રાહુલ ગાંધીનો આરોપ અદાણીએ કોલસામાંથી 12000 કરોડનું કૌભાંડ કર્યું છે
કોલસાની કિંમતોને લઈને લંડન ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ સામે આવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કોલસાના ખોટા ભાવ બતાવીને અને ખોટા બિલો બતાવીને વીજળીના ભાવમાં વધારો કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે અદાણીએ સીધા પ્રજાના ખિસ્સામાંથી રૂ. 12 હજાર કરોડ સેરવી લીધા છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે તેમણે શરદ પવારને આ સવાલ કેમ નથી પુછતા, જ્યારે INDIA ગઠબંધનનો વિરોધ છતા શરદ પવાર ગૌતમ અદાણીને મળ્યા હતા. આ સવાલ પર રાહુલે કહ્યું કે તેમણે અત્યાર સુધી શરદ પવારને કોઈ પ્રશ્ન પૂછ્યો નથી. તેની પાછળનું કારણ એ છે કે શરદ પવાર વડાપ્રધાન નથી.રાહુલે કહ્યુ કે જો શરદ પવાર PM હતે તો તેમને પણ હું આ સવાલ પુછતે.
લંડન ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણીની કંપનીએ સસ્તામાં કોલસો ખરીદીને તેની કિંમત વધારે બતાવી છે.
રાહુલ ગાંધીએ આગળ કહ્યુ કે, શરદ પવાર પ્રધાનમંત્રી નથી અને શરદ પવાર અદાણીને બચાવી રહ્યા નથી. અદાણીને તો PM છાવરી રહ્યા છે. પ્રધાનમંત્રીની વિશ્વસનીયતા પર સવાલ ઉભો થયો છે.
પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે જ્યારે ગરીબ લોકો પંખો ચલાવે છે કે બલ્બ લગાવે છે ત્યારે પૈસા સીધા અદાણીના ખિસ્સામાં જાય છે. તેમણે વધુમાં કહ્યું કે અદાણીની ભારતના વડાપ્રધાન રક્ષા કરી રહ્યા છે. લોકો કોઈપણ સ્વીચ દબાવતાની સાથે જ તેમના પૈસા સીધા અદાણીના ખિસ્સામાં જાય છે. તેમણે કહ્યું કે ગૌતમ અદાણી કોલસાની ખરીદી અને વેચાણમાં ઓવર ઈન્વોઈસિંગ કરે છે.
લંડન ફાઈનાન્સિયલ ટાઈમ્સનો અહેવાલ પ્રેસ કોન્ફરન્સમાં બતાવીને રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સીધી રીતે વીજળી ચોરીનો મામલો છે. રાહુલે સવાલ કર્યો કે અદાણીમાં એવું તે શું છે કે ભારત સરકાર તેમની સામે તપાસ નથી કરાવી શકતી. તેમની પાછળ એવી કઇ શક્તિ છે તે ભારતની જનતા જાણવા માંગે છે.
NCP ચીફ શરદ પવાર અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની બેઠકે મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી રાજકીય હલચલ મચાવી દીધી હતી. શરદ પવાર અને અદાણી વચ્ચેની આ બેઠક અમદાવાદમાં થઈ હતી, જેને લઈને ભાજપે કોંગ્રેસ અને ભારતના ગઠબંધન પર સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે રાહુલ ગાંધીને પણ ઘેરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp