
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીરમાં છે.રાહુલ ગાંધીએ શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોક પર તિરંગો લહેરાવી દીધો છે. રાહુલ ગાંધીના ધ્વજ ફરકાવવાને લઇને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં હતું અને આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો અને સામાન્ય લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હવે તેના અંતિમ પડાવ પર છે. તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા હવે જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગર પહોંચી ચુકી છે. રાહુલે રવિવારે શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોક પર ભારતીય ધ્વજ લહેરાવ્યો ત્યારે તેમની સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા અને, મહેબૂબા મુફ્તી અને કોંગ્રેસના કેટલાંક અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. રાહુલની ભારત જોડો યાત્રા રવિવારે સવારે 11 વાગ્યે પંથાથી શરૂ થઇ હતી અને બપોરે શ્રીનગર પહોંચી હતી.
આ પહેલા, રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલાં ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલે ટ્વીટમાં લખ્યું હતું કે, આજે કાશ્મીરી પંડિત ભાજપ સરકારને પુછી રહી છે કે અમારો ઉપયોગ કરવા સિવાય તમે અમારા માટે કર્યું શું છે? જવાબ છે પ્રધાનમંત્રી?
LIVE: National flag hoisting | Lal Chowk, Srinagar | Jammu and Kashmir | #BharatJodoYatra https://t.co/A0kLh07RUo
— Bharat Jodo (@bharatjodo) January 29, 2023
શ્રીનગરનો લાલ ચોક એક જમાનામાં દેશવિરોધી ગતિવિધીઓ માટે કુખ્યાત હતો, પરંતુ ધીમે ધીમે સમય બદલાયો, આજે સ્થિતિ એ છે કે જે લાલ ચોક પાસે જિંદગી ગુંગળાતી હતી ત્યાં ભારતીય ધ્વજ પુરી શાન સાથે ફરકે છે. લાલ ચોક પર તિરંગો ફરકાવાનની કહાણી જૂની છે.
શ્રીનગરના લાલ ચોક પર 1992માં 26 જાન્યુઆરીએ ભાજપના તત્કાલીન અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ તિરંગો લહેરાવ્યો હતો. તે વખતે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને મુરલી મનોહર જોશીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રા કાઢી હતી. આ યાત્રાનું સમાપન શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવીને કરવાનું હતું. તે વખતે નરેન્દ્ર મોદી ભાજપમાં મહાસચિવ હતા. 26 જાન્યુઆરી, 1992ના દિવસે મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદી સાથે મળીને લાલ ચોક પર ઝંડો લહેરાવી દીધો હતો.
તે વખતે મુરલી મનોહર જોશીની સુરક્ષા વ્યવસ્થાને લઇને સવાલો ઉઠ્યા હતા. અત્યારે રાહુલ ગાંધીની સુરક્ષા બાબતે કોંગ્રેસ સવાલ ઉઠાવી રહી છે. કોંગ્રેસ આરોપ મુકી રહી છે કે રાહુલ ગાંધીની સુરક્ષાને લઇને ખિલવાડ કરવામાં આવી રહ્યો છે. જો કે સત્ય એ પણ છે કે આખા દેશની યાત્રા કરીને રાહુલ કાશ્મીર પહોંચ્યા છે. જેટલી સુરક્ષા તેમને જમ્મુ-કાશ્મીરમાં આપવામાં આવી છે, એટલી કોઇ રાજ્યમાં આપવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp