શરદ પવારને મોટી ઓફર, કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે ચિંતામાં, અજિત સાથે મીટિંગ કરી હતી

PC: twitter.com/PawarSpeaks

NCPના સુપ્રીમો શરદ પવાર અને અજિત પવારની મુલાકાતને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચેલો છે. આ મુલાકાતના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવારને મનાવવા માટે ભાજપે અજિત પવરાના માધ્યમથી એક મોટી ઓફર મુકી છે. જો કે શરદ પવારે સ્પષ્ટતા કરી છે કે ભાજપ સાથે જવામાં તેમને કોઇ દિલચસ્પી નથી.

શરદ પવારે ભલે સ્પષ્ટતા કરી હોય કે ભાજપમાં જનારા સાથે તેમને કોઇ સંબંધ નથી કે મહાવિકાસ અઘાડીમાં પણ કોઇ ભ્રમ નથી.પરંતુ મહાવિકાસ અઘાડીમાં સહયોગી કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે મોટો દાવો કર્યો છે. ચવ્હાણે કહ્યુ કે ભાજપે અજિત પવારના માધ્યમથી શરદ પવારને મોટી ઓફર કરી છે.

એક અખબારે પૃથ્વીરાજ ચવ્હાણને ટાંકીને પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભાજપે શરદ પવારને કેન્દ્રમાં કૃષિ મંત્રી બનાવવાની અને નીતિ આયોગના અધ્યક્ષ પદની ઓફર કરી છે. ઉપરાંત સાંસદ સુપ્રિયા સુલે અને ધારાસભ્ય જયંત પાટીલને પણ મંત્રી બનાવવાની ઓફર કરવામાં આવી છે.

શરદ પવારના ભત્રીજા અને તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનેલા અજિત પવારે તાજેતરમાં કાકા શરદ પવાર સાથે ખાનગી બેઠક કરી હતી. આ સિક્રેટ મિટીંગ પુણેમાં એક ઉદ્યોગપતિના ઘરે થઇ હતી. અજિત આ વર્ષના જુલાઇમાં શરદ પવાર સાથે બળવો કરીને મહારાષ્ટ્રની શિંદે સરકારમાં સામેલ થયા હતા. જો કે બળવા પછીના દોઢ મહિનામાં અજિતે કાકા શરદ પવાર સાથે 4 વખત બેઠક કરી છે.

તાજેતરમાં શિવસેના (UBT)એ અજિત પવારની શરદ પવાર સાથેની વારંવારની મિટીંગ સામે નિશાન સાધ્યું છે. શિવસેનાએ સામાનામાં તંત્રી લેખમાં લખ્યું છે કે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર વારંવાર શરદ પવાર સાથે બેઠક કરી રહ્યા છે અને મજાની વાત એ છે શરદ પવારે એક પણ બેઠક ટાળી નથી. કેટલીક મુલાકાતો જાહેરમાં થઇ છે તો કેટલીક ખાનગીમાં થઇ છે. એટલે લોકોના મનમાં ભ્રમ પેદા થઇ રહ્યો છે.

સામનાના તંત્રી લેખમા આગળ લખવામં આવ્યું છે કે, લોકોના મનમાં ભ્રમ પેદા થઇ રહ્યો છે કે શું ભાજપના દેશી ચાણક્ય અજિત પવારને આવી મુલાકાતો કરવા માટે જબરદસ્તીથી મોકલી રહ્યા છે? એવી શંકાને બળ મળી રહ્યું છે.

પરંતુ સવાલ એ છે કે શું આવી મુલાકાતોથી ભ્રમ નિર્માણ થશે કે વધશે?જનતાનો વિચાર આનાથી આગળ પહોંચી ગયો છે. રોજબરોજની આ રમતે મનમાં એક પ્રકારની ઉદાસીનતા પેદા કરી છે અને તેના માટે વર્તમાન રાજકારણ જ જવબાદાર છે.

ભલે અજિત પવાર અને શરદ પવારની બેઠકને લઇને શિવસેનાએ પોતાની પ્રતિક્રિયા આપી હોય, પરંતુ શરદ પવારને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન આપવાના સમાચારો પર સંજય રાઉતે કહ્યુ કે, અજિત પવાર એટલા મોટા નેતા નથી કે તેઓ શરદ પવારને ઓફર કરી શકે. અજિત પવારને રાજકારણના પાઠ શરદ પવારે શિખવાડ્યા છે. શરદ પવારે 60 વર્ષથી વધારે સમય સંસદીય રાજનીતિમાં વિતાવ્યો છે અને 4 વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.તેમનું કદ ઘણું મોટું છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે તેમને NCP પ્રમુખ શરદ પવાર અને અજિત પવાર વચ્ચેની સિક્રેટ મિટીંગ મંજૂર નથી અને કોંગ્રેસ માટે આ ચિંતાનો વિષય છે. પટોલેએ કહ્યું કે, આ બાબતે તેઓ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે ચર્ચા કરશે અને INDIA ગઠબંધનમાં પણ આની ચર્ચા થશે.

જો કે શરદ પવાર જૂથનું કહેવુ છે કે તેઓ ભાજપ સાથે જવાના પક્ષમાં નથી એટલું જ નહીં પણ શરદ પવાર ભાજપ સામે રાજ્યભરમાં રેલીઓ કરશે. ભાજપ સામેની રેલીની શરૂઆત 17 ઓગસ્ટથી બીડથી શરૂ થવાની છે. સાથે 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના દિવસે મુંબઇમાં થનારી INDIA ગઠબંધનની તૈયારીમાં પડ્યા છે.

શરદ પવારે સ્પષ્ટતા કરી છે કે તેઓ પોતાના સ્ટેન્ડ પર કાયમ છે. તેમણે કહ્યું કે ભલે તેમના સાથીઓએ અલગ ચોકો કર્યો છે, પરંતુ આજે અથવા કાલે તેમનું પણ પરિવર્તન થઇ શકે છે. જો કે શરદ પવારે એમ પણ કહ્યું છે કે એ લોકો બદલાય કે ન બદલાય, પરંતુ અમે અમારો રસ્તો બદલવા માંગતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp