26th January selfie contest

પુલવામા હુમલામાં સત્યપાલ મલિકના ખુલાસા પછી શહીદ જવાનોના પરિવારોએ તપાસની માગ કરી

PC: thehindu.com

વર્ષ 2019માં કાશ્મીરના પુલવામાં 40 જવાનોના મોત પર તાજેતરમાં જમ્મૂ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા, હવે શહીદ જવાનોના કેટલાંક પરિવારજનોએ તપાસની માગ કરી છે.

ધ વાયર વેબસાઇટને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સત્યાપાલમલિકે કહ્યું હતું કે પુલવામા આતંકવાદી હુમલો માત્ર મોદી સરકારની અક્ષમતા અને બેદરકારી ને કારણે થયો હતો અને સેનાની વિનંતી મુજબ, જો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સૈનિકોને એરલિફ્ટ કર્યા હોત તો લોકોના જીવ બચાવી શકાયા હોત.

જમ્મૂ- કાશ્મીરનાપૂર્વ ગવર્નરે એમ પણ કહ્યું કે જ્યારે તેમણે વડા પ્રધાન મોદીને કહ્યું કે તેમની સરકારની અકાર્યક્ષમતા ને કારણે લોકોના જીવ ગયા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ચુપ રહેવા માટે કહ્યું હતું એવો દાવો મલિકે ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. ઘટના સમયે, મલિક જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા, જે તે સમયે રાષ્ટ્રપતિ શાસન હેઠળ હતું.

પુલવામામાં મોતને ભેટેલા  એક જવાન ભગીરથના પિતા પરશુરામે ધ વાયર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 14 ફ્રેબુઆરી 2019ના એ દુર્ભાગ્યપૂર્ણ દિવસ પછી અનેક સવાલો મારા મનમાં ઉઠી રહ્યા હતા. હવે મલિકના ખુલાસા પછી મને વિશ્વાસ આવી ગયો છે કે પુલવામાં હુમલો સરકાર દ્રારા રચવામાં આવેલો એક રાજકીય સ્ટંટ હતો.આવો આરોપ પરશુરામે લગાવ્યો હતો.

કરણ થાપર સાથે મલિકના ઇન્ટરવ્યુ પછી, વિપક્ષોએ ગુપ્તચર નિષ્ફળતા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી જવાબોની માંગણી ફરી શરૂ કરી છે.

આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર જીતરામનો ભાઈ વિક્રમ તેના ભાઈના 'અકાળ મૃત્યુ'ની તપાસની માંગ કરી રહ્યો છે. મૃત્યુ સમયે તેમના ભાઈની ઉંમર 30 વર્ષની હતી.

વિક્રમે કહ્યું કે તેનો પરિવાર હજુ પણ તેના ભાઈના મૃત્યુથી શોકમાં છે. તેણે કહ્યું, 'જેમણે પરિવારનો કોઈ સભ્ય ગુમાવ્યો છે તે જ જાણે છે કે શું લાગે છે?' જો કે વિક્રમે કહ્યું કે સત્યપાલે જ્યારે ઘટના બની ત્યારે બોલવું જોઇતું હતું, હવે ઘટનાના 4 વર્ષ પછી તેઓ આરોપ લગાવી રહ્યા છે.

દરમિયાન, બુધવારે સવારે હુમલામાં માર્યા ગયેલા બે સીઆરપીએફ જવાનોના પરિવારજનોએ ધ ટેલીગ્રાફને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેઓ મૂળ બંગાળના હતા. સુદીપ વિશ્વાસ નાદિયા જિલ્લાના તેહટ્ટાનો રહેવાસી હતો અને બબલુ સંત્રા હાવડા જિલ્લાના બૌરિયાનો રહેવાસી હતો.

સુદીપના પિતા સન્યાસી વિશ્વાસે અખબારને કહ્યું, આ ચાર વર્ષમાં મેં સુરક્ષા વ્યવસ્થામાં ક્ષતિઓ વિશે ઘણું સાંભળ્યું છે. પરંતુ હજુ સુધી કશું જ સામે આવ્યું નથી.98 બટાલિયનમાં રહેલા સુદીપનું 28 વર્ષની વયે અવસાન થયું હતું.

સુદીપની બહેન ઝુંપાએ કહ્યું, કેન્દ્રએ પોતાની સ્પષ્ટતા કરવી જોઇએ,પરંતુ તેનો અમારા માટે કંઈ અર્થ નથી, તે ફક્ત મને મારા ભાઈને ગુમાવવાની યાદ અપાવે છે.

બબલુની 71 વર્ષની માતા અને 36 વર્ષની પત્નીએ કહ્યું કે તેઓ પણ સત્ય જાણવા માંગે છે, પરંતુ એનાથી કોઇ ફરક પડવાનો નથી. બબલુની 10 વર્ષની દીકરી છે.

મલિકના નિવેદન પછી, ભારતીય સેનાના પૂર્વ વડા જનરલ શંકર રોયચૌધરીએ પણ કહ્યું કે સૈનિકોના મૃત્યુ માટે વડા પ્રધાનની આગેવાની હેઠળની સરકાર જવાબદાર છે. તેમણે ધ ટેલિગ્રાફને જણાવ્યું હતું કે વડા પ્રધાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બંનેએ ગુપ્તચર નિષ્ફળતાની જવાબદારી લેવી જોઈએ જેના કારણે આ ઘટના બની.

મલિકના આરોપ પર  સત્તાધારી ભાજપે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp