26th January selfie contest

કોંગ્રેસે ભાજપના MLAને મોહનથાળનો પ્રસાદ ખવડાવ્યો, તો નેતા કહે- ઝેર તો નથીને...

PC: twitter.com/AmitChavdaINC

અંબાજીના મોહનથાળના પ્રસાદનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ગુંજી ઉઠ્યો હતો. કોંગ્રેસી સભ્યોએ ભાજપના ધારાસભ્યોને ગૃહમાં મોહનથાળ ખવડાવ્યો હતો, મોહનથાળ ખાનારા ભાજપી ધારાસભ્યએ ખાદ્ય પદાર્થની ફોરેન્સિક તપાસની માગ કરી હતી. અંબાજી પ્રસાદ અંગે ચર્ચા ન કરવાના આક્ષેપ સાથે વોક આઉટ કરનારા કોંગ્રેસી સભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. અંબાજી મંદિરમાં મોહનથાળને પ્રસાદ તરીકે શરૂ કરવા માટેની માગ રોજબરોજ વધતી જાય છે ત્યારે વિધાનસભામાં પણ શુક્રવારે મોહનથાળને અંબાજી મંદિરમાં પ્રસાદ તરીકે શરૂ કરવા માટેનો મુદ્દો ગુંજી ઉઠ્યો હતો.

જો કે, આ મુદ્દે ચર્ચા થાય તે પહેલા જ કોંગ્રેસી ધારાસભ્યોએ ગૃહમાં માથાકૂટ કરી અને વોક-આઉટ કરી દીધુ હતુ. વોક-આઉટ કરનારા તમામ કોંગ્રેસી ધારાસભ્યોને અધ્યક્ષે એક દિવસ પૂરતા ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. વિધાનસભા ગૃહની બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી કાળ બાદ કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં મોહનથાળ લઈને આવ્યા હતા. આ મોહનથાળ ભાજપના તમામ ધારાસભ્યોને વહેંચવામાં અને ખવડાવવામાં આવ્યો હતો. જો કે આ સમયે વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યને સૂચના આપી હતી કે, જે પણ ધારાસભ્ય ખાદ્ય પ્રદાર્થ ગૃહમાં લઇને આવ્યા હોય તે બહાર મુકીને આવે.

આમ, વિધાનસભામાં પ્રશ્નોતરી બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ અંબાજી મંદિરના પ્રસાદ બાબતે વિરોધ કરવાનું ચાલું કર્યું હતું. ઈડર બેઠકના ભારતીય જનતા પારર્ટી ધારાસભ્યની રજૂઆતને આધિન વિધાનસભા અધ્યક્ષે તાત્કાલિક પગલાં લેવા કાર્યવાહી કરી હતી. તેમણે સાર્જન્ટને સૂચના આપી હતી કે, સમગ્ર ઘટનામાં યોગ્ય તપાસ થવી જોઈએ. એ સિવાય અધ્યક્ષે કહ્યું કે, ગૃહમાં વહેંચવામાં આવેલી મીઠાઈ ખાદ્ય છે કે અખાદ્ય છે? વગેરે અંગે પણ પૂરતી તપાસ થતો આખી ઘટનાનો રિપોર્ટ આપવા સાર્જન્ટને સૂચના આપી છે.

પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં મોહનથાળના બદલે ચિક્કીને પ્રસાદ તરીકે આપવાના નિર્ણયનો આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં તમામ ધારાસભ્યને મોહનથાળની વહેંચણી કરી હતી. કોગ્રેસના ધારાસભ્યએ ગૃહમાં પ્રસાદ બાબતે સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંઘાવ્યો હતો. આ ઉપરાંત કોગ્રેસના ધારાસભ્યોએ અંબાજીના પ્રસાદ બાબતે વિધાનસભામાંથી વોક-આઉટ કર્યું હતું. અધ્યક્ષે વિરોધમાં જોડાયેલા ધારાસભ્યને નેમ કરીને નોટિસ આપી ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા છે.

વિધાનસભા અધ્યક્ષે ખાદ્ય સામગ્રી બહાર મૂકવાની જેવી સુચના આપી કે તરત જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કરવાની શરૂઆત કરી હતી. વિરોધ દરમિયાન કોગ્રેસના ધારાસભ્યો બોલ મારી અંબે જય જય અંબેના નારા લાગાવીને ગૃહની બહાર નીકળી ગયા હતા. તેમની માગણી હતી કે, અંબાજી મંદિરમાં મોહનથાળને પ્રસાદ તરીકે ફરી શરૂ કરવામાં આવે અને ચિક્કીનો પ્રસાદ બંધ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વિધાનસભામાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ પ્રસાદ બાબતે સરકારને રજૂઆત કરી હતી.

ગૃહમાં વહેચવામાં આવેલા મોહનથાળની તપાસ કરવામાં આવે તેવી માંગણી ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા કરવામાં આવી હતી. રમણલાલ વોરાએ અધ્યક્ષને રજૂઆત કરી હતી કે, કોગ્રેસના સભ્યો દ્વારા જે મોહનથાળની વહેંચણી કરવામાં આવી છે. તેમાં ઝેર જેવા પદાર્થ તો નથી? તેની તપાસ થવી જોઇએ. ગૃહમાં આ પ્રકારે ખાદ્ય પ્રદાર્થની વહેંચણી ન કરી શકાય આ બાબતે યોગ્ય કાર્યવાહી થવી જોઇએ તેવી અધ્યક્ષને રજૂઆત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp