ગુજરાતમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન, લોકસભા ચૂંટણીમાં સાથે મળીને લડશે ચૂંટણી

ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી ((AAP) અને કોંગ્રેસ એક સાથે મળીને ચૂંટણી લડશે તેવી જાહેરાત આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં બંને પાર્ટી I.N.D.I.A. ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે, I.N.D.I.Aનું ગઠબંધન ગુજરાતમાં પણ લાગૂ પડશે. રાજ્યમાં હાલમાં સીટોની અમે તપાસ કરી રહ્યા છીએ.
તેમણે આગળ જણાવ્યું હતું કે, ભાજપ આ ગઠબંધનથી ડરી ગયું છે અને તેમને ખબર છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં I.N.D.I.Aનું ગઠબંધન NDAને હરાવી દેશે. વડાપ્રધાનથી લઇને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ પણ I.N.D.I.Aને ગાળો આપી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અમે કોંગ્રેસ સાથે સીટોની વહેંચણી કરીને ચૂંટણી લડીશું. I.N.D.I.Aના ગઠબંધન સાથે ચૂંટણી લડાશે અને અમે એટલી ખાતરી આપીએ છીએ કે આ વખત લોકસભાની ચૂંટણીમાં જો સીટોની વહેંચણીમાં યોગ્ય નિર્ણયો લેવાશે તો ભાજપ ગુજરાતમાં 26માંથી 26 સીટો નહીં લઈ જઈ શકે.
આ બાબતે ભાજપના નેતા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને કોગ્રેસનો ઇતિહાસ જુઓ તો દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને ખાઈ ગઈ, ગુજરાતની વિધાસભાની 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ શેરને ઓછો કર્યો છે. જ્યારે ભાજપના વોટ શેરમાં વધારો થયો છે. આમ રાજ્યમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસમાં ભાગ પડાવ્યો છે. આ રીતે આમ આદમી પાર્ટી કોંગ્રેસને ખાવાનું કામ કરે છે. તેની સાથે તેમણે કહ્યું કે, મતદારો આજે પણ નરેન્દ્ર મોદી પર કળશ ઢોળવા માટે તૈયાર છે.
બીજી તરફ કોંગ્રેસે સાથે મળીને લડવાની નીતિને યોગ્ય ગણાવી છે અને આ ગઠબંધન પર પૂર્ણ વિશ્વાસ હોવાનું કોંગ્રેસના નેતા ડૉ. અમિત નાયકે જણાવ્યું હતું. અમિત નાયકે મોંઘવારીના મુદ્દાને છેડીને ગઠબંધનની જીત થશે તેવી આશા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીને આશા મુજબ, ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં પરિણામ મળ્યું નહોતું, પરંતુ પાર્ટીને વિધાનસભામાં એન્ટ્રી કરવાની તક મળી છે. આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા, એ જ પ્રમાણે ગોપાલ ઈટાલિયાને પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
જોકે, આમ આદમી પાર્ટીએ આગામી સમયમાં ચૂંટણીમાં કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખવાની તથા સમીકરણો સમજવાની પ્રયત્નો કર્યા હતા. હવે બંને I.N.D.I.A. ગઠબંધનમાં ભાજપને ચેલેન્જ ફેંકીને આપે કંઈક મોટું કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વર્ષ 2022ની વિધાસનભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 182માંથી 5 બેઠકો પર જીત મળી હતી. જ્યારે ભાજપે રેકોર્ડ 156 બેઠકો પર જીત હાંસલ કરી હતી. તો વર્ષ 2022ની વિધાસનભા ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો પડ્યો હતો અને તેને માત્ર 17 સીટો પર જીત મળી શકી હતી. આ સિવાય અપક્ષને 3 જ્યારે સમાજવાદી પાર્ટીને 1 બેઠક જીતવામાં સફળતા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp