
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આમ આદમી પાર્ટીના હાથે કારમી હાર ભલે મળી હોય, પરંતુ ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને ભાજપ માટે સારા સમાચાર આપ્યા છે. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. ભાજપના અનૂપ ગુપ્તા ચંદીગઢના નવા મેયર બન્યા છે. તેમણે આમ આદમી પાર્ટીના જસબીર સિંહ લાડીને એક વોટથી હરાવ્યા છે.
ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશમાં કુલ 35 બેઠકો છે અને મેયર પદ માટે 19 વોટની જરૂર હોય છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પાસે 14-14 કાઉન્સીલરો હતા. કોંગ્રેસની પાસે 6 અને શિરોમણી અકાલી દળ પાસે 1 કાઉન્સીલર હતા. પરંતુ આમ છતા કુલ 29 વોટ પડ્યા અને હાર જીતનો ચુકાદો આવી ગયો. કારણકે કોંગ્રેસે આ ચૂંટણીમાં ભાગ નહોતો લીધો. ભાજપના અનુપ ગુપ્તાને 15 વોટ મળ્યા જ્યારે આમ આદમી પાર્ટીના જશબીર સિંહને 14 વોટ મળ્યા. મેયરની ચૂંટણીમાં કોઇ ક્રોસ વોટીંગ નહોતું થયું.ચંદીગઢમાં મેયર એક વર્ષ માટે ચૂંટાય છે.
મેયરની ચૂંટણીમાં એક વોટ સાંસદનો પણ હોય છે. હવે બન્યું એવું કે સાંસદ ભાજપના કિરણ ખેર છે. અનુપમ ખેરના પત્ની અને બોલિવુડ અભિનેત્રી કિરણ ખેરના એક વોટને કારણે ભાજપ આ ચૂંટણી જીતવમાં સફળ રહી. મીડિયા રિપોર્ટ મુજબ પોતાનો મત આપવા પહોંચેલા કિરણે ખેરે મત આપ્યા પછી જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
ડિસેમ્બર 2021માં નગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી છતા મેયર પદ પર AAP કબ્જો જમાવી શકી નહીં. આની પાછળનું મુળ કારણ કોંગ્રેસ છે.
વાસ્તવમાં આમ આદમી પાર્ટીના 14 કાઉન્સિલરો અને બીજેપીના 12 કાઉન્સિલરો જીત્યા હતા. સાથે જ કોંગ્રેસના આઠ અને એસએડીના એક કાઉન્સિલર બનાવવામાં આવ્યા હતા. પરંતુ ચૂંટણી બાદ કોંગ્રેસ કાઉન્સિલર હરપ્રીત કૌર બબલા પક્ષ બદલીને ભાજપમાં જોડાયા હતા.આ સિવાય કોંગ્રેસના કાઉન્સેલર ગુરચરનજીત સિંહ કાલા પણ જૂન 2022માં ભાજપમાં જોડાયા હતા. જે બાદ ભાજપના કાઉન્સિલરોની સંખ્યા વધીને 14 થઈ ગઈ.
હકિકતમાં, ચંદીગઢની 2021ની નગર પાલિકાની ચૂંટણી અનેક બાબતો માટે મહત્ત્વની છે. 2021 માં, જ્યારે AAP એ 14 બેઠકો જીતીને નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવીને ભાજપ અને કોંગ્રેસ બંનેને પાછળ છોડી દીધા હતા, ત્યારે તેમની જીતે પંજાબના રાજકીય પરિદ્રશ્યમાં પરિવર્તનનો સંકેત આપ્યો હતો, ત્યારબાદ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 117 વિધાનસભા બેઠકોમાંથી 92 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવીને પંજાબમાં સરકાર બનાવી હતી.
પરંતુ હવે મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પરાજય થયો છે. આ જીત સાથે ભાજપ એવો સંદેશ આપવા માંગે છે કે શહેરી મતદારોએ ફરી એકવાર ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, સાથે સાથે તેના કાઉન્સિલરો પણ તેની સાથે રહ્યા છે.
તમને જણાવી દઈએ કે 2022ની મેયરની ચૂંટણીમાં ભાજપની સરબજીત કૌરે આમ આદમી પાર્ટીની અંજુ કાત્યાલને બહુ ઓછા અંતરથી હરાવ્યા હતા.
પંજાબમાં જ્યાં સુધી રાજકીય રૂખની વાત છે ત્યાં સુધી ચંદીગઢ એક મહત્વપૂર્ણ શહેર છે. ચંદીગઢ એક લોકસભા બેઠક પણ છે અને એવું માનવામાં આવે છે કે કેન્દ્રમાં સરકાર પણ તે જ બનાવે છે જેણે અહીંથી છેલ્લી ચાર લોકસભા ચૂંટણી જીતી છે.
મેયરની સાથે સીનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પણ થઇ રહી છે. ભાજપે સીનિયર ડેપ્યુટી મેયર પદ માટે કંવરજીત રાણા અને ડેપ્યુટી મેયર તરીકે હરજીત સિંહને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ સીનિયર ડેપ્યુટી મેયર પદ માટે તરુણા મહેતા અને ડેપ્યુટી મેયર પદ માટે સુમન સિંહને ઉમેદવાર બનાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp