2 વર્ષ પહેલા 10000માં શરૂ કરી મીઠાની કંપની, 9 કરોડ પર પહોંચી માર્કેટ વેલ્યૂ

દેહરાદૂનમાં રહેતો 33 વર્ષીય હર્ષિત સહદેવ મનોવૈજ્ઞાનિક અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ છે, 15 કરતા વધુ દેશોમાં મેન્ટલ હેલ્થ વર્કશોપ કરી ચુક્યો છે. વર્ષ 2013માં ઉત્તરાખંડમાં પૂરે તબાહી મચાવી હતી, ત્યારે તે પ્રભાવિત ગામોમાં પહોંચીને મદદ કરવા માગતો હતો.
તે ઉત્તરકાશી જિલ્લાના દિદસારી ગામ ગયો, ત્યાંની તબાહી જોઈને તે બેચેન થઈ ગયો હતો. ત્યાં 75 ટકા ખેતરોનો નાશ થઈ ચુક્યો હતો. ગામને મુખ્ય રસ્તા સાથે જોડતો એકમાત્ર પુલ તૂટી ગયો હતો. ઘણા ઘરો પણ તૂટી ગયા હતા. આથી, હર્ષિતે ગામલોકોની મદદથી પુલને ફરી બનાવવા માટે સામાજિક આંદોલન કર્યું, ત્યારબાદ પ્રશાસને પુલ બનાવવો પડ્યો.
આશરે દોઢ વર્ષ ગામમાં રહ્યા બાદ હર્ષિત દેહરાદૂન પાછો આવી ગયો અને કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરવા માંડ્યો. 2018માં ફ્રાન્સથી સાયકલ ચલાવીને ભારત પહોંચેલી એક યુવતી ક્લોએ એન્ડેએ મીડિયા રિપોર્ટોમાં હર્ષિત વિશે વાંચ્યું અને તે તેને મળવા દેહરાદૂન પહોંચી ગઈ. ક્લોએએ એ ગામ જોવાની ઈચ્છા વ્યક્ત કરી જ્યાં હર્ષિતે કામ કર્યું હતું.
હર્ષિત ક્લોએની સાથે ફરી દિદસારી પહોંચ્યો. અહીં પરિસ્થિતિ પહેલા જેવી જ હતી. બેરોજગારીને કારણે પલાયન હતું. જંગલી જાનવરો પાક નષ્ટ કરી નાંખતા હોવાને કારણે લોકો ખેતી છોડી રહ્યા હતા. હર્ષિતે અહીં ક્લોએને પારંપરિક મીઠું ખવડાવ્યું, જેન પિંક સોલ્ટ પણ કહે છે. ગામની મહિલાઓ પહાડી મીઠામાં હળદર, લસણ, મરચું અને પહાડ પર મળતી અન્ય જડીબુટ્ટીઓ મિક્સ કરીને પીસે છે. ક્લોએને તે સ્વાદ ખૂબ જ પસંદ આવ્યો. ચાખતા જ તે બોલી કે તે આને ફ્રાન્સમાં વેચી શકે છે.
બંને ગામના લોકો માટે કંઈક કરવા માગતા હતા. તેમણે આ જ મીઠાને પેક કરીને વેચવા અને ગ્રામજનોને રોજગારી આપવાનું નક્કી કર્યું. બંનેએ પાંચ-પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા અને દસ હજાર રૂપિયાનું મીઠું ખરીદીને દેહરાદૂન પાછા આવી ગયા.
અહીં તેમણે આ મીઠાનું નામ દીદસારી સોલ્ટ રાખ્યું અને હિમશક્તિ બ્રાન્ડ અંતર્ગત તેનું પેકેજિંગ કર્યું અને તેઓ દેહરાદૂનના કોર્પોરેટ હાઉસમાં ગયા, જ્યાં આ મીઠાને તેમણે દિવાળી પર ગિફ્ટ આપવા માટે ખરીદી લીધું. બંનેને સારી એવી કમાણી થઈ. પછી ક્લોએએ કહ્યું કે, તે ફ્રાન્સમાં તેને ક્રિસમસ ગિફ્ટ તરીકે વેચશે. બંનેએ તેને પારંપરિક ભારતીય કપડામાં પેક કર્યું અને બ્રાન્ડ નેમ તેમજ બાકીની જાણકારી ફ્રેન્ચમાં છાપી. ક્લોએએ આ મીઠું ફ્રાન્સ પહોંચાડ્યું, જ્યાં તેને પસંદ કરવામાં આવ્યું.
ક્લોએ તો હવે પાછી ફ્રાન્સ જતી રહી છે, પરંતુ હર્ષિત આ પ્રોડક્ટને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. દરમિયાન IIM કાશીપુરે એગ્રો બેઝ્ડ સ્ટાર્ટઅપ માટે ગ્રાન્ટ આપવા અરજીઓ મંગાવી, હર્ષિતે તેમાં અરજી કરી અને તેની 25 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે.
હાલ તેણે દિદસારી અને આસપાસના ગામના સાત ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે અને તેમને નક્કી કરેલ રકમ ચુકવવામાં આવી રહી છે. હવે તેની સાથે કુલ 14 લોકો જોડાઈ ગયા છે. હર્ષિત હાલ દર મહિને બેથી અઢી લાખ રૂપિયાની વચ્ચે કમાણી કરી રહ્યો છે અને તેની કંપનીની માર્કેટ વેલ્યૂ નવ કરોડ રૂપિયા છે. હર્ષિતે ચર્ચિત શેફ હરપાલ સિંહ સોઢીને પોતાની પ્રોડક્ટ વિશે વાત કરી અને તે દિદસારી સોલ્ટની સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાઈ ગયો.
હર્ષિતે હાલમાં જ દિદસારી કૂલર્સના નામથી શિકંજી મસાલો પણ લોન્ચ કર્યો છે. તેણે પોતાની પ્રોડક્ટને અમેરિકામાં પણ એક્સપોર્ટ કરી છે. હર્ષિતનું કહેવું છે કે, બ્રિટનની સેના માટે કામ કરતા શેફે પણ તેનું મીઠું મંગાવ્યું છે.
હર્ષિત હવે આસપાસના ગામના ખેડૂતોને પણ પોતાની સાથે જોડવા માંગે છે. તે ટ્રાયલ તરીકે આદુની ખેતી પણ કરાવે છે. હર્ષિત કહે છે, હવે અમે દિદસારી ગામના આ મીઠાને દેશ અને દુનિયામાં લઈ જવા માગીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp