છે. આ ઉપરાંત પરિવારના સભ્યો પાસે બાળક બેઠું હોય તો પણ બાળક તેમની સાથે વાતચીત કરવાના બદલે મોબાઇલમાં જ વ્યસ્ત રહે છે.

નોમોફોબિયા કોઈ પણ વ્યક્તિને હોય તો તેના કેટલાક લક્ષણો દેખાય છે. તે વ્યક્તિ વારંવાર ફોન ચેક કરે છે. ફોનની બેટરી થોડી પણ ઉતરી જાય તો આ વ્યક્તિ તણાવમાં આવી જાય છે. ફોન તેની પાસે ન હોય તો તે સતત ચિંતામાં હોય છે અને તેનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. ફોનમાં જો કોઈની રીંગ વાગે એવો ભ્રમ વ્યક્તિને થાય છે અને ત્યારબાદ તે ફોન ચેક કરે છે. આ ઉપરાંત વ્યક્તિ રાત્રે સૂતા પછી પણ ફોન બાજુમાં પડ્યો છે કે નહીં તે જોવા માટે તપાસ કરે છે. ફોન જો ભૂલથી પણ કોઈ અન્ય વ્યક્તિ અડે તો તે વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે.
નોમોફોબિયાથી બચવા માટે વધારે સમય ફોનથી દૂર રહેવું જોઈએ. પરિવાર કે પછી અન્ય કોઈ વડીલ સાથે વાતચીતમાં સમય પસાર કરવો જોઈએ. મનના વિચારો પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. નાના બાળકો સાથે સમય પસાર કરો કે પછી ચાલવા જવું જોઈએ. આ ઉપરાંત વધારે વાંચન પણ કરવું જોઈએ.

