તકવાદીઓvsવિચારવાદીઓ: પાટીલને બદનામ કરનારા મોટા માથાને ઉઘાડા પાડવાનો મોટો પડકાર
.jpg)
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની સામે એલફેલ આક્ષેપોનો વીડિયો વાયરલ કરનાર મૂળ યુપીનો અને હાલ અમદાવાદનો રહીશ હોવાનું ગણાવતો જિનેન્દ્ર શાહ નામનો વ્યક્તિ પોલીસનાં તાબા હેઠળ છે. સુરત ડીસીબી કથિત ખંડણી કેસની તપાસ કરી રહી છે. માહિતીઓ ગુપ્ત રાખવામાં આવી રહી છે. સમગ્ર કાંડથી હકીકત એ ઉજાગર થઈ રહી છે કે ભાજપમાં તકવાદીઓ અને વિચારવાદીઓ વચ્ચે નવો જંગ મંડાયો છે.
સીઆર પાટીલને બદનામ કરવાના ષડયંત્રની ઈથ થી ઈતિ શોધવા માટે સુરત પોલીસનાં જાંબાઝ અધિકારીઓ તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે. આ કાંડમાં કોસંબા નગરપાલિકાના પદાધિકારી હરદીપસિંહ અટોદરીયાનું નામ પણ ખાસ્સું એવું ચર્ચાસ્પદ બન્યું છે. જિનેન્દ્ર શાહની તપાસનો રેલો ભાજપના જ કેટલાક મોટા નેતા અને અન્ય નેતાઓ સુધી પહોંચ્યો છે. જોકે, સમગ્ર કાંડમાં જેમના નામ સામે શંકાની સોય તાકવામાં આવી તેવા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલ માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાએ સ્પષ્ટપણે કહ્યું છે આ કાંડમાં સંડોવાયેલા લોકો સાથે તેમનો કોઈ પણ પ્રકારનો કોઈ સંબંધ નથી.
ભાજપના નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે હાલ પક્ષમાં તકવાદીઓ અને વિચારવાદીઓ વચ્ચે મોટી ખાઈ પડી ગઈ છે. પાર્ટી સત્તામાં આવે તો સીધી રીતે તકવાદીઓ તકનો ઉપયોગ કરી સત્તાનો સ્વાદ ચાખી લેવામાં માને છે. જ્યારે વિચારવાદીઓ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા હોય છે. પક્ષ સત્તામાં હોય તો પણ અને પક્ષ સત્તામાં ન હોય તો પણ વિચારવાદીઓ કશે પણ છટકતા નથી, તેઓ પક્ષ સાથે કોઈ પણ સ્થિતિ અને સંજોગોમાં અડીખમ ઉભેલા હોય છે.
ભાજપના સૂત્રો કહી રહ્યા છે કે સત્તાલક્ષી લોકોનું ટોળાનું વર્ચસ્વ જામી જાય તો વિચારલક્ષી લોકો કાં તો નિષ્ક્રીય થઈ જાય છે અથવા તો ઘરે બેસી જાય છે. આનાથી નુકશાન પક્ષને જ થાય છે. સત્તાલક્ષી લોકોની સીધી વાત એ હોય છે કે પક્ષનું જે થવાનું હોય તે થાય, મેં મારું ભોગવી લીધું છે. સત્તા જાય તો એની સાથે આવા સત્તાલક્ષી, સત્તાના લોભિયા પણ બીજા પક્ષમાં જતા રહે છે. હાલ કોંગ્રેસની હાલત આવી જ થઈ ગઈ છે.
જ્યારે વિચારલક્ષી લોકો વણલખેયેલા સિદ્વાંતને વરેલા હોય છે કે મારું કંઈ પણ થાય પક્ષ ટકેલો અને મજબૂત હોવો જોઈએ. હું હોઉં કે ન હોઉં પાર્ટી મજબૂત થવી જોઈએ. જિનેન્દ્ર શાહ જેવા અનેક સત્તાલક્ષી લોકોનો ભાજપના નામે રાફડો ફાટ્યો છે અને આવા લોકો ભાજપનું નામ વટાવી ખાય છે. સીઆર પાટીલ જેવા નેતાઓને પણ તેઓ ગમે તે હદે જઈને બદનામ કરવાનાં મર્યાદા બહારની કાદવ ઉછાળ પ્રવૃત્તિ કરવામાં પણ જરાય છોછ રાખતા નથી.
Khabarchhe.comએ સુરત ડીસીબીના એસીપી ભાવેશભાઈ રોજિયાની સાથે ટેલિફોન પર વાત કરી તો તેમણે કહ્યું કે હાલ તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp