પતિ માટે 47 વર્ષ સુધી પત્નીએ કર્યું આ કામ, આજે વખાણ કરી રહી છે દુનિયા

PC: scmp.com

લગ્નના એક વર્ષ પછી જ પતિને લકવો થઈ ગયો. આ નાજુક પરિસ્થિતિ પછી પણ પત્નીએ હિંમત નહીં હારી અને તે પાંચ દાયકાથી તેનું ધ્યાન રાખી રહી છે. મહિલાના જુસ્સાને જોઈને ચીની મીડિયામાં લોકો તેની ખૂબ ચર્ચા અને વખાણ કરી રહ્યા છે. મહિલાને તેના વ્યવહારના કારણે ઘણા એવોર્ડથી નવાજવામાં આવી ચૂકી છે. મહિલાના પતિને ઇજાગ્રસ્ત થયા બાદ લકવો થયો હતો. તે 47 વર્ષથી બેડ પર છે. ચેન ક્યુહુઆ 69 વર્ષની છે, તે છેલ્લા 47 વર્ષથી તેના પતિ રેન જનસનનું ધ્યાન રાખી રહી છે. ચેન ચીનના શાંક્સીલ પ્રાંતના જિયાંગયુઆન કાઉન્ટીની રહેવાસી છે. લકવાને કારણે રેનનું શરીરના નીચેના ભાગ પર કોઈ નિયંત્રણ નથી. તે પોતે ટોયલેટ બાથરૂમ પણ નથી કરી શકતા. ચેન ઘરના ગુજરાન માટે સીવણકામ કરે છે. તે લકવાગ્રસ્ત પતિનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. ચેન દરરોજ પોતાના પતિના શરીરની સફાઇ કરે છે. દર બે કલાકે તેનું મસાજ કરે છે જેથી પતિને પથારીના નિશાન નહીં લાગે.

રેનની કમર પર 1976માં ખાણમાં કામ કરતી વખતે એક પથ્થર આવીને પડ્યો હતો, જેના પછી તે કાયમ માટે લકવાગ્રસ્ત થઈ ગયો. જ્યારે આ ઘટના બની ત્યારે રેન અને ચેનના લગ્નને માત્ર એક વર્ષ જ થયું હતું. ચેન તે સમયે પ્રેગ્નેટ હતી અને એક દીકરાને જન્મ આપવાની હતી. ચેને પોતાના અનુભવ વિશે કહ્યું, પતિ પત્નીએ મુશ્કેલ સમયમાં એકબીજાની મદદ કરવાની હોય છે. મારા ગમે તેટલા પૈસા પૂરા થઈ જાય, હું મારા પતિની દરેક રીતે સંભાળ કરવાનો પ્રયાસ કરું છું.

જે રીતે ચેને તેના પતિનું ધ્યાન રાખ્યું છે, તે જુસ્સાએ ઘણા લોકોના હૃદયને સ્પર્શી લીધું છે. તેના પડોશીઓ પણ આ વાતથી ખૂબ પ્રભાવિત છે. પડોશીઓ પણ જરૂરત પડવા પર ચેનની મદદ કરવા માટે તૈયાર રહે છે. એક પડોશીએ કહ્યું કે, અમે આટલા વર્ષોથી આ બધું જોઈ રહ્યા છીએ કે, તે કેવી રીતે દરેક નાની-મોટી વસ્તુનું ધ્યાન રાખે છે. અમે એ વાત સમજી શકીએ છે કે, આ બધું કેટલું મુશ્કેલ છે, અમે લોકો પણ ચેનને મદદ કરવાના તમામ પ્રયાસો કરીએ છે. પડોશીએ કહ્યું કે, ચેનનું ઘર હંમેશાં સ્વચ્છ જોવા મળે છે. આ સાથે જ, રેન પણ દેખાવમાં આકર્ષક અને હંમેશાં સ્વચ્છ જોવા મળે છે. ચેનને સ્થાનિક સ્ટ્રીમર પર લોકો એક રોલ મોડલ તરીકે જુએ છે, તેને છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર તરફથી ઘણા એવોર્ડ પણ મળ્યા છે. તેને 'Good Samaritans of China' તરીકે પણ સન્માનિત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp