26th January selfie contest

ખભા પર સ્વિગી બેગ વાળી વાયરલ બુરખા વુમન, ફેરીવાળી રિઝવાનાની સ્ટોરી..

PC: aajtak.in

લખનઉની સડકો પર બુરખો પહેરેલી એક મહિલા તેના ખભા પર સ્વિગી બેગ લઈને ચાલતી જોવા મળશે. આ મહિલાની તસવીર વાયરલ થઈ તો લોકો પૂછવા લાગ્યા કે આખરે બુરખાવાળી મહિલા કોણ છે? આજતકે આ બુરખાવાળી મહિલાને શોધી લીધી છે. આ મહિલાનું નામ રિઝવાના છે, જે લખનઉના ચોક વિસ્તારમાં રહે છે. આવો જાણીએ શું છે ફેરિયાવાળી રિઝવાનાની કહાની-

ચોકની જનતા નગરીની સાંકડી ગલીની અંદર 16 બાય 8ની રૂમમાં રિઝવાના રહે છે. આ જ રૂમમાં શૌચાલય છે. રિઝવાના અને તેના બાળકો રૂમને બંધ કરીને તેમાં સ્નાન કરે છે. કપડાં ફેલાવવાની પણ જગ્યા નથી. રૂમની અંદર જ દોરડું બાંધીને તેના પર કપડા સૂકવે છે. આ સિવાય રસોડું પણ આ જ રૂમમાં બનેલું છે.

આજતક સાથે વાત કરતા રિઝવાનાએ તેના સંઘર્ષની સ્ટોરી પોતાના શબ્દોમાં કહી. રિઝવાનાએ જણાવ્યું કે કડકડતી ઠંડીમાં તે સવારે 8 વાગ્યે પોતાની સ્વિગી બેગ સાથે કામ માટે નીકળી જાય છે, તે દરરોજ લગભગ 25 કિલોમીટરનો પ્રવાસ કરે છે અને વરસાદની ઋતુમાં પણ તે પગપાળા જ નીકળે છે, માત્ર હાથમાં છત્રી હોય છે.

રિઝવાના કહે છે કે તેની પાસે જે સ્વિગી કંપનીની બેગ છે, તેને તેણીએ ડાલીગંજમાંથી 50 રૂપિયામાં એક વ્યક્તિ પાસેથી ખરીદી હતી જેથી તે તેનો તમામ વેચવાનો સામાન તેમાં રાખી શકે. રિઝવાના કહે છે કે તે સ્વિગી કંપનીમાં કામ નથી કરતી તેના બદલે તે ડિસ્પોઝેબલ જેવા કે પ્લાસ્ટિકના ચમચી, પ્લેટ્સ, ફોઈલ્સ, ચાના કપ વેચે છે.

આજતક સાથેની વાતચીતમાં રિઝવાનાએ વધુમાં જણાવ્યું કે ફેરી સિવાય તે એક ઘરમાં રસોઈ બનાવવાનું પણ કામ કરે છે, જ્યાંથી તેને 3000 રૂપિયા મળે છે, તેની કુલ માસિક આવક 5 થી 6 હજાર રૂપિયા છે, પરંતુ આ નાની રકમથી તેનું ઘર નથી ચાલી શકતું કારણ કે ઘરમાં તેની સાથે 4 લોકો છે, બે દીકરીઓ અને એક નાનો દીકરો.

રિઝવાનાની એક મોટી દીકરી પરણિત છે. રિઝવાનાએ વધુમાં જણાવ્યું કે તેનો પતિ છેલ્લા 3 વર્ષથી ગુમ છે, તેને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે મળી શક્યો નહીં, તે રિક્ષા ચલાવતો હતો. રિઝવાના હંમેશા આશા રાખે છે કે ક્યારેક તેનો પતિ પાછો આવશે અને બધું સારું થઈ જશે.

રિઝવાનાના કહેવા પ્રમાણે, તેના પતિની માનસિક સ્થિતિ થોડી અસ્વસ્થ હતી, હાલમાં તે પોતાનું ગુજરાન બીજાના ઘરે ભોજન બનાવીને અને ફેરીઓ કરીને ચલાવી રહી છે જેથી સાંજે તેનો ચૂલો ચાલી શકે અને તે પોતાની સાથે-સાથે બાળકોનું પણ ભરણ-પોષણ કરી શકે.

રિઝવાનાએ સરકાર પાસે માંગ કરી છે કે જો સરકાર તેને રહેવા માટે ઘર આપે તો તે સૂકી ચટણી રોટલી ખાઈને અને પોતાનું આ જ કામ કરીને ગુજારો કરી લેશે, પરંતુ એક ઘરની તેને આવશ્યકતા છે. રિઝવાનાએ એ પણ જણાવ્યું કે આસપાસના લોકો તેની મહેનતની પ્રશંસા કરે છે કે તેણે કોઈની સામે હાથ નથી ફેલાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp