રાહુલ ગાંધી પર વધુ એક માનહાનિનો કેસ, RSSએ હરિદ્રારમાં કેસ દાખલ કર્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લેતી, હજુ તો સુરત કોર્ટનો 2 વર્ષની સજાનો ચુકાદો અને પછી સાંસદ પદ ગુમાવ્યા બાદ હવે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)એ પણ શનિવારે રાહુલ ગાંધી સામે એક માનહાનિનો કેસ ઠોકી દીધો છે. RSSના કાર્યકર કમલ ભદોરિયાએ હરિદ્રારની કોર્ટમાં રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યો છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન હરિયાણામાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પર ટીપ્પણી કરીને કહ્યં હતું કે,21મી સદીના કૌરવો હાફ પેન્ટ પહેરે છે. આ નિવેદન પર સંઘે કેસ કર્યો છે. આ કેસની સુનાવણી 12 એપ્રિલે ઉત્તરાખંડના હરિદ્રાર કોર્ટમાં થશે.
હરિયાણાના અંબાલા જિલ્લામાં રાહુલ ગાંધીએ 9 જાન્યુઆરી 2023ના દિવસે એક નુક્કડ સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કૌરવૌ કોણ છે? હું તમને બધાને એ પહેલા 21મી સદીના કૌરવો વિશે જણાવીશ. તેઓ ખાખી હાફ પેન્ટ પહેરે છે, તેમના હાથમાં લાઠી હોય છે અને શાખાઓ લગાવે છે. રાહુલે આગળ કહ્યું હતું કે, ભારતના 2-3 અરબપતિઓ આ કૌરવોની પડખે ઉભા છે.
બીજી તરફ, બિહારના પટના જિલ્લામાં MP-MLA કોર્ટે રાહુલ ગાંધીના માનહાનિના એક કેસમાં 12 એપ્રિલે હાજર રહેવાની સુચના આપેલી છે. કોર્ટે કહ્યું છે કે રાહુલ કોર્ટમાં આવીને પોતાનું નિવેદન નોંધાવે. રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ વર્ષ 2019માં મોદી સરનેમ મામલે રાહુલ ગાંધીની સામે કેસ નોંધાવ્યો હતો.
રાહુલ ગાંધીની સામે અત્યાર સુધીમાં જેટલા માનહાનિના કેસ નોંધાયા છે તેની વિગત પણ જાણી લો
વર્ષ 2014માં રાહુલ ગાંધીએ સંઘ પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ લગાવ્યો હતો. એક સંઘ કાર્યકરે રાહુલ પર મહારાષ્ટ્રના ભિવંડી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. વર્ષ 2016માં રાહુલ સામે આસામના ગૌહાટીમાં માનહાનિનો કેસ નોંધાયેલો છે. રાહુલે કહ્યું હતું કે, આસામના વૈષ્ણવ મઠ બરપેટા સતરામાં સંઘ સભ્યોએ મને પ્રવેશના દીધો નહોતો. આ કેસ હજુ કોર્ટમાં પેન્ડિંગ છે.
વર્ષ 2018માં રાહુલ ગાંધીની સામે ઝારખંડની રાજધાની રાંચીમાં એક કેસ નોંધાયેલો છે. આ કેસ રાંચીની સબ ડિવિઝનલ જ્યૂજિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં 20 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ થયેલો છે. રાહુલે ‘મોદી ચોર’ એવું નિવેદન આપ્યું હતુ.
વર્ષ 2018માં રાહુલ ગાંધી પર મહારાષ્ટ્રમાં એક માનહાનિ કેસ થયેલો છે. આ કેસ મઝગાંવમાં આવેલા શિવડી કોર્ટમાં ચાલી રહ્યો છે. સંઘના કાર્યકરે કેસ કરેલો છે. રાહુલ પર એવો આરોપ છે કે તેમણે ગૌરી લંકેશની હત્યાને ભાજપ અને સંઘની વિચારધારા સાથે જોડ્યો હતો.
વર્ષ 2018માં ADC બેંકના ચેરમેન અજય પટેલે રાહુલ ગાંધી સામે કોર્ટમાં કેસ કરેલો છે. રાહુલે આરોપ લગાવ્યો હતો કે 8 નવેમ્બર 2016ની નોટબંધી પછી અમદાવાદ જિલ્લા સહકારી બેંકમાં 5 દિવસમાં 745.58 કરોડ રૂપિયાની જુની નોટ જમા થઇ હતી. આ બેંકના ડિરેકટર્સમાં કેન્દ્રીય ગૃહ મત્રી અમિત શાહનું નામ પણ સામેલ છે.
વર્ષ 2017માં બેંગુલુરમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યા કેસમાં RSS કથિત રીતે જોડવા માટે રાહુલ ગાંધી સામે મુંબઇની કોર્ટમાં માનહાનિનો કેસ થયેલો છે. ફરિયાદ કરનારે કહ્યું છે કે રાહુલ ગાંધીના આ નિવેદનને કારણે સંઘની છબિને નુકશાન થયું છે.
વર્ષ 2018માં રાફેલ ફાઇટર જેટ ડીલમાં રાહુલ ગાંધીએ ભાજપની મજાક ઉડાવી હતી અને ટ્વીટ કરીને કેપ્શન લખ્યું હતું કે ધ સેડ ટ્રુથ અબાઉટ ઇન્ડિયા કમાન્ડર ઇન થીફ. આ મામલે ગુંડગાંવની એક કોર્ટમાં કેસ થયેલો છે.
વર્ષ 2019માં રાહુલ ગાંધીએ જબલપુરમાં તત્કાલીન ભાજપ અધ્ય અમિત શાહ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. અમદાવાદની કોર્ટમાં રાહુલ સામે માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો. વર્ષ 2019માં ઝારખંડમાં રાહુલ ગાંધીઅ કહ્યું હતું કે, ભાજપની જેમ હત્યારાને કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ તરીકે નહીં સ્વીકારે. રાહુલના આ નિવેદન પર ચાઇબાસા અને રાંચીમાં માનહાનિનો કેસ થયો. વર્ષ 2022માં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સાવરકરે આઝાદી પહેલા અંગ્રેજોના માફીનામા પર સહી કરી હતી. આ મામલે સાવરકરના પૌત્ર વિનાયક સાવરકરે મુંબઇના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp