ગદ્દાર મીર જાફર કોણ હતો? જેની સંબિત પાત્રાએ રાહુલ ગાંધી સાથે સરખામણી કરી

PC: deccanherald.com

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મીર જાફર જેવા છે. સંબિત પાત્રાએ રાહુલ ગાંધીની જે મીર ઝાફર જોડે સરખામણી કરી છે તેના વિશે જાણીશું કે મીર ઝાફર કોણ હતો?

અંગ્રેજોએ ભારત પર 200 વર્ષ રાજ કર્યુ એ એક માણસની દગાબાજીને કારણે શક્ય બન્યું અને એ માણસનું નામ હતું મીર ઝાફર. મીર ઝાફરને કારણે જ અંગ્રેજો ભારતમાં આવી શક્યા.

આ મીર જાફર વિશ્વ પ્રસિદ્ધ ગદ્દાર હતો, જેના કારણે પેઢીઓથી લોકો પોતાના બાળકોનું નામ મીર જાફર રાખવાથી સંકોચ અનુભવતા હતા. આ નામ વિશ્વાસઘાત અને અપવિત્રતાનું પ્રતીક બની ગયું હતું.તે 2 જુલાઈ 1757 નો દિવસ હતો, જ્યારે નવાબ સિરાજુદૌલાએ એક દેશદ્રોહી સેનાપતિના વિશ્વાસઘાત માટે તેમના જીવનની કિંમત ચૂકવવી પડી હતી.

નવાબ સિરાજુદૌલા છેલ્લા સ્વતંત્ર નવાબ કહેવામાં આવે છેઅને કોઇકે સાચું જકહ્યું હતુ કે, નવાબનું અવસાન થતાં જ ભારતમાંઅંગ્રેજ શાસનનો પાયો નંખાયો હતો. નવાબનું પૂરું નામ મિર્ઝા મોંહમદ સિરાજુદૌલા હતું.1733માં જન્મેલા નવાબ મૃત્યુ સમયે માત્ર 24 વર્ષના હતા. તેમના પોતાના મૃત્યુના એક વર્ષ પહેલા, તેઓ તેમના દાદાના મૃત્યુ પછી બંગાળની ગાદી સંભાળી હતી. એ એ સમય હતો,જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પગપેસારો  કરવાનો પ્રયાસ કરી રહી હતી.

સિરાજુદૌલાને નાની ઉંમરમાં નવાબ બનાવી દેવાથી તેમના ઘણા સંબંધીઓ નાખુશ હતા. ખાસ કરીને તેમની બેગમ. નવાબ બન્યા પછી તરત જ સિરાજુદ્દૌલાએ તેમને કેદ કરી દીધા હતા.  નવાબે વર્ષો સુધી સેનાપતિ રહેલા મીર ઝાફરને બદલે સેનાપતિ તરીકે મીર મદનને પ્રાધાન્ય આપ્યું હતું આથી મીર ઝાફરના મગજમાં વેરનું બીજ રોપાયું હતું.

ભારતમાં પગપેસારો કરવા માટે જગ્યા શોધી રહેલા અંગ્રેજો માટે, નવાબ સિરાજુદૌલા એક મોટો પડકાર હતો. અંગ્રેજોએ એ વાતની તપાસ શરૂ કરી કે ભારતમાં કોઇ ‘વિભીષણ’ છે?  અંગ્રેજ સેનાપતિ રોબર્ટ ક્લાઇવે કેટલાંક જાસૂસોને બંગાળ મોકલ્યા હતા. જાસૂસોએ રોબર્ટ કલાઇવને રિપોર્ટ આપ્યો કે મીર ઝાફર બંગાળના નવાબ બનવાના સપના જોઇ રહ્યો છે અને તે આપણને મદદ કરી શકે તેમ છે. ક્લાઇવે મીર જાફરને ભેટ સોગાદા આપવાનું શરૂ કર્યું અને તેને અંગ્રેજ તરફી કરી લીધો.

મીર ઝાફરને અંગ્રેજોએ પુરી રીતે વિશ્વાસમાં કરી લીધો અને એક દિવસ લાગ જોઇને અંગ્રેજોએ બંગાળ પર હુમલો કર્યો. નવાબ સિરાજુદૌલા પોતાની આખી સેના અંગ્રેજો સામે મોકલી શકે તેમ નહોતા, કારણ કે,તેમને હંમેશા ઉત્તર તરફથી અફઘાન શાસક અહમદ શાહ દુરાની અને પશ્ચિમ તરફથી મરાઠાઓથી ખતરો હતો. લશ્કરના એક ભાગ સાથે નવાબ સિરાજુદૌલા પ્લાસી પહોંચ્યા હતા અને મુર્શિદાબાદથી લગભગ 27 માઈલ દૂર પડાવ નાખ્યો. સિરાજુદૌલાનો વિશ્વાસુ સેનાપતિ મીર મદન મૂઠભેડમાંમાર્યો ગયો હતો.

નવાબે મીર જાફરને સલાહ માટે સંદેશો મોકલ્યો. મીર જાફરે સલાહ આપી કે યુદ્ધ બંધ કરવું જોઈએ. નવાબે મીર જાફરની સલાહ માનવાની ભૂલ કરી. નવાબને ખબર નહોતી કે આ એક મીર જાફરના ષડયંત્રનો એક ભાગ હતો.

લડાઈ બંધ થઈ ગઈ અનેનવાબની સેના છાવણીમાં પાછી ફરવા લાગી. મીર જાફરે રોબર્ટ ક્લાઈવને પરિસ્થિતિ સમજાવી દીધી હતી. ક્લાઈવે પૂરી તાકાતથી હુમલો કર્યો. અચાનક થયેલા હુમલાથી સિરાજની સેના ગભરાઈ ગઈ. વેરવિખેર થઇ ગઇ. ક્લાઇવ યુદ્ધ જીતી ગયો. નવાબ સિરાજુદ્દૌલાને ભાગવું પડ્યું. મીર જાફર તરત જ ગયો અને અંગ્રેજ સેનાપતિને મળ્યો અને ડીલ મુજબ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દેવામાં આવ્યો. જો કે મીર જાફરની નવાબ તરીકેની સત્તા નામ માત્રની હતી કમાન તો અંગ્રેજો પાસે જ હતી.

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વિસ્તારમાં એક હવેલી છે, આ હવેલી એક જમાનામાં ગદ્દાર મીર જાફરની હતી, લોકો આ હવેલીની નમક હરામની હવેલી તરીકે ઓળખે છે.

નવાબ સિરાજુદૌલા પ્લાસીના યુદ્ધમાંથી ભાગી ગયા પછી લાંબો સમય  છુપાઇ રહી શક્યા નહીં. પટનામાં મીર જાફરના સૈનિકોએ તેને પકડી લીધો. તેને મુર્શિદાબાદ લાવવામાં આવ્યો. મીર જાફરના પુત્ર મીર મીરાને તેને મારી નાખવાનો આદેશ આપ્યો. 2 જુલાઈ, 1757 ના રોજ, તેમને આ નમક હરામ દેવધીમાં ફાંસી આપવામાં આવી હતી. બીજા દિવસે સવારે, તેમના મૃતદેહને હાથી પર બેસાડીને સમગ્ર મુર્શિદાબાદ શહેરમાં પરેડ કરવામાં આવી હતી.

મીર જાફરે સત્તાની એ રમત જીતી લીધી હતી. પરંતુ સમયે તેને ખરાબ રીતે હરાવ્યો. આજે પણ મીર જાફરનું નામ કહેવતોમાં છે, વિશ્વાસઘાતની વાર્તા તરીકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp